Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

પીપીઈ કીટ અને માસ્કના પૈસા ન કાપવાની રજૂઆત

હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓની આડોડાઈ : અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન દ્વારા ઇન્સ્યોરન્સ કંપની સમક્ષ રજૂઆત કરવામાં આવી

અમદાવાદ, તા. ૨ : કોરોનાની મહામારીમાં દુનિયાભરના લોકો પરેશાન થઈ ગયા છે ત્યારે કોરોના સંક્રમિત લોકોને તબીબો જીવના જોખમી સારવાર આપી રહ્યા છે. તબીબો સારવાર કરતી વખતે સલામતી માટે પીપીઈ કીટ અને માસ્ક પહેરતા હોય છે હવે ઇન્સ્યોરન્સ  કંપનીઓ દ્વારા કોઈ પોલીસી હોલ્ડર કલેઈમ કરે ત્યારે કોઈપણ કારણ વગર પીપીઈ કીટ અને માસ્કના પૈસા મંજૂર કરતા નથી જેને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. ઇન્સ્યોરન્સ કંપની આ આડોડાઈ અંગે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન દ્વારા ઇન્સ્યોરન્સ કંપની સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશનના હોદ્દેદારો જણાવી રહ્યા છે કે વર્તમાન આ પરિસ્થિતિમાં કોરોનાનો વ્યાપ સતત વધતો જઈ રહ્યો છે અને ભારતમાં તેના દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. ત્યારે કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર કરવા માટે તબીબો ખડે પગે અને જીવના જોખમે પ્રયાસ કરી રહ્યા છે. એસોસિયનના હોદ્દેદારોના જણાવ્યા મુજબ જ્યારે પણ કોઈ કોરોનાગ્રસ્તની સારવાર કરવા માટે તબીબો હોસ્પિટલમાં જાય ત્યારે સલામતી માટે પીપીઈ કીટ અને માસ્કનો ઉપયોગ કરતા હોય છે. જેનો ચાર્જ દર્દીના બિલમાં ગણાતો હોય છે. હવે વર્તમાન સમયમાં મોટાભાગના દર્દીઓ પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ કે મેડીક્લેમ હોય છે.

 સારવાર દરમિયાન કે સારવાર બાદ જ્યારે દર્દી ક્લેમ કરે ત્યારે ઇન્સ્યોરન્સ કંપની પીપીઈ કીટ અને માસ્કના પૈસા કાપી નાખતી હોય છે. જે યોગ્ય નથી. માટે જ એસોસિએશન દ્વારા ઈન્સ્યોરન્સ કંપનીને વીમાધારકોને ખોટી રીતે પરેશાન નહીં કરવા અને ખોટી રીતે પીપીઈ કીટ અને માસ્કના પૈસા કાપી લેવાની કવાયત બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.

(7:28 pm IST)