Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

દર્દીની સેવા કરનારની પુત્રીની ઈન્ડિયન આઈડલમાં કમાલ

રિયલિટી શોમાં ગોલ્ડન માઈક મેળવ્યું : કોરોના વાયરસ શરૂ થયો ત્યારથી સાયલીના પિતા એમ્બ્યુલન્સના ડ્રાયવર તરીકે ફરજ બજાવી રહ્યા છે

મુંબઈ, તા. ૩૦ : સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલની ૧૨મી સીઝન ગત શનિવારથી એટલે કે ૨૮ નવેમ્બરથી શરુ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર પહેલાથી તેના કેટલાક પ્રોમો વીડિયો સામે આવી ચૂક્યા છે. જેમાં કેટલાક કન્ટેસ્ટન્ટ જીવનમાં કરેલી મહેનત અને સંઘર્ષની કહાણી કહેતા જોવા મળ્યા. હવે ઈન્ડિયન આઈડલના સેટ પર કોરોના વોરિયરની દીકરીએ કમાલ કરી દેખાડી છે, જેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. સાયલી કિશોર કાંબલે નામની છોકરીએ પોતાના સૂરીલા અવાજમાં જજ સામે ગીત ગાઈને સંભળાવ્યું. સિવાય તે પોતાના માતા-પિતા શું કામ કરે છે તે અંગે વાતચીત કરતી પણ જોવા મળી. તેણે કહ્યું કે, મારી મમ્મી ગૃહિણી છે અને મારા પિતા એમ્બ્યુલન્સના ડ્રાઈવર છે. કોરોના મહામારી શરુ થઈ ત્યારથી મારા પપ્પા સતત ડ્યૂટી કરી રહ્યા છે. મારા પપ્પા ખૂબ મહેનતુ છે. મારા પિતા ઓવર ડ્યૂટી કરશે, ઓવર શિફ્ટ કરશે. કોઈ કામ માટે તે ના નહીં પાડે. હું તમને એક સાચી વાત કહું તો મારા પપ્પા મારા માટે સુપરહીરો છે'.

સાયલી સાથે તેના પિતા પણ સ્ટેજ પર આવ્યા હતા. વિશાલ દદલાનીએ તેમની સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, 'તમારો દિલથી આભાર માનવા માગુ છું. તે દરેક વ્યક્તિ તરફથી આપનો આભાર માનવા માગુ છું, જેની તમે મદદ કરી'. જે બાદ સાયલીએ ગીત ગાઈને જજને ઈમ્પ્રેસ કરી દીધા હતા. વિશાલ દદલાની, નેહા કક્કડ અને હિમેશ રેશમિયા એમ ત્રણેય જજે ઉભા થઈને તેના માટે તાળીઓ પાડી હતી. આ સિવાય હિમેશ રેશમિયાએ સાયલીના વખાણ કરતાં તેના પિતાને કહ્યું કે, 'તમારું જે કર્મ છે, તમે લોકોની જે સેવા કરી છે. લોકોની દુઆ જે તમે લીધી છે, તે આશીર્વાદ તમારી દીકરીને મળી ગયા છે'. આ સાથે જ સયાલી ગોલ્ડન માઈક મેળવીને થિયેટર રાઉન્ડના ફાઈનલ રાઉન્ડમાં એન્ટ્રી લેનારી પહેલી કન્ટેસ્ટન્ટ પણ બની. ગોલ્ડન માઈક મળતાં સાયલી ઈમોશનલ થઈ ગઈ હતી, તેણે ભેટીને તેના પિતાનો આભાર માન્યો હતો.

(7:36 pm IST)