Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

અમદાવાદ જિલ્લામાં વ્હાલી દીકરી યોજના અંતર્ગત 400 અરજી મંજૂર

યોજનાનું અરજીપત્રક વિનામૂલ્યે આંગણવાડી કેન્દ્રો, સીડીપીઓ કચેરી, ગ્રામ પંચાયત, મહિલા અને બાળ અધિકારીની કચેરીએથી મેળવી શકાશે

અમદાવાદ ; ગત 2 ઓગસ્ટ 2019થી મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકની ‘વ્હાલી દીકરી યોજના’ અમલી બનાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં 400 અરજીઓ મંજૂર થઈ ચૂકી છે.

  અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારી એજાઝ મનસૂરીના જણાવ્યા અનુસાર આ યોજનામાં લાભાર્થી દીકરીને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4 હજારની સહાય, દીકરીને નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 6 હજારની સહાય અને 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે રૂ. 1 લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા અપાશે. વધુમાં વધુ બે દીકરીઓ અને 2 ઓગસ્ટ 2019 કે તે પછી જન્મેલી દીકરીઓને આ લાભ મળવાપાત્ર થશે. પ્રથમ અને દ્વિતીય બંને દીકરીઓને આ યોજનાનો લાભ મળશે. દીકરીના જન્મ સમયે માતાની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. પ્રથમ દીકરો અને બીજી દીકરી હોય તો બીજી દીકરીને લાભ મળવાપાત્ર રહેશે. પ્રથમ દીકરો અને બીજી દીકરીઓ (જોડિયા) કે તેથી વધુ એક સાથે જન્મના અપવાદરૂપ કિસ્સામાં તમામ દીકરીઓને ‘વ્હાલી દીકરી યોજના’નો લાભ મળવાપાત્ર થશે.આ યોજનાનો લાભ મેળવવા માંગતા દંપતિની વાર્ષિક આવક મર્યાદા રૂ. 2 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. આ યોજનાનું અરજીપત્રક વિનામૂલ્યે આંગણવાડી કેન્દ્રો, સીડીપીઓ કચેરી, ગ્રામ પંચાયત, મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતેથી મેળવી શકાશે

(12:54 pm IST)