Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

ગાંધીનગર જિલ્લાના દહેગામ-નરોડા હાઇવે નજીક સાંજના સુમારે બાઈક લઈને જઈ રહેલ શખ્સનું બાઈક સ્લીપ થતા ગંભીર ઇજાથી મોત નિપજતા ચકચાર

ગાંધીનગર:જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે દહેગામ-નરોડા હાઈવે ઉપર ગઈકાલે સાંજના સમયે બાઈક લઈને પસાર થઈ રહેલા મેદરાના યુવાનનું બાઈક સ્લીપ ખાઈ જતાં તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમ્યાન યુવાનનું મોત નીપજયું હતું. ડભોડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે. 

આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે શહેર નજીક આવેલા મેદરા ગામમાં રહેતો યુવાન ભરતજી જગાજી ઠાકોર ગઈકાલે સાંજના સમયે તેનું બાઈક નં.જીએચ-૦૧-ઈએલ-૧૪૯૬ લઈને નરોડા તરફથી મેદરા ગામ તરફ જઈ રહયો હતો તે દરમ્યાન આ હાઈવે ઉપર રાધાસ્વામી આશ્રમ સામે તેનું બાઈક સ્લીપ ખાઈ ગયું હતું. જેના કારણે તેને શરીરે ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતાં ઘાયલ યુવાન ભરતજીને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. આ ઘટના અંગે પોલીસ અને યુવાનના પરિવારજનોને જાણ થતાં તેઓ સિવિલ પહોંચ્યા હતા અને મૃતકના કાકા ભુપતજી લાલાજી ઠાકોરની ફરીયાદના આધારે પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો. 

(4:37 pm IST)