Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

સુરતમાં કોરોનાનું વધતું સંક્રમણ : પોઝીટીવ કેસમાં સતત વધારો : તમામ ઝોનમાં કોવીડના કેસ વધ્યા

અનેક વિસ્તારો હાઈરિસ્ક વિસ્તાર તરીકે ઉભરી આવ્યા ; બિનજરૂરી અવરજવર ટાળવા અને માર્ગદર્શિકાનું અચૂકપણે પાલન કરવા અપીલ

 

સુરત: અનલોક-5ની શરૂઆત થઈ છે, બીજી તરફ સુરતમાં કોરોનાનું સંક્રમણ ફરી વધી રહ્યું છે. એક સમયે 150 આસપાસ પોઝિટિવ કેસો પહોંચ્યા હતાં, તેમાં ફરી પાછો વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે નવા 180 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. આજના આ 180 કોરોના પોઝિટિવ કેસો સાથે કુલ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 21,502 થયા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં એકિટવ સર્વેલન્સ દરમિયાન 2,404 ટીમો દ્વારા 9,33,285 વ્યકિતઓની તપાસ કામગીરી હાથ ધરવામાં આવેલ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ APX સર્વેમાં કુલ 3,18,341 ઘરોનું સર્વે હાથ ધરી કુલ 9,33,285 શહેરીજનોનું સર્વે કરવામાં આવ્યું છે.

પાલિકા દ્વારા કહેવામાં આવ્યું છે કે હાલમાં શહેરમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રિત કરવા માટે મહાનગરપાલિકા દ્વારા બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહયા છે. કોરોનાને નિયંત્રિત કરવા માટે દરરોજ મોટી સંખ્યામાં લોકોનાં રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ ટેસ્ટ દરમિયાન કોરોના પોઝિટિવ આવતા લોકોને હોસ્પિટલમાં સારવાર મેળવવી પડે તેવી પરિસ્થિતિની શરૂઆત થઈ ચૂકી છે. કારણ કે કોરોના વાયરસ એ અતિ ગંભીર રોગ છે. તેને સહજતાથી ના લેવો જોઈએ. જો આપણને અને પરિવારને આ રોગના શિકાર ન થવું હોયતો કોવિડ–19ની માર્ગદર્શિકાનું અચૂકપણે પાલન કરવું જરૂરી છે . ફરજિયાત માસ્ક પહેરવું , એક બીજા વચ્ચે સામાજિક અંતર જાળવવુ , વારંવાર સાબુથી હાથ ધોવા અને સેનિટાઈઝરનો મહત્તમ ઉપયોગ કરવો..

શહેરના તમામ ઝોન વિસ્તારમાં કોરોનાનું પ્રમાણ વધી રહ્યું છે. આ તમામ વિસ્તારો હાઈરિસ્ક વિસ્તાર તરીકે ઉભરી આવેલ છે. આ વિસ્તારોમાં કોરોના વાયરસના સંક્રમણ થવાની શકયતા વધુ રહેલ હોય જેથી શહેરીજનોએ આ વિસ્તારોમાં બિનજરૂરી અવર-જવર કરવી નહીં અને માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું તથા કોરોનાની માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન કરવું. હાલની પરિસ્થિતિમાં વરાછા ઝોન–એમાં ધનવર્ષા , ભાગ્યોદય વોર્ડ અને કાપોદ્રા વિસ્તાર, વરાછા ઝોન– બીમાં સીમાડા, પૂણા બી વોર્ડ અને મોટા વરાછા સી વોર્ડ વિસ્તાર, રાંદેર ઝોનમાં કૃષ્ણકુંજ, પાલનપુર જકાતનાકા, પાલ અને જહાંગીરપુરા વિસ્તાર, કતારગામ ઝોનમાં ડભોલી, મોટી વેડ, અખંડઆનંદ અને પારસ વિસ્તાર, ઉધના ઝોનમાં વિજયાનગર વોર્ડ, જૂનું બમરોલી વોર્ડ અને ભેસ્તાન વિસ્તાર, અઠવા ઝોનમાં અલથાણ, વેસુ, સિટીલાઈટ અને પીપલોદ વિસ્તાર, લિંબાયત ઝોનમાં મગોબ વોર્ડ અને ગોડાદરા વોર્ડ, સેન્ટ્રલ ઝોનમાં નાનપુરા અને સલાબતપુરા વિસ્તાર સહિત આ તમામ વિસ્તારો હાઈરિસ્ક વિસ્તાર છે.

(12:01 am IST)