Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

૩૧ ઓકટોબર સુધીમાં ફી ભરી દેજો નહિં તો ૨૫%ની રાહત નહિં મળે : ખાનગી શાળાના સંચાલકોનો નિર્ણય

ખાનગી શાળાના સંચાલકોએ નવું ગતકડુ કાઢતા વાલીઓમાં જબરો રોષ : ગત વર્ષે ફી ભરી ન હોય, તે વાલીઓને પણ ફીમાં રાહત નહિં અપાય : ઓલ ગુજરાત વાલી મંડળનો વિરોધ, સરકારમાં ફરીથી રજૂઆત કરવાની ચીમકી આપી : આંદોલનના એંધાણ

અમદાવાદ : રાજયમાં છેલ્લા કેટલાય સમયથી સ્કુલ ફીનો વિવાદ સતત ચાલી રહ્યો છે. વાલીઓ દ્વારા સતત કોરોના કાળને કારણે ફીમાં ૫૦ ટકાના ઘટાડાની માંગ થઈ રહી હતી અને હજુ પણ થઈ રહી છે. સ્કુલો બંધ હોવા છતા વાલીઓ ૫૦ ટકા ફી ભરવા તૈયાર હતા. પરંતુ સરકારે ૬ મહિના બાદ માત્ર ૨૫% જ ફી માફીનો નિર્ણય લેતા હજુ પણ વાલીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ ખાનગી સ્કુલ સંચાલકો પોતે જ સરકાર હોય તેમ વર્તી રહ્યા છે. તેઓએ ૩૧ ઓકટોબર સુધીમાં ફી નહિં ભરનારા કે ગત વર્ષે ફી ન ભરી હોય તે વાલીઓને ૨૫ ટકાની રાહત નહિં આપવાનો નિર્ણય કર્યો છે.

સ્કુલ સંચાલકોના આવા મનસ્વી વલણ સામે ઓલ ગુજરાત વાલી મંડળ અને તેની સાથે સંકળાયેલા તમામ વાલીમંડળમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ઓલ ગુજરાત વાલી મંડળે સ્કુલ સંચાલકોના નિર્ણયનો વિરોધ કરી સરકારમાં ફરીથી રજૂઆત કરવાની ચીમકી આપી છે.

અગ્રણી સ્કુલોના અન્ય એક સંગઠન એસોસીએશન ઓફ પ્રોગ્રેસીવ સ્કુલ એસોસીએશનના પ્રમુખ મનન ચોકસીના જણાવ્યા અનુસાર સરકાર ફી માફી અંગે જીઆર બહાર પાડે પછી તેનો અમલ કરીશુ. બીજી તરફ ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહનું કહેવું એમ છે કે આવી સ્થિતિમાં વાલીઓને સહકાર આપવાને બદલે સ્કુલોનું તઘલખી વલણ સામે આવી રહ્યુ છે. અમે સરકારમાં રજૂઆત કરીશુ.

નોંધનીય છે કે સરકારના પણ ૨૫% ફી ઘટાડાના નિર્ણયથી વાલીઓમાં નારાજગી છે. તેમનું કહેવુ છે કે આ નિર્ણય વાલીઓના હિતમાં નહિં પણ સંચાલકોના હિતમાં લેવામાં આવ્યો. વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યુ છે કે આ મામલે વાલી મંડળની બેઠક મળશે. ત્યારબાદ આગળની રણનીતિ કરવામાં આવશે.

(4:02 pm IST)