Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

કોંગ્રેસના ઉમેદવારોની બે -ત્રણ નામોની પેનલ તૈયાર : પાર્લામેન્ટરી બોર્ડ કરશે પસંદગી

સ્થાનિક મુદ્દાઓ સાથે લોકો વચ્ચે જઈશું. પ્રજા અને પક્ષ સાથે બળવો કરનારાને લોકો ઘરે બેસાડશે.: અમિત ચાવડા

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની આગામી 3 નવેમ્બરના રોજ પેટા ચુંટણી યોજાવાની છે. આ પેટાચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરવા માટે બે દિવસથી કોંગ્રેસ દ્વારા કવાયત ચાલતી હતી, ત્યારે બુધવારે કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે  બે અને ત્રણ નામોની પેનલ તૈયાર કરવામાં આવી છે, અમે સ્થાનિક મુદ્દાઓ સાથે લોકો વચ્ચે જઈશું. પ્રજા અને પક્ષ સાથે બળવો કરનારાને લોકો ઘરે બેસાડશે. કોંગ્રેસ તમામ 8 બેઠકો જીતશે

 . કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની આગેવાનીમાં કોંગ્રેસના હોદ્દેદારોની નિરીક્ષકો સાથે બુધવારે બેઠક યોજાઇ હતી. ગઇકાલે મંગળવારે યોજાયેલી બેઠકમાં પાંચ બેઠકો અબડાસા, કરજણ, મોરબી, લિંબડી, ગઢડાની પેનલના નામોની ચર્ચા પૂર્ણ થઇ હતી. આજે બુધવારે કપરાડા, ડાંગ તથા ધારીની બેઠક પરના ઉમેદવારોની શોધ માટેની ચર્ચાઓ નિરીક્ષકો સાથે થઇ હતી. જેમાં નિરીક્ષકોની સેન્સ લેવામાં આવી હતી. આ બેઠકો પરના ઉમેદવારના નામની પસંદગીની પ્રક્રિયા આજે પૂર્ણ થઇ હતી. હવે તમામ બેઠકોની પેનલના નામો દિલ્હી પાર્લામેન્ટ બોર્ડને મોકલવામાં આવશે.

(12:46 pm IST)