Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

અભિમન્યુના સાત કોઠાની જેમ સાતથી આઠ દિવસ તો આઇસીયુમાં ગંભીર સ્થિતિમાં વિતાવેલા

કોરોના સામે જંગ જીતતા કમલ ભવસાર : શરૂઆતમાં તો બધા સામાન્ય લક્ષણો હતા પણ પાછળથી ફેફસામાં ઇન્ફેકશન વધવા લાગ્યું: મૃત્યુને ખુબ નજીકથી નિહાળી પાછો ફર્યો છુ, આપણને સમજાય જાય કે બધુ જ મુકીને જતાં રહેતા એક ક્ષણ જ લાગશે

'નવગુજરાત સમય'ના વરિષ્ઠ પત્રકાર કમલ ભાવસારે ૨૧ દિવસ સુધી કોરોના સામે જંગ ખેલી, અભિમન્યુના સાત કોઠાની જેમ સાતથી આઠ દિવસ તો આઈસીયૂમાં ગંભીર સ્થિતિમાં વિતાવ્યા અને અંતે કોરોનાને તેમની સામે હાર સ્વીકારવી જ પડી. પોતાનો અનુભવ જણાવતા તેઓ કહે છે, મને ૩૦ ઓગસ્ટ શનિવારે રાત્રે શરીરમાં થોડું કળતર જેવું લાગ્યું. રવિવારે સવારે તાવ આવ્યો તરત મેં ડોકટરને ફોન કર્યો. તેમણે સલાહ આપી કે એક દિવસ ડોલો લઈ જુઓ. મને મનમાં એવી શંકા હતી કે મને કોરોના હોવો જોઈએ એટલે એ જ દિવસે હું ઘરમાં આઇસોલેટ થઈ ગયો. સોમવારે સવારે ડોકટરને બતાવ્યું તો તેમણે મને કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપી. તેથી હું વરસતા વરસાદે ટેસ્ટ કરાવવા નીકળ્યો, હું ચાર સેન્ટર પર ગયો અને ધનવંતરી રથ શોધ્યા. પણ કોઈ મેળ પડ્યો નહીં. પછી ખબર પડી કે રથ સવારના સમયે જ હોય છે, તેથી મેં દ્યેર જઇને ૧૦૪ને ફોન કર્યો. રાત્રે ૯ વાગે ૧૦૪ આવી અને મારો ટેસ્ટ કર્યો. હું નહોતો ઇચ્છતો કે ઘરમાં પત્ની અને દીકરાને કોઈ સંક્રમણ લાગે. રિપોર્ટ પોઝિટિવ આવ્યો એટલે ઓફિસમાં અને પરિવારમાં જાણ કરી. હું રાત્રે ૧૧ વાગે રિક્ષા કરીને જાતે જ એસવીપી ગયો, મેં રિક્ષા ડ્રાઇવરને પણ જાણ કરી કે મને પોઝિટિવ છે, તેમજ તેમને આપવાના પૈસા પણ અલગ રાખી દીધેલાં.

હોસ્પિટલમાં પહેલાં બે દિવસ તાવ આવ્યો પછી તો બધું નોર્મલ ચાલી રહ્યું હતું. પરંતુ જયારે એક અઠવાડિયે લોકો રિકવર થઈને ઘેર આવવાની તૈયારી કરતા હોય ત્યારે મારી તબિયત બગડવાની શરૂ થઈ. પાંચ તારીખ પછી મને શ્વાસમાં થોડી તકલીફ શરૂ થવા લાગી. સાત તારીખે મારો ટેસ્ટ થયો એમાં સીઆરપી વધી ગયું. આઠ તારીખે મને ફરી તાવ શરૂ થયો. નવ તારીખે સીઆરપી ૨૫૦ થઈ ગયું હતું એટલે મને આઈસીયૂમાં શિફ્ટ કર્યો. મને આજ સુધી એક પણ ઉધરસ નહોતી અને શરૂઆતમાં તો બધા સામાન્ય લક્ષણો હતા પણ પાછળથી ફેફસાંમાં ઇન્ફેકશન વધવા લાગ્યું.

૯ તારીખે રાત્રે મને પ્લાઝમા આપવાનું શરૂ થયું એ પ્રક્રિયા સવારે પૂરી થઈ, એ દરમિયાનમાં મારા વોર્ડમાં મારી આસપાસ ત્રણ દર્દીઓના મૃત્યુ થયા. એ રાત માટે સૌથી ગંભીર રાત હતી. ૯ અને ૧૦ તારીખ ડરમાં ગઈ, તમારી આસપાસ દર્દીઓની સ્થિતિ દયાજનક હોય, તેઓ મોત સામે ઝીંક ઝીલવા વલખાં મારતા હોય, ત્યારે એવું થયું કે જાણે મૃત્યુને ખૂબ નજીકથી જોઈને હું પાછો ફર્યો છું. આપણને સમજાઈ જાય કે બધું જ મૂકીને જતાં રહેતાં એક ક્ષણ જ લાગશે. તમને જીવનની ખરી વાસ્તવિકતા સમજાય છે. પછીની સવારથી જીવનમાં પણ જાણે નવી સવાર આવી. એસ.વી.પી. હોસ્પિટલના ડોકટરોના અથાગ પરિશ્રમના કારણે મને નવજીવન મળ્યું છે અને તેમની હિંમત જોઈને મારી પણ હિંમત વધી ગઈ હતી. જનરલ વોર્ડમાં તો તમે આસપાસ લોકો સાથે વાતચીત કરી શકો અને મોબાઈલથી દ્યેર પણ વાત કરી શકો. પરંતુ આઈસીયૂમાં તમારી પાસે મોબાઈલ પણ નથી હોતો અને એ દિવસો જ મન અને શરીર માટે વધુ ગંભીર હોય છે. તો એ દિવસો દરમિયાન વ્યકિતનું મન થોડું પરોવાયેલું રહે તે માટે સંગીત કે વાંચન જેવી પ્રવૃત્ત્િ।ઓ પુરતી છૂટ શકય હોય તો મળવી જોઈએ. પછી મને જનરલ આઈસીયૂમાં ખસેડવામાં આવ્યો. ત્યાં ચારેક દિવસ રહ્યા બાદ ફરી જનરલ વોર્ડમાં આવ્યો. ઘણી વખત ધીરજ ખૂટી જતી હતી અને ઘર યાદ આવી જતું હતું. પરંતુ ત્યારે સાથી મિત્રોએ કહેલી એક વાદ જ યાદ આવતી હતી કે ગમે તે થાય ધીરજ અને હિંમત નથી ગુમાવવાના. તે ઉપરાંત સારવારને હળવાશથી ન લો. હેરાન થવા કરતાં અગમચેતીના પગલાં રૂપે ટેસ્ટ કરાવી લઇને યોગ્ય સારવાર લેવી જરૂરી છે. દવાખાનામાં કોઈ ખાસ સારવાર નથી કરતા અને ઘરે ઉકાળા પીને સાજા થઈ જવાશે એ માન્યતામાં પાછળથી હેરાન થવાય એવું ન કરવું. તેથી હું નેગેટિવ રિપોર્ટ આવ્યા પછી જ ઘરે આવ્યો. (નવ ગુજરાત સમયમાંથી સાભાર)

કમલ ભાવસાર

મો.૯૮૭૯૧ ૪૮૯૮૩

(3:49 pm IST)