Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ગુજરાત વિધાનસભા પૂ. બાપુની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અપાઇ

ગાંધીજીના જીવન સંદેશને સૌએ આત્મસાત કરવો જોઇએ : વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી

ગાંધીનગર તા. ૨ : સત્ય, અહિંસા, પ્રેમ અને કરૂણાને વરેલા તથા અંત્યજોના ઉદ્ઘારક, અસ્પૃશ્યતા નિવારક, નશાબંધી, સ્વાવલંબન અને સ્વદેશીનો વંટોળ ઉભો કરનાર મહાપુરૂષ અને ગ્રામોદ્ઘારક પૂજય મહાત્મા ગાંધીજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા વિધાનસભા પટાંગણમાં આવેલી પૂજય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને અને વિધાનસભા ગૃહ ખાતે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ આપીને શ્રદ્ઘાસુમન અર્પણ કરાયા હતા.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે ગાંધીજીના જીવન સંદેશને આપણે સૌએ આત્મસાત કરવો જોઈએ. પૂજય મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના મંત્રને સાકાર કરી સમગ્ર રાષ્ટ્ર આજે ખરા અર્થમાં તેમની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યું છે.

આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ ધારાસભ્યશ્રીઓ, વિધાનસભાના સચિવ શ્રી ડી.એમ.પટેલ, ઉચ્ચ અધિકારી/ કર્મચારીઓએ ઉપસ્થિત રહીને પૂજય મહાત્મા ગાંધીજીના તૈલચિત્રને પુષ્પાંજલી અર્પણ કરી તેમના જીવનના આઝાદી સમયના પ્રેરણાદાયી સંસ્મરણો યાદ કર્યા હતા.

(3:17 pm IST)