Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

મીઠાઇઓ પર એક્સપાયરી ડેટ લખવી હવે ફરજિયાત

નિર્ણય બાદ વેપારીઓમાં રોષ

ગાંધીનગર,તા.૦૧ : કેન્દ્ર સરકારના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઑફ ઇન્ડીયાએ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં ઓક્ટોબરથી છૂટક મીઠાઇઓ પર હવે એક્સપાયરી ફરજિયાત લખવી પડશે. રાજ્યમાં અનેક મીઠાઇ અને ફરસાણની દુકાનો આવેલી છે. જ્યાં વેચાઇ રહેલા મીઠાઇના બોક્સ અને પેકેટ પર હવેથી ફરજિયાત બેસ્ટ બી ફોર ડેટ લખવી પડશે. જો કે નિર્ણય બાદ વેપારીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. વેપારીઓનું કહેવું એમ છે કે નિર્ણયથી તેઓએ સ્ટાફ વધુ રાખવો પડશે તેમજ ગ્રાહકો જો જાતે મીઠાઇ ચાખીને લઇ જતા હોય તો પછી બેસ્ટ બી ફોર લખવાનો કોઇ અર્થ નથી. શહેરની વાત કરીએ તો અહીં વિવિધ વિસ્તારોમાં મીઠાઈ-ફરસાણની નાની મોટી થઈને  બે હજારથી વધુ દુકાનો આવેલી છે.

જ્યાં દુકાનની અંદર પ્રવેશતાની સાથે કાચના ડીસ્પ્લેમાં મીઠાઈઓ ગોઠવેલી હોય છે. છૂટક મીઠાઈ વેચતી દુકાનો વજન કરીને બોક્સ કે થેલીમાં મીઠાઈ આપી દે છે. પરંતુ હવે તે છૂટક મીઠાઈના પેકેટ્સ કે બોક્સ પર બેસ્ટ બી ફોર ડેટ દર્શાવવી ફરજિયાત કરી દેવાઈ છે. નોંધનીય છે કે આજથી નિયમનો અમલ શરૂ થઇ જશે તેમજ ફુડ શાખા દ્વારા શહેરની મીઠાઈની દુકાનો પર ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હોવાનું અધિક આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. ઉપરાંત જો જો મીઠાઈની બેસ્ટ બીફોર ;લખેલી નહીં હોય તો તેવાં દુકાનદાર સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાશે.

(9:13 pm IST)