ફરી શરૂ થશે શોભિતાની ફિલ્મનું શુટીંગ
અભિનેત્રી શોભિતા ધુલિપાલાની ફિલ્મનું શુટીંગ ફરીથી શરૂ થવાનું છે. શોભિતા રોની સ્ક્રુવાલાની ફિલ્મ 'સિતારા'માં મુખ્ય ભુમિકા નિભાવી રહી છે. તેની સાથે આ ફિલ્મમાં રાજીવ સિધ્ધાર્થ છે. ફિલ્મના પ્રથમ શેડ્યુલનું શુટીંગ મુંબઇમાં પુરૂ થઇ ગયું હતું. પરંતુ એ પછી લોકડાઉન આવી જતાં આગળનું કામ અટકી ગયું હતું. હવે આ ફિલ્મને ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લેવાઇ ચુકયો છે. સિતારામાં એક સ્વતંત્ર યુવા ઇન્ટિરીયર ડિઝાઇનર અને એક શેફની લવસ્ટોરી જોવા મળશે. આ કપલર તેની રિલેશનશીપમાં શું વાંધો છે તે શોધી કાઢે છે. ત્યારબાદ તેને સફળ બનાવવાનો પ્રયાસ કરે છે. અગાઉ અનેક ફિલ્મોમાં પ્રોડકશન ડિઝાઇનરનું કામ કરી ચુકેલી વંદના કટારીયા આ ફિલ્મનું નિર્દેશન સંભાળી રહ્યા છે. સ્ક્રીનપ્લે પણ સોનીયા બહેલ સાથે મળીને વંદનાએ લખ્યો છે. ડાયલોગ હુશેન દલાલ અને અબ્બાસ દલાલે લખ્યા છે. રોની કહે છે આ ફિલ્મમાં પ્રેમ, પ્રશંસા, સ્વીકાર, માફી અને છુટકારાની વાત છે. અતરંગી પરિવારની આ સ્ટોરી અમે લોકો સામે મુકીશું. શોભિતા કહે છે સિનેમા જગતમાં નવીનતા લાવવા આ એક નાનકડી પહેલ છે. શુટીંગ નવેમ્બરમાં શરૂ થશે.