Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

અમદાવાદમાં કોરોનાના કેસ અને માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોનમાં ઘટાડો

16 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાંથી દૂર કરાયા: 8 ઉમેરાયા

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસોમાં છેલ્લા 24 કલાકમાં નજીવો વધારો થયો છે. જ્યારે અમદાવાદમાં કેસ અને માઇક્રો કન્ટેમેન્ટ ઝોન્સ બંનેમાં ઘટાડો નોંધાયો. ગુજરાતમાં કોરોના કેસોનો આંકડો ગઇકાલ 1390 હતો. તેની સામે આજે 1351 કેસો નોંધાયા છે. આમ ગઇકાલ કરતાં ગુજરાતમાં આજે કેસોની સંખ્યા વધી છે.

અમદાવાદમાં પણ બુધવારની સરખામણીમાં 7 કેસો ઘટીને આજે 172 નોંધાયા. એટલું જ નહીં પરંતુ અમદાવાદમાં માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં પણ ઘટાડો થવા પામ્યો છે. અમદાવાદમાં કુલ માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારનો આંકડો 205 પર પહોંચ્યો છે.  આજે માત્ર 8 નવા માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારો ઉમેરાયા હતા. તેની સામે 16 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાંથી દૂર કરાયા હતા

નવા ઉમેરાયેલા વિસ્તારોમાં સૌથી વધુ ઉત્તર પશ્ચિમ ઝોનના ત્રણ વિસ્તારોનો સમાવેશ થાય છે. નવા ઉમેરાયેલા કરતાં દૂર કરાયેલાં વિસ્તારોનો આંકડો બમણો છે. મતલબ કે આ આંકડાઓ ઉપરથી અમદાવાદમાં કોરોના કાબૂમાં આવતો જતો હોવાનું દેખાય છે.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટે આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં ગઇકાલે અમદાવાદ શહેરમાં 205 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો અમલમાં હતા. જે પૈકી રોજની માફક વિસ્તુત ચર્ચા વિચારણાંના અંતે 16 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ વિસ્તારમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે નવા 8 વિસ્તારનો સમાવેશ કરાયો હતો.

આમ 204 વિસ્તારોમાંથી 16 વિસ્તારોને દૂર કરાતાં આંકડો 189 પર પહોંચ્યો હતો. તેની સામે નવા 8 વિસ્તારોનો સમાવેશ થતાં આ આંકડો 197 પર પહોંચ્યો છે. નવા જાહેર થયેલા વિસ્તારોમાં ઉત્તર ઝોન, પૂર્વ તથા પશ્ચિમ ઝોનમાં એક એક વિસ્તાર માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાં મૂકાયા છે.

ઉત્તર પશ્ચિમ ઝોનમાં ત્રણ વિસ્તારો અને દક્ષિણ ઝોનમાં બે વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં ઇસનપુર, બહેરામપુરા, ગોતા, વસ્ત્રાપુર, પાલડી, અમરાઇવાડી તેમ જ ઇન્ડિયા કોલોનીનો સમાવેશ થાય છે.

ઉપરોક્ત જાહેર કરેલા નવા માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્રારા આવતીકાલે 2જી ઓક્ટોબરના રોજ સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સર્વેની કામગીરી દરમ્યાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતાં શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવશે તેમ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગે જણાવ્યું છે.

(10:52 pm IST)