Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

વડોદરામાં ભાજપના બે કોર્પોરેટરનો ખાનગી હોસ્પિટલમાં સારવારનો ખર્ચ મનપાએ ભોગવ્યો

ભાજપના જ કોર્પોરેટરને પોતાની સરકારે કરેલી સુવિધા ઉપર વિશ્વાસ નથી ? : કોંગ્રેસનો સવાલ .

વડોદરામાં ભાજપના બે કોર્પોરેટરોએ ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇને બિલ મહાનગરપાલિકામાં મંજૂર કરાવ્યુ છે આરોગ્ય વિભાગે આપેલી માહિતી પરથી જાણવા મળ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ સભાસદ નિલેશ રાઠોડને કોરોના વાયરસની બીમારી થવાના કારણે સ્પંદન મલ્ટીસ્પેશિયાલીટી હૉસ્પિટલમાં સારવાર કરવી હતી. તેમને ખાનગી હોસ્પિટલ સારવાર કરવી તેની ખર્ચ 1,07,096 થયો હતો

 ત્યારબાદ ભાજપના કોર્પોરેટર ભાવના શેઠને પણ કોરોનાની બીમારી થવાના કારણે તેમણે વડોદરાની સવિતા મલ્ટી સ્પેશિયાલીટી હૉસ્પિટલમાં સારવાર કરાવી હતી. તેમની સારવારનો કુલ ખર્ચ 92,500નો થયો છે. ત્યારે હવે આ બંને કોર્પોરેટરો દ્વારા સારવાર માટે થયેલા ખર્ચની ક્લેમ મહાનગરપાલિકા સમક્ષ મૂકવામાં આવ્યો હતો. જેથી આરોગ્ય વિભાગ દ્વારા આ ક્લેમને મંજૂર કરવા માટે વડોદરા મહાનગરપાલિકાના કમિશનરની મંજૂરી માગવામાં આવી હતી.

આ બાબતે કોંગ્રેસના કોર્પોરેટર અમી રાવતે જણાવ્યું હતું કે, એક તરફ ગુજરાતની સરકાર એવું કહે છે કે, અમે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ખૂબ જ સારી સારવાર આપી રહ્યા છીએ. તમામ હોસ્પિટલોમાં ઓક્સિજન સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ પ્રકારની વાતો સરકાર કરતી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે પોતાની સરકારે કરેલી સુવિધાઓમાં વિશ્વાસ રાખીને સરકારી હોસ્પિટલોમાં સારવાર લેવી જોઈએ. મારો જ્યારે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યાર પછી તમામ મારા રિપોર્ટ સરકારી હોસ્પિટલમાં કરાવ્યા હતા અને સરકારી હોસ્પિટલ ના કહેવાથી હું હોમ કવોરેન્ટાઇન થઈ હતી. હું ધારત તો હું પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈને આ પ્રકારે ક્લેમ કરી શકત પરંતુ મેં એવું નથી કર્યું. આનો મતલબ એ થાય છે કે, ભાજપના જ કોર્પોરેટરને પોતાની સરકારે કરેલી સુવિધા ઉપર વિશ્વાસ નથી.

 અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ મોંઘા મોબાઈલ લેવા બાબતે વિવાદમાં આવ્યા હતા. ત્યારબાદ હવે ફરી એક વખત ભાજપના કોર્પોરેટરો ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇને બિલ મહાનગરપાલિકામાં મંજૂર કરાવવાના વિવાદમાં આવ્યા છે.

(8:50 pm IST)