Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

સુરતમાં વાસણ ધોવા બાબતે સાવકી માતાએ ઠપકો આપ્‍યા બાદ નાસી છૂટેલી 7 વર્ષની બાળાને 250થી વધુ પોલીસ કર્મચારીઓએ મહા મહેનતે શોધી કાઢી

સુરતઃ શહેરમાં બુધવારે સાંજે પોલીસ દોડતી થઈ ગઈ હતી. જ્યારે એક સાત વર્ષીય બાળકીની ગુમ થયાની ઘટના સામે આવી હતી. શહેરના પાંડેસરા વિસ્તારમાં સાવકી માતાના ઠપકાને પગલે 7 વર્ષની બાળકી ઘરેથી સવારે ગુમ થઈ હતી. પરિવાર દ્વારા શોધખોળ કરવા છતાં ન મળતા બુધવારે બપોરે પાંડેસરા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી. જેથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત 250થી વધુનો પોલીસકર્મીઓએ બાળકીની શોધખોળ કરી હતી. આખરે કલાકોની મહેનત બાદ બાળકી પરવત પાટીયા વિસ્તારમાંથી મળી આવી હતી.

પોલીસ તપાસમાં એવું સામે આવ્યું હતું કે સાત વર્ષની માયા પોતાની સાવકી માતા સાથે પાંડેસરા વિસ્તારમાં રહે છે. માતા દ્વારા વાસણ ધોવા બાબતે ઠપકો આપવામાં આવ્યો હતો. જેનું ખોટું લાગી જતાં, ટોયલેટ જવાનું કહીને ઘરની બહાર નીકળી ગઈ હતી. બાળકીની શોધખોળમાં સીસીટીવી કેમેરા ખૂબ મદદગાર સાબિત થયા હતાં.

બાળકી પોતાના ઘરેથી નીકળી ત્યાર બાદ પાંડેસરાના પિયુષ પોઇન્ટના સીસીટીવી કેમેરા તથા ત્યાંથી આગળ પત્રકાર કોલોનીનાં કેમેરામાં નજર આવી હતી. ત્યાર પછીનાં વિસ્તારના કેમેરા ચેક કરતાં બાળકી વીઆઇપી રોડના અને ગેલ કોલોની પાસેના કેમેરામાં પણ દેખાય છે. પોલીસે આ વિસ્તારમાં પણ શોધખોળમાં કરી હતી. બાળકી વેસુ વિસ્તારના જોલી પ્લાઝા પાસેથી સીટી બસમાં બેસી પરવત પાટીયા ગઈ હોવાનું ધ્યાને આવતા પોલીસ તે વિસ્તારમાં ગઈ હતી. જ્યાંથી બાળકી સહી સલામત મળી આવતા પોલીસ અને પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.

આ પહેલાં 4 મહિના અગાઉ પણ આ બાળકી ગુમ થઈ ગઇ હતી

અત્રે ઉલ્લેખનીય છે કે આ બાળકી 4 મહિના પહેલા પણ ગુમ થઈ હતી. જો કે તે વખતે બાળ સુરક્ષા વિભાગે બાળકીનો પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો. એપ્રિલ મહીનામાં બાળકી ખોવાઈ ગઇ હતી. જો કે બાળકીને પૂછતાં તેણે પોતાનું નામ માયા અને તેની ઉંમર સાત વર્ષની કહી હતી.

13 એપ્રિલના રોજ સુરતના રામનગર સ્થિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ સંસ્થામાં બાળકીને આશ્રય આપવામાં આવ્યો હતો. શહેરના પરવત પાટીયા વિસ્તારમાં તે બાળકીનાં માતા-પિતા રહે છે. ત્યારે પરવત પાટીયા ચાર રસ્તા તથા આઇ માતા ચોક ખાતે તપાસ કરતા બાળકીનાં કાકા-કાકી મળી આવતા તે બાળકીના પિતાનો સંપર્ક કરી બાળ સુરક્ષા વિભાગે તેના માતા-પિતા સાથે તેનું મિલન કરાવ્યું હતું.

(5:07 pm IST)