Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

અમદાવાદમાં અસામાજિક તત્વો બેલગામ :મારામારી અને ધાકધમકીના વધતા બનાવ

ખમાસા પાસે સામાન્ય બોલાચાલીમાં બે શખ્સો કારનો કાચ તોડી ફરાર:

અમદાવાદઃ સલામત ગુજરાતના અને ગુંડાઓને જેલમાં ધકેલવાના તથા રાજ્યને ગુંડામુક્ત બનાવવાના દાવાઓથી વિપરીત સ્થિતિ જોવાઈ છે અમદાવાદમાં મારાંમારી અને ધાકધમકીના બનાવો બનતા રહે છે જેમાં અમદાવાદ શહેરમાં આવેલા નડિયાદના રહેવાસીને ખમાસા પાસે સામાન્ય બોલાચાલીમાં બે શખ્સો કારનો કાચ તોડી ફરાર થઈ ગયા હતા. કાર ચાલકે આ અંગે બન્ને આરોપીઓ સામે ગાયકવાડ હવેલી પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો.

અમદાવાદ શહેરમાં મારામારીના બનાવો વધી રહ્યા છે. તેમા ફક્ત શહેરના નાગરિકો જ નહી બીજા શહેરમાંથી આવેલા લોકો પણ સલામત જોવા મળી રહ્યા નથી. આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરમાં બન્યો છે. જેમાં ખેડા જિલ્લાના નડિયાદના રહેવાસી લક્ષ્મણભાઈ જાયમલભાઈ રબારીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અમદાવાદ નવરંગપુરા ખાતે તેમના મિત્ર સતીષભાઈની સાથે વકીલને મળવા આવ્યા હતા. તેઓ ખમાસા ચાર રસ્તા પર પહોંચ્યા ત્યારે એક ટુ-વ્હીલર ચાલક અને તેની સાથેનો એક શખ્સ અમારી ગાડી આગળ આવીને ઊભો રહી ગયો. તેણે મને કહ્યું કે ગાડી ચલાવતા આવડતુ નથી અને આમ કહી તે બાઇક પરથી ઉતરી ગાડીની ડ્રાઇવર સાઇડે આવી દરવાજો ખોલવાનો પ્રયત્ન કરવા લાગ્યો.

દરવાજો ન ખૂલતા તે ડ્રાઇવર સાઇડે કાચ પર જોર-જોરથી મુકકા મારવા લાગ્યો. આમ આગળનો કાચ તોડી નાખી તેની સાથેના માણસે મને જોર-જોરથી દરવાજો ખોલ તેમ કહેતા મેં દરવાજો ખોલ્યો હતો. હું અને મારો મિત્ર દરવાજો ખોલી બહાર આવતા તે બંને જણા મારા પર તૂટી પડ્યા હતા. મને અપશબ્દો બોલવાની સાથે ગડદાપાટુનો માર માર્યો હતો. તેની સાથે દુસરી બાર યહાં સે નીકલા તો જાન સે માર ડાલુંગાની ધમકી આપી હતી. જો કે, આ દરમિયાન આજુબાજુના માણસો ભેગા થઈ જતા તે બાઇક ચાલક તથા તેની સાથેનો માણસ બાઇક ચાલુ કરી ગોળલીમડા તરફ નાસી ગયા હતા. જો કે આ દરમિયાન મેં તેની બાઇકનો નંબર નોંધી લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ જમાલપુરમાં તાંગરવાડ પાસે વીજ ચેંકિગ કરવા માટે ગયેલ ટીમ પર બે લોકોએ લાકડી વડે હુમલો કર્યો હતો અને હુમલો કર્યા બાદ ટીમના લોકોને જાહેરમાં ધાક ધમકી પણ આપવામાં આવી હતી. આ અંગે જગદીશ શાહે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ જમાલપુરમાં વીજ ચેકિંગ માટે ગયા હતા. જ્યાં મોટી પોળ તાનગરવાડમાં જાફરભાઈ મહમદહુસૈન મન્સુરીના મકાનમાં અમે જોયું કે મીટરના પાવરના ડાયરેક્ટ વાયર નાખીને વીજ ચોરી કરતા હતા, તેના પગલે અમે વાયર કાપી નાખ્યો હતો.

તેના પગલે તે મકાનના માલિક જાફરભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને અમને અપશબ્દો બોલ્યા હતા. તેમણે મારા પર જીવલેણ હુમલો કરતાં લાકડુ મારા જમણા સાથળના પગે માર્યુ હતુ. તેની સાથે ફરીથી અહીં દેખાયા તો જાનથી મારવાની ધમકી પણ આપી હતી. તેની સાથે તેઓએ મારા ટેકનિશિયન ઇમરાનભાઈ અને મરઘુબ આલમ અંસારીને પણ લાકડુ માર્યુ હતુ. તેના પછી આજુબાજુના માણસો ભેગા થઈ ગયા હતા અને તેઓએ અમને બચાવ્યા હતા. તેના પછી અમે સારવાર લીધી હતી અને હવે અમારા જીવની ધમકી આપી હોઈ તેની સામે ફરિયાદ નોંધાવી હતી.

(8:57 pm IST)