Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

રાજકોટમાં પ્લેગની મહામારી સામે પગલા વિચારવા ગાંધીજીને ત્યાં બેઠક મળેલી

પૂ.મહાત્મા ગાંધીજી જયારે કરમચંદ ગાંધીના પુત્ર મોહનલાલ તરીકે ઓળખાતા તે સમયના ૧૦૦ વર્ષથી વધુ સમય પહેલાના કાઠીયાવાડ ટાઇમ્સના ઐતિહાસિક અહેવાલોની ઝલક : ગાંધીજી વિદેશ ગયા ત્યારે ૧૮૮૮ના અખબારમાં કાઠીયાવાડી વાણીયા ગૃહસ્થનું વિલાયત જવું એવા હેડીંગ સાથે સમાચાર પ્રસિધ્ધ થયેલઃ વિદેશ જવાના પ્રાયશ્ચિતરૂપે જ્ઞાતિજનો તથા બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવેલ તે સમયના કાઠીયાવાડ ટાઇમ્સના અહેવાલો, લોકોને એ સમયની ભાષાનો ખ્યાલ આવે તે માટે અક્ષરશઃ એ રીતે પ્રસિધ્ધ કર્યા છે

રાજકોટ, તા., ૨: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જયારે બેરીસ્ટર બનવા માટે રાજકોટથી વિલાયત (વિદેશ) ગયા તે સમયના કાઠીયાવાડ ટાઇમ્સમાં જુદા જુદા વખતે તત્કાલીન અંકોમાં પ્રસિધ્ધ થયેલ ઐતિહાસિક અહેવાલો અમુલ્ય મુડી સમાન  હોવાથી આજે ગાંધી જયંતીના પાવન પ્રસંગે અંદાજે ૧૩૨ વર્ષ અગાઉ પ્રસિધ્ધ થયેલ અહેવાલો જે તે વખતની અખબારી ભાષાનો લોકોને અંદાજ આવે તે માટે મહદ અંશે તે જ ભાષામાં પ્રસિધ્ધ કર્યા છે. જે તમામ માટે અલભ્ય વાંચન અને જ્ઞાનભંડાર સમો બની રહી છે.

પૂ.મહાત્મા ગાંધીજી એ સમયે મહાત્મા ગાંધીજી તરીકે નહિં, પરંતુ રાજકોટના એક સમયના કારભારી કરમચંદભાઇના પુત્ર તરીકે ઓળખાતા અને અખબારી અહેવાલો  પણ તે જ રીતે પ્રસિધ્ધ થતા. ગાંધીજી જયારે વિદેશ બેરીસ્ટરની ડીગ્રી લેવા માટે ગયા ત્યારે આ રીતે સમાચાર પ્રસિધ્ધ થયેલ.

કાઠિયાવાડી વાણિયા ગૃહસ્થનું વીલાયત જવું

પોરબંદરના રહીશ સ્વસ્થાન રાજકોટના માજી કારભારી કરમચંદ ઉતમચંદના દિકરા મી.મોહનદાસ કરમચંદ આવતા માસની તા.૪ થીના રોજ વિદ્યાઅભ્યાસ કરવા ઇંગ્લેન્ડ જનાર છે.

(તા.રપ-૭-૧૮૮૮)

કાઠિયાવાડ ટાઇમ્સના એ પછીના ૧ર-૮-૧૮૮૮ના અંકમાં આવુ શીર્ષક હતું.

એક વાણિયા ગૃહસ્થનું ઇંગ્લેન્ડ જવું

મી.મોહનદાસ કરમચંદ ગાંધી કે જેઓ  ચાલતા માસની તા.૪થી ના ઇંગ્લેન્ડ તરફ જવાના હતા પણ કોઇ કારણસર રોકાઇ જતાં અત્રેથી ગયે પરમ દિવસે જેતપુર રસ્તે મુંબઇ તરફ રવાના થયા છે. તેમને માન આપવા તેના મિત્રો તથા શુભેચ્છકો અહીં લોકલ હાઇસ્કુલમાં ભેગા થયા હતા. મી. ગાંધી પહેલા શખ્સ છે કે જે ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરી બેરીસ્ટરની પરીક્ષા દેવા જાય છે. તેના માનપત્રમાં એમ કહેવામાં આવ્યુ઼ છે કે હિન્દુસ્તાનના દેશીઓ ઇંગ્લેન્ડની નીતી વેપાર અને મંડળીઓ વિગેરેના બહોળા વિચાર સહીત આપણી ભુમી પર પાછા ફરી હિન્દુસ્તાનમાં સુધારો ફેલવે.

મી.ગાંધી

મી.મોહનદાસ કરમચંદ ગાંધી જે ઇંગ્લેન્ડ જવા સારૂ ગયા માસની તા. ૧૦મીના રોજ મુંબઇ ગયા હતા તે ત્યાંથી ગઇકાલની મેલમાં ઇંગ્લેન્ડમાં બેરીસ્ટરનો અભ્યાસ કરવા ઉપડી ગયા છે. (તા. પ-૯-૧૮૮૮)

મહાત્મા ગાંધીની દેહશુધ્ધિ

શ્રી મોહનલાલ કરમચંદ ગાંધી બેરીસ્ટર- એટ-લો ઇંગ્લેન્ડથી અભ્યાસ કરી પાછા આવતા તેઓને પ્રાયશ્ચીત કરાવી જ્ઞાતિમાં લેવામાં આવ્યા છે અને તે પ્રસંગને લીધે ગયા શુક્રવારે મોઢ જ્ઞાતિને તથા બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવ્યું હતું. ગઇકાલે રાજકોટના મુખ્ય કારભારી મી.મોતીચંદ તુલશી તરફથી મી.મોહનદાસને જમવા આમંત્રણ કરવામાં આવ્યું હતું.

(કાઠીયાવાડ ટાઇમ્સ, તા. ર૧-૭-૧૮૯૧)

મુંબઇથી પોરબંદર પહોંચેલા શ્રી ગાંધીનું સ્વાગત

૧૪ મી તારીખે બપોરે શ્રી મોહનલાલ  કરમચંદ ગાંધી બેરીસ્ટર-એટ-લો પોરબંદરથી  રાજકોટ આવી પહોંચતા સ્ટટેશન પર હાજર રહેલાઓમાં ખાનશ્રી સુલતાન મહમદ ખાનજી ઓફ જુનાગઢ, શ્રી ડી.યુ.પારેખ, એસ. એન.પંડીત, ડી.બી.શુકલ, એમ.એ.દોશી, હરીલાલ નરભેરામ, જી.બી.દેસાઇ, કાશીદાસ  બ્રીજભુષણદાસ, એચ.એન.પંડયા વગેરેનો સમાવેશ.

પ્લેગ સામે પગલા વિચારવા શ્રી મોહનદાસ ગાંધીને ત્યાં મળેલી મીટીંગ

રાજકોટ શહેરના કેટલાક આગેવાનો આજે સવારે બેરીસ્ટરશ્રી મોહનદાસ કે.ગાંધીના નિવાસસ્થાને પ્લેગ સામે પગલા વિચારવા મળ્યા હતા. સ્ટેટ મેનેજરે એમ જણાવ્યું છે કે તેઓ મીટીંગમાં મુકાયેલા સુચનોને ટેકો આપશે. (કાઠીયાવાડ ટાઇમ્સ, તા. ર૩ મી એપ્રિલ ૧૯૦ર)

રા.બ.ગોપાલજીના પ્રમુખપદે તથા શ્રી મોહનદાસ ગાંધીના મંત્રીપદે ૮ સભ્યોની એક કારોબારી નીમવામાં આવી હતી. આ કારોબારી ઘર-ઘર ફરનારી સમીતીઓ માટેના નિયમો ઘડશે.

વિખરાતા પહેલા એવું નક્કી થયું હતું કે કોઇ પણ પગલા ફરજીયાત નહી હોય. આમ   ૧૮૮૮ માં શરૂ થયેલ કાઠીયાવાડ ટાઇમ્સ  કે જેના આદ્યસ્થાપક દિવાન ભવાનીદાસ નેનુમલ વઝીરાણી હતા. સૌરાષ્ટ્રના રાજવીઓ  તેમજ પ્રજાના વિવિધ પ્રશ્નોથી આ પરિવાર સુપરીચીત હતું. આમ જયારે પૂ.મહાત્મા ગાંધીજી, કરમચંદ ગાંધીના પુત્ર મોહનલાલ તરીકે ઓળખાતા તે સમયના આ ઐતિહાસિક  અહેવાલો આશા છે કે વાંચકોને ખુબ જ પસંદ આવ્યા હશે. આ તો માત્ર એક ઝલક છે.

(11:59 am IST)