Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

અભિનેત્રી નિશી સિંહ ભાડલી પેરાલિસિસ થતાં પથારીવશ

પતિએ સારવાર માટે માગી આર્થિક મદદઃ છેલ્લા ૨ વર્ષથી ગંભીર બીમારીઓ સામે લડી રહ્યી છે, ગત વર્ષે ફેબ્રુઆરીમાં નિશીને પેરાલિસિસનો એટેક આવ્યા

મુંબઈ,તા.૨૭ :  હિટલર દીદી, કૂબૂલ હૈ, ઈશ્કબાઝ અને તેનાલી રામા સહિતની ઘણી ટીવી સીરિયલોમાં દેખાઈ ચૂકેલા સિનિયર અભિનેત્રી નિશી સિંહ ભાડલીની તબિયત ખરાબ છે. છેલ્લા બે વર્ષથી તેઓ ગંભીર બીમારીઓ સામે લડી રહ્યા છે. ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં નિશીને પેરાલિસિસનો એટેક આવ્યો હતો. જે બાદથી તેઓ મોટાભાગનો સમય ઘરમાં જ છે. તેઓ સાજા થઈ રહ્યા હતા તે દરમિયાન આ વર્ષે ફરી એકવાર તેમને સ્ટ્રોક આવ્યો. નિશીના પતિ અને એક્ટર સંજય સિંહ ભાડલી બે છેડા ભેગા કરવા માટે ખૂબ સંઘર્ષ કરી રહ્યા છે. નિશીના મેડિકલ ખર્ચા અને અન્ય ખર્ચ માટે રૃપિયા ભેગા કરવા મુશ્કેલ બન્યા છે. સંજય સિંહ ભાડલીે કહ્યું, *ફેબ્રુઆરી ૨૦૧૯માં નિશી ઘરમાં ઢળી પડી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાઈ અને સાત-આઠ દિવસ સુધી ત્યાં રહી હતી. તેને હાલત એટલી ખરાબ હતી કે તે કોઈને ઓળખી પણ નહોતી શકતી. થોડા દિવસ બાદ તેને હોસ્પિટલથી ઘરે લઈ આવ્યા અને ધીમે-ધીમે તેની હાલત સુધારા પર હતી. પરંતુ આ વર્ષે રક્ષાબંધનની આસપાસ નિશીને ફરીવાર પેરાલિસિસનો સ્ટ્રોક આવ્યો અને તેનું ડાબુ અંગ રહી ગયું. નિશી સભાન તો છે પરંતુ તેને કંઈપણ કરવામાં સહારાની જરૃર પડે છે. આ કપલના બે બાળકો છે. તેમનો ૧૯ વર્ષીય દીકરો નાના-નાની સાથે દિલ્હીમાં રહે છે જ્યારે ૧૬ વર્ષની દીકરી અહીં તેમની પાસે છે. દીકરી ૧૬ વર્ષની હોવાથી એકલા હાથે નિશીની કાળજી લઈ શકવા સક્ષમ નથી, માટે સંજય મોટાભાગનો સમય તેની દેખરેખમાં વિતાવે છે. નિશીની સારસંભળા રાખવાની હોવાથી સંજય કોઈ કામ પણ હાથમાં લઈ શકતાં નથી. મહામારી બાદ તેમની સ્થિતિ વધારે વણસી છે. ખૂબ ચર્ચા-વિચારણા અને કોઈ વિકલ્પ બાકી ના રહેતા સંજયે બહારથી આર્થિક મદદ માગવાનો નિર્ણય કર્યો છે. સંજયે કહ્યું, હાલ નિશીની તબિયત સુધારા પર છે પરંતુ તેની સારવાર અને અન્ય ખર્ચા ઉઠાવવા માટે રૃપિયાની જરૃર છે. છેલ્લા બે વર્ષમાં અમારી બધી જ બચત ખર્ચાઈ ગઈ છે. અમારે રૃપિયાની તાતી જરૃર હોવાથી મારો ફ્લેટ પણ મેં ગીરવે મૂક્યો છે. રૃપિયા માટે અમે અમારા પરિવારો સામે હાથ લંબાવી શકીએ તેમ નથી કારણકે તેઓ પણ આર્થિક રીતે સદ્ધર નથી. મેં જ્યારે મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં આવવાનું નક્કી કર્યું ત્યારે જ મારા પરિવારે મારો હાથ છોડી દીધો હતો. અમે ખૂબ મુશ્કેલીમાં છીએ અને અમારે મદદની જરૃર છે.

(12:40 pm IST)