Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

અમદાવાદના જમાલપુરમાં વીજ ચોરી કરતા ઇસમોને ઝડપવા તપાસ માટે ગયેલી ટીમના સભ્‍યો પર હુમલો : ફરી ચેકીંગ ન કરવા પણ ધમકી અપાઇ !!

આવર-નવાર રાજયમાં વિજ કર્મીઓ ઉપર થતા હુમલાથી અસલામતની લાગણી અનુભવતા વિજ કર્મીઓ

અમદાવાદ : અહીંના જમાલપુર વિસ્‍તારમાં આવેલી તાંગરવાડ પાસે વિજચેકીંગ કરી વીજચોરી સામે કડક કાર્યવાહી કરવાના આદેશ સાથે વિજ ચેકીંગ કરવા ગયેલી ટીમના સભ્‍યો પર હુમલાની ઘટના બનતા ભારે ચકચાર મચી જવા પામી છે.

વિગત મુજબ સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા જગદીશ શાહ (Jagdish shah) તેમની સાથે ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા ઇમરાન રાણા (Imran rana) અને મરઘુબ આલમ અંસારી (Marghub alam ansari) સાથે વીજ ચેકિંગ (electricity checking) માટે જમાલપુરમાં ગયા હતા. ત્યારે તેમના પર સ્થાનિકે હુમલો (attack) કર્યો હતો. આ હુમલામાં તેમને અને તેમના બે ટેકનિશિયનને જાફરભાઈ મહમદહુસેન મન્સુરી દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવને લઈ તેઓએ ગાયકવાડ હવેલી પોલીસ મથકે આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી હતી.

જગદીશ શાહે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ જમાલપુરમાં વીજ ચેકિંગ માટે ગયા હતા. જ્યાં મોટી પોળ તાનગરવાડમાં જાફરભાઈ મહમદહુસૈન મન્સુરીના મકાનમાં અમે જોયું કે મીટરના પાવરના ડાયરેક્ટ વાયર નાખીને વીજ ચોરી કરતા હતા, તેના પગલે અમે વાયર કાપી નાખ્યો હતો. તેના પગલે તે મકાનના માલિક જાફરભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને અમને અપશબ્દો બોલ્યા હતા. તેમણે મારા પર જીવલેણ હુમલો કરતાં લાકડુ મારા જમણા સાથળના પગે માર્યુ હતુ. તેની સાથે ફરીથી અહીં દેખાયા તો જાનથી મારવાની ધમકી પણ આપી હતી. તેની સાથે તેઓએ મારા ટેકનિશિયન ઇમરાનભાઈ અને મરઘુબ આલમ અંસારીને પણ લાકડુ માર્યુ હતુ. તેના પછી આજુબાજુના માણસો ભેગા થઈ ગયા હતા અને તેઓએ અમને બચાવ્યા હતા. તેના પછી અમે સારવાર લીધી હતી અને હવે અમારા જીવની ધમકી આપી હોઈ તેની સામે ફરિયાદ નોંધાવી હતી.

(9:22 pm IST)