Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

હથીયારના સોદાગર પાસેથી મળેલી અમેરીકન પિસ્તોલ ૩ વર્ષ કેમ સંતાડી રખાયેલી?

શસ્ત્ર સોદાગરો સામે આશિષ ભાટિયાની ઝુંબેશને સંવેદનશીલ ભરૂચમાં ભારે સફળતા : હથીયાર પર યુએસએના માર્ક પર કાટ લાગી ગયો હોવાથી રહસ્ય શોધવા એફએસએલમાં મોકલાશેઃ એક પખવાડીયામાં અડધો ડઝન હથીયારો અને શસ્ત્ર સોદાગરોને ઝડપનાર એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાથે અકિલાની વાતચીત

રાજકોટ, તા., ૧: રાજયના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા રાજય સરકારે ઘડેલા કડક કાયદાઓનો અમલ માત્ર કાગળ પર જ ન રહે તે દિશામાં ડ્રગ્સ માફીયાઓ-ડ્રગ્સ ડીલર્સો  અને ગેરકાયદે હથીયારોની હેરફેર સામેની ઝુંબેશ ચલાવવાના રાજયભરમાં આપેલ આદેશનો ચુસ્તતાથી  અમલ થતા જવલંત સફળતા સાંપડી રહી છે.

સંવેદનશીલ એવા ભરૂચમાં એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા ટીમ દ્વારા શરૂ થયેલ અભિયાનમાં  છેલ્લા પખવાડીયામાં ચારથી વધુ ઘાતક હથીયારોની સાથોસાથ અમેરીકાના માર્કાવાળી પિસ્તોલ સાથે રહીમ મીયા કાજી ઝડપાઇ જતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

અકિલા સાથેની વાતચીતમાં ભરૂચના એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવેલ કે  પ્રાથમીક પુછપરછમાં આ હથીયાર તેણે જાવીદ પટેલ પાસેથી ખરીદ્યાની કબુલાત કરતા જ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. હથીયારોના ગેરકાયદે કારોબારમાં  વધુ શખ્સોની સંડોવણી ખુલવાના પગલે ખાસ ટીમો રવાના કરવામાં આવી છે.

અકિલા સાથેની વિશેષ વાતચીતમાં  એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવેલ કે  આરોપીઓ રીઢા ગુન્હેગારો છે હથીયાર પર યુએસએ (અમેરીકા)ના માર્ક છે. ખરેખર   એ હથીયાર કર્યુ છે? તે હથીયાર ૩ વર્ષ સુધી  સંતાડી રાખવાના કારણે કાટ લાગી ગયો હોવાથી હથીયારોની ઓરીજીનલ માહીતી  મેળવવા એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

(12:55 pm IST)