Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

દેત્રોજમાં કુદરતી ખેતી કરીને ત્રણ ભાઈઓએ મબલક સમૃદ્ધિ લણી :35 સભ્યોનો પરિવાર એક રસોડે જમે છે

બે વિઘાથી શરૂઆત કરી હાલમાં 110 વીઘા જમીન : ત્રણેય બંધુઓ માત્ર દેશી છાણીયા ખાતર નો આગ્રહ રાખે છે

ઉત્તર ગુજરાતના દેત્રોજ ગામ પાસેની નબળી જમીનમાં કુદરતી ખેતી કરીને એક જ પરિવારના ત્રણ ભાઇઓ મબલખ પાક લઇ રહ્યાં છે, એટલું જ નહીં માત્ર બે વિઘા જમીનથી ખેતી શરૂ કરી હતી અને હવે તેમની પાસે 110 વિઘા જમીન છે. આ ગામ અમદાવાદ, મહેસાણા અને પાટણ જિલ્લાની વચ્ચે આવેલું છે.

આ ત્રણેય બંધુઓ માત્ર દેશી છાણીયા ખાતર નો આગ્રહ રાખે છે. મુખ્ય ધાન સાથે બાગાયત ફળફૂલ, શાકભાજી કે નવા વૃક્ષ વાવવા સતત પ્રયાસ કરી રહ્યાં છે. ટપક પદ્ધતિ હોય કે બીટી કપાસ, બજારમાં આવતી નવી બિયારણ જાત હોય કે જુનવાણી પાક માવજત તમામ ક્ષેત્રે ત્રણ ભાઇ કાન્તિભાઇ, રમણભાઇ અને પોપટભાઇ હંમેશા અગ્રેસર હોય છે. આ ભાઇઓએ વારસાઇમાં ચાર વિઘા જમીન મળી હતી.

મોટા ભાઇ કાન્તિભાઇ શિક્ષક બન્યા અને રમણ તથા પોપટ તેમના હાથપગ બન્યા, ખુબ કરકસર કરી નાના નાના ખેતરમાં રોકાણ કર્યું, રમણભાઇ માનતા કે જમીન આપણી પાલક માતા છે, કોઈ દિવસ ભૂખ્યા નહી રાખે, હા, તેની માવજતમાં દિવસરાત તેને ખોળે રહેવું પડે. બસ આ જીવનમંત્ર સ્વિકારી જરૂર પડે ઉછીના પાછીના કરી બે દશક ખેતી સાધના કરી, પરિણામે મોટી વાત એ બની કે ત્રણ પરિવારના સાત દીકરા તેમની વહુઓ, બધા સંયુક્ત રહેવાની નવી પ્રણાલી ઉભી કરી શક્યા છે તે અચરજ પમાડે તેવી બાબત છે.

આ પરિવાર એક જ ઘરમાં રહે છે. એકજ રસોડે, 35 સભ્યો સવાર સાંજ બંને સમય સાથે જમે છે. ગામમાં આવનાર દરેક સરકારી અધિકારી, નાના મોટા કર્મચારી મહેમાન સપ્રેમ રસોડે જોડાય છે. આજે તેમની ખેતી સમૃદ્ધ છે, કેમ કે તે સૌ સંયુક્ત જીવનશૈલીમાં વિશ્વાસ ધરાવે છે. પ્રજાપતિ પરિવારના સાતેય દીકરા ગ્રૅજ્યુએટ કે તેથી વધારે અભ્યાસ ડિગ્રી ધરાવે છે.

આ પરિવારનો એક દીકરો, દેત્રોજ તાલુકા મથકની મુખ્ય શાળામાં ઉમદા મુખ્ય શિક્ષક છે. મુકેશ રમણભાઈ ગુર્જર, સ્વભાવે વિનમ્ર, ઓછા બોલકા અને સમય બાબતે ચુસ્ત પાલન કર્તા છે. સ્કૂલમાં હાજર હોય ત્યારે સેવકથી શિક્ષક કે ક્લાર્ક થી વાલી-વિદ્યાર્થી સૌ માટે મદદ કરવા તત્પર હોય છે.

દેત્રોજ અને આસપાસના ગામમાં તેમના પરિવારની સંયુક્ત પરિવાર તરીકે ઉજળી છાપ ઉભી થઇ છે. શિક્ષક હોવા છતાં તેમણે ખેતીને પ્રાધાન્ય આપ્યું છે. આજે આખોય પ્રજાપતિ પરિવાર ખેતીમય બન્યો છે. મુકેશ ગુર્જર કહે છે કે આજે ખેતીમાં શિક્ષણ નહી, શિક્ષણમાં ખેતી ઉપયોગિતા સાર્થક કરવાની છે. ગામડે સંયુક્ત પરિવાર તૂટી રહ્યા છે, જેને કારણ મોટી ખેતી ખર્ચાળ બની છે. પ્રાથમિક શિક્ષણમાં બાળકોને ખેતી વિષે સમજ આપવી અતિ આવશ્યક છે.

તેઓ કહે છે કે અમે આ વિસ્તારની જમીનમાં અનેક નવતર સફળ પ્રયોગો કર્યા છે. કાન્તિબાપાનું વિઝન અને રમણબાપા પોપટકાકાની સ્ટ્રગલ અમારી સામે સફળ પરિણામ લાવી છે, સો સવાસો વિઘામાં છેલ્લા બે દશકમાં અમે વલસાડી કાળીપત્તી ચીકુ, ધોળકાના ઉત્તમ જામફળ, કેરીમાં કેસર, દેશી અને આમ્રપાલી, લીંબુ, બોરડી, સાગ, અરડૂસો, પારસ જાંબુ, વાંસ, વરિયાળી, નાળિયેરી, સીસમ, પાઈન ટ્રી (સનમાઇકા), દ્રાક્ષ, મગફળી, કપાસ ના નવા બિયારણ, તો રોજ વપરાસી ઋતુજન્ય શાકભાજીમાં નવા પ્રયોગો અમારી ઓળખ બની રહી છે.

મુકેશ ગુર્જરે કહ્યું હતું કે ચાર દશકથી અમે જમીન ને રાસાયણિક ખાતર આપ્યું જ નથી. દેશી ખાતર માટે અમે દેત્રોજ અને આસપાસ ના છાણ ઉકરડા અગાઉથી રાખી લઈએ છીએ. દર વર્ષે ખાતર પલાળી ને પેરીએ છીએ, દરેક નવા સાધનો વસાવી લઈએ છીએ, શણ, ઇતેડ, એરંડી ફોતરી વગેરે સીધા ખાતર તરીકે ઉપયોગમાં લઈએ છીયે, પિયતમાં ખાતર સાથે દિવેલ ભેળવી જમીન ને પોચી બનાવવા અળસિયા બે ત્રણ ફૂટે જ રહેવા જરૂરી છે, જેથી દરેક પાક પછી નું ખેડાણ અને પાક પહેલા કમસેકમ બે ખેડ કરીએ છીએ.

(8:15 pm IST)