Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

વીજ તંત્રના ખાનગીકરણ સામે વિદ્યુત કામદાર સંઘનો વિરોધઃ મુખ્યમંત્રીને આવેદન

ખાનગી કંપનીઓ ગ્રાહકોને અને કર્મચારીઓને અન્યાય કરે તેવી શકયતાઓ

રાજકોટ, તા., ૧: કેન્દ્ર અને રાજય સરકાર હસ્તકનાં વીજ એકમોનું ખાનગી કરવાની નીતી સામે અખીલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ તથા જીઇબી એન્જીનીયર્સ એસો.એ વિરોધ દર્શાવી આ બાબતે રાજયનાં મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે.

આ આવેદનમાં જણાવ્યું છે કે રાજયની ચારેય વીજ વિતરણ કંપનીઓ સમગ્ર દેશભરમાં છેલ્લા સાથ વર્ષોથી સતત પ્રથમ સ્થાને રહી અનેક એવોર્ડ પ્રાપ્ત કરી કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્થાપીત પરીણામો સફળતાપુર્વક મેળવી મોખરાનું સ્થાન પ્રાપ્ત કરેલ છે અને દેશમાં હાલમાં કાર્યરત ખાનગી કંપનીઓની વિજસેવાની તુલના કરતા પણ વધુ સારા પરીણામો મેળવી દેશભરમાં અગ્રેસર રહેલ છે. પરંતુ તાજેતરમાં દૈનિક સમાચાર પત્રોમાં પ્રસિધ્ધ થયેલ અહેવાલો મુજબ કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર અને રાજય સરકાર અસ્તકની વીજ વિતરણ કંપનીઓનું વહીવટીકરણ ખાનગી કંપનીને સંચાલન અને નિભાવની કામગીરી સોંપી ખાનગવીકરણ કરવાની કાર્યવાહી કરવાની સરકારશ્રીએ નીતી અમલમાં મુકવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેવું અમારા ધ્યાને આવેલ છે. જે બાબતે અમો કંપનીઓના સ્ટેકહોલ્ડરો આ બાબત નીચે મુજબની રજુઆતો સાથેનો સખત વિરોધ નોંધાવી જાણ કરીએ છીએ જેની સત્વરે નોંધ લેવા વિનંતી.

(૧) ગુજરાત વિદ્યુત બોર્ડનું વર્ષ ર૦૦પમાં કંપનીકરણ કરતા પહેલા રાજય સરકાર, જીયુવીએનએલ અને માન્ય યુનીયનો/ એસોસીએશન સાથે

ત્રિપક્ષીય કરાર કરી  નક્કી કરવામાં આવેલ છે કે વીજ કર્મચારીઓના હક્ક હિસ્સાઓનું સંપુર્ણપણે રક્ષણ કરવામાં આવશે.

(ર) કેન્દ્ર સરકાર દ્વારા ઉર્જાક્ષેત્રમાં ખાનગી કંપનીઓને પ્રોત્સાહન આપવાની નીતીઓથી રાજય સરકાર હસ્તકની વીજ વિતરણ વ્યવસ્થાને ખાનગીકરણ કરવાથી ખાનગી કંપનીઓ ફકત નફાયુકત ક્ષેત્રો જેવા કે શહેરી અને ઔદ્યોગીક ક્ષેત્રોમાં વિજ સુવિધાઓ પુરી પાડવાની નીતી અમલમાં મુકી નાના ગ્રાહકોને જેવા કે ગ્રામ્ય વિસ્તારના રહેણાંક, ખેતીવાડી, મધ્યમ વર્ગ, ગરીબી રેખા હેઠળના વીજ ગ્રાહકો પર વીજ બિલનું ભારણ વધશેે. સાથોસાથ નાના વિજ ગ્રાહકોને મળતી સબસીડી ક્રમશ બંધ થવાથી ખાનગી કંપનીઓ હેઠળના નાના વીજ ગ્રાહકોએ સરેરાશ રૂ. ૧૦ થી ૧ર પ્રતિ યુનીટ ચુકવવાની નોબત ઉભી થવાથી વિજ બીલની રકમમાં ખુબ જ વધારો થવાની પુરેપુરી સંભાવનાઓ રહેલી છે.

(૩) ભુતકાળમાં સરકારશ્રી દ્વારા ખાનગી કંપનીઓને વીજ ઉત્પાદન અને વિજ વિતરણ ક્ષેત્રે લાયસન્સો ઇસ્યુ કરી વેપાર કરવાના હેતુસર બેન્કો દ્વારા ખાનગી કંપનીઓને અબજો રૂપીયાનું ફંડ વિતરણ કરવામાં આવેલ તે પૈકી આજે સાંજે ર.પ લાખ કરોડ રૂપીયાઓનું ખાનગી કંપનીઓ દ્વારા ચુકવવાના બાકી હોવાથી બેંકોની કરોડોની રકમ આજે ફસાયેલ પડેલ છે.

(૪) હાલમાં જીયુવીએનએલ હેઠળની દરેક વીજ કંપનીઓ કુદરતી આપતીઓ જેવી કે અતિવૃષ્ટિ, પુર, વાવાઝોડા ભારે વરસાદ કે ધરતીકંપ જેવી આફતીઓમાં ભારે નુકશાન થવા છતાય રાજય સરકારશ્રીની મદદ સાથે ખુબ જ ઝડપથી ટુંકા સમયમાં હયાત વીજ સંશાધનો થકી વિજ પુરવઠો પુર્વવત કરવામાં ઝડપી અને અગ્રેસર રહેલ છે.

(પ) રાજય સરકાર હસ્તકની દરેક વીજ કંપનીઓ કેન્દ્ર અને રાજય સરકારશ્રીના આદેશોનું પાલન કરી સમય મર્યાદામાં પછાત વિસ્તારો, આદિવાસી વિસ્તારો અને અનેક સરકારી યોજનાનું ઝડપી અમલીકરણ કરી વીજળીકરણ કરવામાં વીજ કંપનીઓનો સિંહ ફાળો રહેલ છે.

(૬) આમ રાજય સરકાર દ્વારા કરવામાં આવેલ ત્રિપક્ષીય કરારની કલમો મુજબ વીજ કંપનીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓના હક્કોનું રક્ષણ કરવામાં આવેલ છે. જેમાં ખાનગી કંપનીઓ દ્વારા સંપુર્ણપણે શરતોનું પાલન નહી કરે તેવી સંભાવનાઓ રહેલી હોવાથી કર્મચારીઓને અન્યાય થશે. તેમજ ખાનગી કંપનીઓ તેમની વેપારીકરણ વૃતીથી નફાકારક વહીવટીકરણ કરવાની નીતી અખત્યાર કરવાથી મધ્યમ, નાના, ગરીબ વર્ગના, ગ્રામ્ય અને ખેતીવાડી ગ્રાહકોને વીજ સબસીડી બંધ થવાથી વીજ દરોમાં વધારો થવાથી તેમની મુશ્કેલીઓ વધશે તથા કૃષી ઉત્પાદનો પર મહાસંકટ ઉભુ થશે જેથી રાજયના જીડીપી / વિકાસમાં ઘટાડો થવાની સંભાવનાઓ રહેલ છે.

(3:15 pm IST)