Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

કાલે ગાંધી જયંતિએ વિજયભાઇ રૂપાણી આંગણવાડી - નંદઘર વગેરેના ૧૦૦૧ ભવનોનું ઇ-લોકાર્પણ કરશે

યશોદા - એવોર્ડ વિતરણ થશે - સ્વચ્છતા દિવસ નિમિતે હેન્ડવોશીંગ સહિતના કાર્યક્રમો : રાજકોટમાં અટલ બિહારી વાજપેયી ઓડિટોરીયમ : ખાતે સવારે ૯.૩૦ થી કાર્યક્રમનું જીવંત પ્રસારણ : મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિ રહેશે : વિગતો રજૂ કરતા સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ

રાજકોટ તા. ૧ : આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજ્યભરમાં આંગણવાડી તથા નંદઘર વગેરેને લગત નિર્માણ થયેલ ૧૦૦૧ ભવનોનું ઇ-લોકાર્પણ કરનાર છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, જીલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ ચેરમેન રૂપાબેન શીલુ એક સંયુકત યાદીમાં જણાવે છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ગુજરાતભરમાં ૧૦૦૧ જેટલા આંગણવાડી, સેજા કચેરી અને બ્લોક ઓફીસના નવનિર્મિત ભવનોનું ઇ-લોકાર્પણ, ઇ-ભૂમિપૂજન તથા NITA (નંદઘર ઈન્ફોર્મેશન ટ્રેકિંગ એપ્લીકેશન)નું લોન્ચિંગ, જીલ્લા કક્ષાના માતા યશોદા એવોર્ડ વિતરણ અને ૨-ઓકટોબર રાષ્ટ્રીય સ્વછતા દિવસ નિમિતે હેન્ડ વોશીંગ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં રાજકોટ ખાતે રાજયના પાણી પુરવઠા, પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત રાજય બિનઅનામત વર્ગ આયોગના ચેરમેન હંસરાજભાઈ ઘુસાભાઈ ગજેરા, મેયર બિનાબેન આચાર્ય તથા સાંસદો, ધારાસભ્ય, પદાધિકારીઓ, કોર્પોરેટરો તથા સ્થાનિક હોદ્દેદારો વિગેરે ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ રાજકોટ ખાતે કાલે તા. ૨ ને શુક્રવારના રોજ સવારે ૯.૩૦ કલાકથી અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ પેડક રોડ, સેટેલાઇટ ચોક ખાતે યોજાશે.

(3:16 pm IST)