Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

આઇશાના મોતનો આરીફને કોઈ જ અફસોસ નહીં : પોલીસ ખુદ ચોંકી : ગર્ભપાત બાદ બંને વચ્ચે ગજગ્રાહ હોવાનું કબુલ્યું

સાસરિયાના ત્રાસના કારણે ડિપ્રેશનમાં આવેલી ગર્ભવતી આઈશાનું બાળક મરી ગયું

અમદાવાદના વટવામાં રહેતી આઈશા નામની યુવતીએ સાબરમતી રિવરફ્રન્ટ પરથી મોતની છલાંગ લગાવી હતી. તે પહેલા તેણીએ એક વીડિયો ઉતારી તેના પતિ આરીફને મોકલ્યો હતો. જો કે, આઈશાના મોત બાદ આરીફ અને તેનો પરિવાર ફરાર થઈ ગયો હતો. જો કે, અમદાવાદ પોલીસ રાજસ્થાન પહોંચી આરીફની ધરપકડ કરી તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો પોલીસે પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરતું તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ અંગે પોલીસ દ્વારા આઈશાના મોત અંગે પુછપરછ કરતા આરીફને તેના પત્નીની મોતને લઈ કોઈ અફસોસ વ્યકત કર્યો ન હતો જેથી પોલીસ ખુદ ચોંકી ગઈ હતી. આઈશાના ગર્ભપાત બાદથી જ બંને વચ્ચે ગજગ્રાહ હોવાનું તેણે કબૂલ્યું હતું.

   આઈશાના પતિ આરીફને આજે રિવરફ્રન્ટ પોલીસ દ્વારા મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને પાંચ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. પરતું કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે તેનો ફોન કબ્જે લેવા , અન્ય યુવતી સાથેના સંબધ અને દહેજને લઈ પુછપરછ કરવા માટે રિમાન્ડની માંગ કરી હતી. આઈશા કેસના વકીલે જણાવ્યુ છે કે, આઈશાએ જયારે આપઘાત કર્યો તે પહેલા આરીફ સાથે વાતચીત કરી હતી અને તેમાં બાળક અંગે વાતચીત પણ કરી હતી. આરીફ અને તેના પરિવારે ભેગા મળીને ત્રાસ આપ્યો હોવાની રજૂઆત કરી હતી. આ પહેલા આઈશાએ તેના પતિ અને સાસરિયા સામે ફરિયાદ પણ દાખલ કરી હતી. કેસ દાખલ કર્યા બાદ આરીફે તેને ઘરે લઈ જવા માટેની ના પાડી હતી. જેથી તે છેલ્લા એક વર્ષથી જ તેના પિતાના ઘરે વટવા રહેતી હતી.

   સાબરમતી રિવરફ્રન્ટ પરના વોક વે પરથી આપઘાત કરતા પહેલા આઈશાએ તેના પતિ સાથે 72 મિનિટ સુધી વાત કરી હતી જેમા તેનો પતિ આરીફ તેને આપઘાત કરવા માટે ઉશકેરાવી રહ્યો હોવાની માહિતી સામે આવી હતી. જેથી આઈશાએ પોતાનો ઘર ફરી વસાવવા માટે ઘણી આજીજી પણ કરી હતી. પરતું આરીફે તેને ઘરે પરત લાવવા માટે ના પાડી દીધી હતી. જેથી કંટાળી આઈશાએ આપઘાત કરી લીધો હતો. તેના આપઘાતની જાણ આરીફ અને તેના પરિવારને થતા તેઓ ફરાર થઈ ગયા હતા. અમદાવાદ પોલીસે તેને મંગળવારના રાત્રે રાજસ્થાનના પાલી ખાતેથી તેની ધરપકડ કરી અમદાવાદ લાવવામાં આવ્યો હતો

   આ બધાની વચ્ચે આરીફ એકવાર આઈશાને અમદાવાદ મૂકી ગયો હતો. એ સમયે આઈશા ગર્ભવતી હતી, પણ આરિફે કહ્યું હતું કે તમે દોઢ લાખ આપો તો જ હું આઈશાને લઈ જઈશ. આરિફના આવા વલણથી આઈશા ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને ટેન્શનના કારણે તેનું મિસકેરેજ થઈ ગયું હતું. જેથી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામા આવી હતી. જયા ડોકટરોએ બાળકનું ગર્ભમાં જ મરણ થયુ છે તેવું જણાવ્યું હતું.

(8:18 pm IST)