Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

મહેસાણા સહીત ગાંધીનગર,બનાસકાંઠા વિસ્તારમાં જીઈબીની વીજ લાઇનમાંથી વીજ ચોરીનો પ્રયાસ કરનાર પાંચ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા

મહેસાણા:સહિત ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાંથી પસાર થતી જીઈબીની વીજ લાઈનોના ઈલેક્ટ્રીક વાયરોની સીફતપૂર્વક ચોરી કરનાર ટોળકીનો લોકલ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કરી પાંચ આરોપીઓને ઝડપી લીધા છે. ઝડપાયેલા આરોપીઓએ પોલીસની પુછપરછમાં જીઈબીના ઈલેક્ટ્રીક વાયર ચોરીની ૧૧ ઘટનાઓને અંજામ આપ્યો હોવાની ચોંકાવનારી કબૂલાત કરી છે. તેમની પાસેથી રૃ.૪.૮૧ લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.

મહેસાણા એલસીબીના પીએસઆઈ આર.કે.પટેલ, એએસઆઈ રત્નાભાઈ, અનિલકુમાર સહિતનો સ્ટાફ મિલકત સંબંધી ગુના અટકાવવા તેમજ જીઈબીના કેબલ ચોરીના ગુનામાં સંડોવાયેલા શખસોની તપાસ કરવા લાંઘણજ પંથકમાં પેટ્રોલીંગની કામગીરી કરી રહ્યા હતા. તે વખતે બાતમી મળી હતી કે ભાકડીયા ગામનો અશોક કાળીદાસ પરમાર પીકઅપ ડાલામાં જીઈબીના ચોરી કરેલા એલ્યુમિનિયમના વાયરોના ગુંચળા બાલીયાસણ પાટીયાથી અમદાવાદ-મહેસાણા હાઈવે તરફ જવાનો છે. તેના આધારે પોલીસની ટીમે બાલીયાસણ પાટીયા સામે રોડ ઉપર વોચ ગોઠવી હતી. અહીંથી શંકાસ્પદ રીતે આવી રહેલા પીકઅપ ડાલાને પોલીસે થોભાવી તપાસ કરી હતી. અંદરથી મીણીયાના થેલામાંથી એલ્યુમિનિયમ વાયરોના ટુકડા ભરેલા મળી આવ્યા હતા. અને તેની નીચે એલ્યુમિનિયીમના વાયરોના ગુંચળા છુપાવેલા હતા. વાયરના જથ્થા અંગે પીકઅપ ડાલામાં બેઠેલા પાંચ શખસોને પુછપરછ કરતાં તેમણે જીઈબીની વીજ લાઈનોમાંથી એલ્યુમિનિયમના વાયરોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે અશોક પરમાર, અમરત ઠાકોર, ભેમા ઠાકોર, બળદેવ ઠાકોર અને સંજય ગુર્જરની ધરપકડ કરી તેમની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. 

(5:57 pm IST)