Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

મોદીજીએ પોતાના વારાની રાહ જોતા રસી મુકાવી, સ્‍વયં એઇમ્‍સમાં ગયા અને બધાને પ્રેરિત કર્યા, પ્રધાનમંત્રીએ રસી લીધી એ વિરોધીઓને જવાબ છેઃ વિજયભાઇ રૂપાણી-નીતિનભાઇ પટેલ

અમદાવાદ: કોરોના રસીકરણનો  ત્રીજો તબક્કો આજથી શરૂ થઈ ગયો છે. આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદીએ પણ દિલ્હી એમ્સ ખાતે કોરોના રસીનો પહેલો ડોઝ લીધો. PM મોદીએ ભારત બાયોટેકની કોવેક્સિનનો પહેલો ડોઝ લીધો. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ આજે રસી લીધી એ વિરોધીઓને જવાબ છે.

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓની એક જ વાત હતી કે પહેલા ફ્રન્ટલાઈન વર્કરને વેકસીન મળવી જોઈએ. આજે નિયમ મુજબ તેઓએ સરકારી હોસ્પિટલમાં વેકસીન લીધી છે. આત્મનિર્ભર ભારત હેઠળ બનેલી વેકસીન માટે દેશને ગૌરવ છે. તેમણે કહ્યું કે દેશ અને રાજ્યના દરેકને વેકસીન લેવા વિનંતી છે. સરકારે બનાવેલા નિયમોનું પાલન કરીને દરેકે વેકસીન લેવી જોઈએ. આ ઉપરાંત કોરોનાના નવા સ્ટ્રેન અંગે તેમણે કહ્યું કે નવા આવી રહેલા સ્ટ્રેન અંગે સરકાર દેખરેખ રાખી રહી છે. હાલ કોઈ ને ગભરાવવાની જરૂર નથી.

સીએમ રૂપાણીએ પણ કરી ટ્વીટ

સીએમ વિજય રૂપાણીએ ટ્વીટ કરીને કહ્યું કે પીએમ મોદીએ સ્વયં એમ્સમાં જઈને રસી મૂકાવી અને બધાને પ્રેરિત કર્યા. મોદીજીએ પોતાના વારાની રાહ જોતા રસી મૂકાવી અને સાથે સાથે ભારતવાસીઓને ભારતમાં નિર્મિત રસી પર વિશ્વાસ અપાવ્યો છે. આપણા મેડિકલ સાયન્સ પર સમગ્ર દેશ ગર્વ મહેસૂસ કરી રહ્યો છે.

પીએમ મોદીએ લીધી કોરોનાની રસી

અત્રે જણાવવાનું કે, પીએમ નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી એમ્સ ખાતે કોરોના રસીનો પહેલો ડોઝ લીધો. પીએમ મોદી સવાર સવારમાં દિલ્હી એમ્સ પહોંચ્યા અને કોરોનાની રસી મૂકાવી. આ સાથે જ તેમણે લોકોને અપીલ પણ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જાણ કરી કે તેમણે કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો. તેમણે કહ્યું કે 'મે એમ્સમાં કોરોના રસીનો પહેલો ડોઝ લીધો. એ પ્રશંસનીય છે કે કેવી રીતે આપણા ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ કોરોના વિરુદ્ધ વૈશ્વિક લડતને મજબૂત કરવા માટે ત્વરિત સમયમાં કામ કર્યું છે. આ સાથે જ હું એ તમામ લોકોને અપીલ કરું છું જે લોકો આ રસી લેવા પાત્ર છે. બધા ભેગા મળીને આપણે ભારતને કોવિડ-19 મુક્ત કરીએ.'

CM વિજય રૂપાણીના પત્નીએ પણ લીધી રસી

મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીએ પણ ગાંધીનગરના ભાટ ખાતે આવેલી એપોલો હોસ્પિટલ ખાતે કોરોના રસી લીધી.  મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા તમામ સિનિયર સિટીઝનને વેક્સિન લેવા માટેની અપીલ કરી હતી. ગુજરાતના 60 લાખ જેટલા વરિષ્ઠ વડીલોને આ રસીકરણ અભિયાનનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે. અંજલીબેન સિનીયર સિટીઝન હોવાને કારણે ત્રીજા તબક્કામાં વેક્સીન લીધી.

(4:53 pm IST)