Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

'બધાઇ હો' અને 'હેલ્લારો' સહિત ૨૬ ફિલ્મ્સને સન્માનિત કરશે કેન્દ્ર સરકાર

એવોર્ડના આ લિસ્ટમાં અનેક ભાષાઓની ફિલ્મનો સમાવેશ થાય છે

નવી દિલ્હી, તા.૨૨: માહિતી અને પ્રસારણ મંત્રાલયે ગેઝેટ નોટિફિકેશન જાહેર કરીને અનેક ફિલ્મ્સ અને સ્ટાર્સ માટે એવોર્ડ જાહેર કર્યા છે. ફિલ્મ ઉદ્યોગમાં આ એવોર્ડ્સ ભારતીય પેનોરમા રેગ્યુલેશન્સ ૨૦૧૯ અંતર્ગત આપવામાં આવી રહ્યા છે. આ લિસ્ટ મુજબ કેન્દ્ર સરકાર 'બધાઇ હો' અને 'હેલ્લારો' સહિત ૨૬ ફિલ્મ્સને સન્માનિત કરશે.

એવોર્ડના આ લિસ્ટમાં અનેક ભાષાઓની ફિલ્મનો સમાવેશ થાય છે. જેમાં બોલિવૂડની દ્યણી ફિલ્મ્સ સહિત અન્ય ઘણી ભાષાઓની ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. બોલિવૂડની ફિલ્મ્સ અને નિર્માતાઓ જેની આ એવોર્ડ માટે જાહેરાત કરવામાં આવી છે તેમાં ગુજરાતી ભાષાની 'હેલ્લારો', આયુષ્માન ખુરાનાની 'બધાઇ હો', રિતિક રોશનની 'સુપર ૩૦', વિકી કૌશલની 'ઉરી' સર્જિકલ સ્ટ્રાઈક' અને રણવીર સિંહની 'ગલી બોય'નો સમાવેશ થાય છે. પ્રકાશ ઝાની 'પરીક્ષા' અને સંજય પૂરનસિંહ ચૌહાણની 'બહત્તર હુરેં' જેવી ફિલ્મ્સ પણ છે.

નોન ફીચર ફિલ્મ કેટેગરીમાં વિક્રમજિત ગુપ્તાની 'બ્રીજ', વિકાસચંદ્રની 'માયા', પંકજ જોહરની 'સત્યાર્થી', વિભા બક્ષીની 'સનરાઇઝ' નામ પણ છે. નોંધનીય છે કે, આ લિસ્ટમાં મરાઠી, તમિલ, બંગાળી, મલયાલમ અને પનિયા ભાષાઓની ફિલ્મો પણ આ લિસ્ટમાં શામેલ છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલયે ૧૬ ઓકટોબરના રોજ એવોર્ડની જાહેરાત કરી હતી. જેમાં જણાવાયું છે કે સુધારેલા ભારતીય પેનોરમા રેગ્યુલેશન્સ ૨૦૧૯ મુજબ કેન્દ્ર સરકારે સંબંધિત જયૂરીની ભલામણોને આધારે આ બધી ફિલ્મ્સ, તેમના ડિરેકટર અને નિર્માતાઓને એવોર્ડ આપવાનો નિર્ણય લીધો છે.

(4:23 pm IST)