Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

નર્મદા જિલ્લામાં ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા અને ૪૫ થી ૫૯ વર્ષની ઉમરના ગંભીર રોગોવાળા નાગરિકો માટે કોરોના વિરોધી રસીકરણનીનો પ્રારંભ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તા. ૧ લી માર્ચથી નર્મદા જિલ્લા ખાતે  થી ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને ૪૫ થી ૫૯ વર્ષ ઉંમરના ગંભીર રોગોવાળા નાગરિકો ને કોરોના વિરોધી રસીકરણની રસી કામગીરીનો પ્રારંભ થશે.
નર્મદા જિલ્લા ખાતે કોવિડ-૧૯ ના રસીકરણ પ્રથમ તબક્કામાં  આજદિન સુધી નોંધાયેલ હેલ્થ કેર વર્કર પૈકી (૮૯%) થી વધુ અને નોંધાયેલ ફ્રન્ટલાઇન વર્કર પૈકી (૬૪%)થી વધુને કોવિડ-૧૯ ની રસીનો પ્રથમ ડોઝ સફળતા પૂર્વક  આપી દેવામાં આવેલ છે તેમજ બીજો ડોઝ આપવાની કામગીરી ચાલુ છે.
ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાકીય વિગતો મુજબ રસી આપવા બાબતે ગુજરાત સમગ્ર દેશમાં પ્રતિ ૧૦ લાખ વસ્તીની સામે ગુજરાત પ્રથમ ક્રમે છે.
  કેન્દ્ર સરકારની સુચના મુજબ તા.૧ લી માર્ચ, ૨૦૨૧ ના રોજ થી ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા તથા ૪૫થી ૫૯ વર્ષ ઉંમરના અન્ય રોગ ધરાવતા નાગરિકોને રસી આપવામાં આવશે. તબક્કાવાર સરકારી દવાખાના, તથા PMJAY/MA Yojana અંતર્ગતની ખાનગી હોસ્પિટલો માં રસી આપવામાં આવશે.
  સરકારી દવાખાનામાં રસી વિનામુલ્યે આપવામાં આવશે, જ્યારે ખાનગી હોસ્પિટલોમાં રૂ.૧૦૦/- વહીવટી ખર્ચ અને ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવનાર રસીની કિંમત રૂ.૧૫૦/- એમ કુલ મળી રૂ.૨૫૦/- લાભાર્થી પાસેથી લેવામાં આવશે.
  બીજા તબક્કાના આ રસીકરણ અભિયાન માટે શરૂઆતના તબક્કે નર્મદા જિલ્લામાં અંદાજીત ૩૭ જેટલા સેન્ટર (સરકારી+ખાનગી) દ્વારા રસીકરણ કામગીરી કરવામાં આવશે. ત્યારબાદ ક્રમશ: તેમાં વધારો કરવામાં આવશે..રસી માટે લાયક લાભાર્થી કોવિન પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લીકેશનમાં ઓનલાઇન સજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી લઇ શકશે અથવા રસીકરણના સ્થળ પર જઇને નોંધણી કરાવી રસી લઇ શકશે.

 નોંધણી માટે આધાર કાર્ડ અને જો આધાર કાર્ડ ઉપલબ્ધ ના હોય તો નિયત કરેલ ઓળખ કાર્ડ પૈકી કોઇપણ એક ઓળખ કાર્ડ તથા ૪૫-૫૯ વર્ષના કોમોર્બીડ સ્થિતી લાભાર્થીને રજીસ્ટર્ડ મેડીકલ પ્રેક્ટીસનરનું પ્રમાણપત્ર ફરજીયાત રજુ કરવાનું રહેશે. તમામ રસી લીધેલ લાભાર્થીઓને રસીકરણ થવા બાબતનું પ્રમાણપત્ર રસીકરણના સ્થળેથી આપવામાં આવશે, તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,જિલ્લા પંચાયત નર્મદાની એક અખબારી યાદીમાં જણાવાયું છે

 
(10:20 pm IST)