Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને તેમના પત્ની-પુત્ર કોરોનાથી સંક્રમિતઃ ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને ક્વોરન્ટાઇન થયા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસોની દૈનિસ સંખ્યાની સરેરાશ વધીને હવે 1,400 થઈ ગઈ છે ત્યારે અગ્રણી પક્ષ ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ કોરોનાની ઝપટમાં આવવા માંડયા છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ અને ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા તાજેતરમાં કોરોનાગ્રસ્ત થયા હતા તો હવે મોરબીના ભૂતપૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને તેમનો પરિવાર પણ કોરોનાગ્રસ્ત થયો છે.
ભૂતપૂર્વ વિધાનસભ્ય કાંતિભાઈ અને તેમની પત્ની જ્યોત્સનાબેન અને તેમના પુત્ર પ્રથમને કોરોના થયો છે.
કાંતિભાઈ અમૃતિયાએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે હું, મારા પત્ની જ્યોત્સના અને મારો પુત્ર પ્રથમ કોરોના પોઝિટિવ આવ્યા છીએ. તેથી ગાંધીનગર સ્થિત નિવાસ્થાને કવોરેન્ટાઇન થયા છીએ.
તેની સાથે તેમણે ઉમેર્યુ હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં જે પણ મિત્રો આવ્યા હોય તેમણે કોરોના ટેસ્ટ કરાવી લેવા અથવા થોડો સમય આઇસોલેશનમાં રહેવુ. સી.આર. પાટિલે એક પછી એક બેઠકો અને સભાઓ કરવા લાગતા ભાજપમાં તેઓ કોરોનાના સુપર સ્પ્રેડર બનીને ઉભર્યા હતા. ભાજપના રાજ્યના દિગ્ગજ નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા તેનું કારણ સી.આર. પાટિલ માનવામાં આવે છે. જો તેમણે સભાઓ યોજી ન હોત તો ભાજપની અંદર કોરોનાનો આટલો ફેલાવો થયો ન હોત.
ભાજપના પ્રાદેશિક નેતાઓ અને રાષ્ટ્રીય નેતાઓ એક પછી એક કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે. આવી જ પરિસ્થિતિ કોંગ્રેસના નેતાઓની પણ છે. કોંગ્રેસના પણ ઘણા નેતાઓ કોરોનાની ઝપટમાં આવી ચૂક્યા છે. પણ કોંગ્રેસે કોરોના કાળમાં જનસંપર્ક કરવાનું ટાળતા તેના ઘણા નેતાઓ હજી બચેલા છે.

(5:40 pm IST)