Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

GSPCની વેબસાઈટ હેક કરી માર્કશીટ બનાવાનું કૌભાંડ :યુપીનો યુવક અને વડોદરાના કલાસીસ સંચાલકો પકડાયા

અમદાવાદ સાયબર સેલની ટીમે વડોદરાના બે કલાસીસ સંચાલકો અને યુપીના યુવક સહીત 4 આરોપીની ધરપકડ કરી

અમદાવાદ: ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ (GSPC)ની વેબસાઈટ હેક કરી ડેટામાં ચેડા કરી બોગસ ડેટા અપલોડ કરી બનાવટી રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ, માર્કશીટ અને ડીગ્રી સર્ટીફીકેટ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરતી ટોળકી અંગે ફરિયાદ થઈ હતી. અમદાવાદ સાયબર સેલની ટીમે વડોદરાના બે કલાસીસ સંચાલકો અને યુપીના યુવક સહીત 4 આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલના રજીસ્ટાર જશુભાઈ હીરાભાઈ ચૌધરીએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી કે, છોટા ઉદેપુરના રહેવાસી મિત્સુ નિમેષ શાહનું બીફાર્મનું ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલનું રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટનું બનાવટી રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ તેમજ આર.કે.યુનિવર્સીટી ના બેચલર ઓફ ફાર્મસીની ડુપ્લીકેટ માર્કશીટ અને સર્ટીફીકેટ આરોપીઓએ બનાવ્યા હતા. આ માટે આરોપીઓએ GSPC (ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સીલ)ની વેબસાઈટ હેક કરી ડેટામાં ચેડા કરી ફરિયાદીની જાણ બહાર બોગસ ડેટા અપલોડ કરી બનાવટી રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ, માર્કશીટ અને ડીગ્રી સર્ટીફિકેટનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો. આમ આરોપીઓએ GSPC જોડે ઠગાઈ અને વિશ્વાસઘાત કરી સંસ્થાની પ્રતિષ્ઠાને હાની પહોંચાડી હતી.

સાયબર સેલના ડીસીપી અમિત વસાવા, ડીવાયએસપી જીતુ યાદવ અને પીઆઈ એમ.એન.દેસાઈની ટીમે ટેક્નિકલ એનાલીસીસ કરી વડોદરાના બે કલાસીસ સંચાલક સહિત ચાર આરોપીને ઝડપી લીધા છે. જેમાં ગ્લોબલ એકેડેમી ટ્યુશન કલાસનો સંચાલક જયમીન જયેશ પંડ્યા (ઉં,34)રહે, અર્થ આઇકોન ન્યુ વીઆઇપી રોડ વડોદરા, કપલોન ઇન્સ્ટિટ્યૂટનો સંચાલક વિરલ અંબાલાલ જયસ્વાલ (ઉં,42)રહે, ગોલ્ડન સિલ્વર એપાર્ટમેન્ટ, સુભાનપુરા,વડોદરા, ખાનગી ફાઇનાન્સ કંપનીનો મેનેજર મનોજ ઉર્ફ પિંકુ મુન્નાલાલ ચૌહાણ (ઉં,30)રહે, ગજાનંદ પાર્ક, મકરપુરા,વડોદરા અને મ્રીગાંક ઉર્ફ પોલી સુધીર ચતુર્વેદી રહે, અંકુર વિહાર, ગાજીયાબાદ, લોની ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે.

(10:37 pm IST)