Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ગાંધીનગર:અડાલજ પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન સીમમાં આવેલ ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ગાંધીનગર:જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દોડી રહી છે ત્યારે અડાલજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે અડાલજ ગામની સીમમાં આવેલા મોર્ડન બિલ્ડર્સના એન-૧ ગોડાઉનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડવામાં આવ્યો છે. જે બાતમીના પગલે દરોડો પાડીને પોલીસે અહીંથી વિદેશી દારૂની નાની મોટી કુલ ૩૫૯૭ જેટલી બોટલો કબ્જે કરીને ૯.૯૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ગોડાઉન ભાડે રાખનાર શખ્સ તેમજ તેને મદદ કરનાર વ્યક્તિઓ સામે પ્રોહીબીશન એકટનો ગુનો નોંધી તેની ધરપકડ માટે દોડધામ શરૂ કરવામાં આવી છે.   રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે બુટલેગરો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ગોડાઉન ભાડે રાખી અહીં દારૂના જથ્થાનો સંગ્રહ કરી જેતે સ્થળોએ મોકલવામાં આવતો હોય છે. ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસની ટીમ આવી દારૂની હેરાફેરી અને તેના ગોડાઉનો ઉપર નજર રાખી રહી છે ત્યારે અડાલજ પોલીસ મથકના પીઆઈ ડી.એ.ચૌધરીએ સ્ટાફના માણસોને એલર્ટ રહી દારૂ સંદર્ભે કેસો કરવા તાકીદ કરી હતી ત્યારે આ ટીમને બાતમી મળી હતી કે અડાલજમાં આવેલા મોર્ડન બિલ્ડર્સના એન-૧ ગોડાઉનમાં પ્રદિપ જેઠવાણી નામનો શખ્સ ગોડાઉન ભાડે રાખીને અહીં વિદેશી દારૂનો સંગ્રહ કરે છે જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં આ ગોડાઉનમાથી કોઈ મળી આવ્યું નહોતું પરંતુ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની મોટી ૩૫૯૭ જેટલી બોટલો મળી આવી હતી. તેની સાથે પાવડરની થેલીઓ, ખાલી પુંઠા વગેરે પણ પોલીસે જપ્ત કરીને કુલ ૯.૯૩ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.આ વિદેશી દારૂનો જથ્થો કયાંથી લવાયો હતો અને કયાં કયાં આપવામાં આવતો હતો તે તમામ બાબતો જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ તો આ અંગે અડાલજ પોલીસમાં પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

(5:46 pm IST)