ફિલ્મ જગત
News of Monday, 26th October 2020

કલર્સ ગુજરાતીમાં આજથી 'પ્રેમની ભવાઈ' સિરીયલનો પ્રારંભ

આજે એક કલાકના સ્પેશ્યલ એપિસોડમાં જોવા મળશે નરેશ કનોડીયા અને હિતુ કનોડીયા

(કેતન ખત્રી),અમદાવાદઃ અમારા પ્રિય દર્શકોના ઘર બેઠા નોન-સ્ટોપ મનોરંજન માટે, કલર્સ ગુજરાતી લાવી રહ્યું છે 'પ્રેમની ભવાઈ' જે કલર્સ મરાઠીના ખુબ જ પ્રખ્યાત, 'જીવ ઝાલા પેડાપિસા' નું ગુજરાતી સંસ્કરણ છે. કાર્તિક રાષ્ટ્રપાલ અને મમતા ભાવસાર અભિનીત, 'પ્રેમની ભવાઈ' આજથી ૨૬મીથી કલર્સ ગુજરાતી પર રાત્રે ૯ વાગ્યે પ્રસારિત થશે. પહેલા એપિસોડમાં કલર્સ ગુજરાતી દ્વારા સુપરસ્ટાર નરેશ કનોડિયા અને હિતુ કનોડિયાની કેમિયો એન્ટ્રી કરવામાં આવી છે, જે દર્શકો એક કલાકના સ્પેશ્યલ એપિસોડમાં માણી શકશે.

'પ્રેની ભવાઈ' એ રૂદ્ર અને ધારાની વાર્તા છે  રૂદ્ર એક ઉગ્ર, અભણ અને અનૈતિક વ્યકિતત્વ છે જે ઈન્દ્રાણી (ધારાસભ્ય) પ્રત્યેની વફાદારી સાબિત કરવા માટે સદાય  તત્પર રહે છે, અને ધારા, એક શિક્ષિત, સિદ્ઘાંતો પર ધરાવતી, અને તેના ગામની સૌથી આદરણીય વ્યકિતની દીકરી છે. જેવી રીતે તેલ અને પાણી મળી ના શકે, તેવી જ રીતે રૂદ્ર અને ધારા અલગ જ દુનિયામાં વસે છે. પણ જીવન એમને લગ્નના રસ્તા પર સાથે લાવીને છોડી દે છે. તો શું થશે એમના લગ્નજીવનનું?

કલર્સ ગુજરાતીના પ્રોગ્રામિંગ હેડ દર્શિલ ભટ્ટ કહે છે, કલર્સ ગુજરાતીમાં, અમારા દર્શકોને હંમેશાં  બેજોડ મનોરંજન આપીએ છીએ અને પ્રેમની ભવાઈના તેજસ્વી કલાકારો, મજબૂત સ્ક્રિપ્ટ અમારા દર્શકોને ચોક્કસપણે પૂર્ણ મનોરંજનનો અનુભવ કરાવશે. પહેલા એપિસોડમાં જ ગુજરાતના પ્રિય સુપરસ્ટાર નરેશ અને હિતુ કનોડિયાના સ્પેશ્યલ કેમીઓ માટે અમે સૌથી વધુ ઉત્સાહિત છીએ. અને અમને ખાતરી છે કે તેમની સાથે કામ કરવામાં જેટલો આનંદ અમને આવ્યો તેટલો જ તેમના કેમિયો ને માણવામાં અમારા દર્શકોને આવશે.

રૂદ્રની ભૂમિકા ભજવનારા કાર્તિક રાષ્ટ્રપાલ કહે છે, હું પ્રેમ ની ભવાઈના લોન્ચની રાહ જોઉ છું. અભિનેતા તરીકે રૂદ્ર રાણાનું પાત્ર ભજવવું મારા માટે એક રોમાંચક અનુભવ છે.  હું ખરેખર રૂદ્રના વ્યકિતત્વને સમજી શકું છું, એ મારી જેમ જ શિવ ભકત છે. એ  ગરમ સ્વભાવનો પણ પ્રેમાળ, આત્મવિશ્વાસથી ભરેલો, સાચા સમયે મદદરૂપ થનારો છે. શોના સેટ પર આખું વાતાવરણ ખૂબ જ પોઝિટિવ હોય છે અને હવે આખી ટીમ એક પરિવાર બની ગઈ છે.

ધારાની ભૂમિકા ભજવનાર મમતા ભાવસારે ઉમેર્યું કે, ધારાની ભૂમિકા ભજવવી તે આર્ટિસ્ટ તરીકે મારા માટે એક સમૃધ્ધ અનુભવ છે અને હું તેના પાત્રથી ઘણું શીખી છું. એ પ્રામાણિક, સરળ અને સમજુ છે. અને એ તેના પિતાના સિદ્ઘાંતોનું પાલન કરે છે.  હું એના જીવનને વ્યકિતગત રીતે સમજી શકું છું કેમકે હું પણ મારા પિતાની ખૂબ નજીક છું.  હું એ પણ માનું છું કે જો કોઈ પોઝિટિવિટી સાથે કામ કરે તો બધું જ થઇ શકે.

 દર સોમવારથી શનિવાર રાત્રે ૯ વાગ્યે 'કલર્સ ગુજરાતી'માં આ સિરીયલ જોવા મળશે.

(3:32 pm IST)