Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

બિહારની વિધાનસભા સાથે ગુજરાતની 8 સહિત દેશની 65 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે : ટૂંકસમયમાં થશે તારીખની જાહેરાત

એક લોકસભાની અને 64 વિધાનસભાની બેઠકોની યોજાનાર પેટા ચૂંટણીમાં ગુજરાતની 8 બેઠકો સામેલ:29 નવેમ્બર પહેલા બિહાર વિધાનસભા ચૂંટણી પૂર્ણ થશે

ગાંધીનગર: કોરોના સંકટ છતાંય ચૂંટણી પંચએ સ્પષ્ટ કર્યુ છે કે બિહારમાં વિધાનસભા ચૂંટણી નક્કી કરેલા સમયે જ યોજાશે. તેની સાથે જ ચૂંટણી પંચે વધુમાં જણાવ્યું છે કે બિહાર વિધાનસભા ચૂંટણી સાથે જ દેશની 65 બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાશે. તેમાં એક બેઠક લોકસભાની અને 64 વિધાનસભાની બેઠકો છે. આ 64 વિધાનસભામાં ગુજરાતની 8 વિધાનસભાની બેઠકો પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામાં ધરતા ગુજરાતની આ વિધાનસભા બેઠકો ખાલી પડી હતી.

ચૂંટણી પંચે એ પણ જણાવ્યું કે બિહાર વિધાનસભાની  તારીખોની જાહેરાત યોગ્ય સમય પર કરવામાં આવશે. સાથે જે બેઠકો પર પેટાચૂંટણી થવાની છે તેની પણ તારીખની જાહેરાત ટૂંક સમયમાં થશે. ચૂંટણી પંચે વધુમાં જણાવ્યું કે 29 નવેમ્બર પહેલાં બિહાર વિધાનસભા ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઇ જશે. ચૂંટણી પંચે શુક્રવારે આ વાતની જાણકારી આપી હતી.

અગાઉ બિહાર વિધાનસભા ચૂંટણીને લઇને ચૂંટણી પંચે વિસ્તૃત ગાઇડલાઇનની જાહેરાત કરી છે. તેમાં પંચે જણાવ્યું કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે અને આમ ના કરનારા વિરુદ્ધ કાર્યવાહી થઇ શકે છે. ચૂંટણી પંચે 65 વર્ષના વૃદ્ધને પોસ્ટલ બેલેટની સુવિધા આપવાનો આદેશ વિપક્ષી દળોના વિરોધના કારણે પરત ખેંચી લીધો છે

 

બિહાર ચૂંટણીને લઇને ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ ઓનલાઇન નોમિનેશન થશે. જામીનની રકમ પણ ઓનલાઇન જમા કરાવી શકાશે. જોકે ફિઝિકલ નોંધણી માટેનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. પરંતુ તેના માટે બે લોકો જ સાથે જઇ શકે છે. વધુમાં વધુ બે ગાડી સાથે લઇ જઇ શકાય છે. જન-સંપર્ક અભિયાનમાં ઘેર-ઘેર વધુમાં વધુ પાંચ લોકોને મંજૂરી હશે. સાથે જ પબ્લિક રેલી યોજવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું પડશે. કેટલાં લોકો આવશે તેની જાણકારી પણ પહેલાં નક્કી થશે.

ગુજરાતની કંઇ બેઠક માટે પેટા ચૂંટણી યોજાશે

1) લીંબડી વિધાનસભા બેઠક
2) અબડાસા વિધાનસભા બેઠક
3) કરજણ વિધાનસભા બેઠક
4) કપરાડા વિધાનસભા બેઠક
5) ડાંગ જિલ્લાની વિધાનસભા બેઠક
6) ગઢડા સીટ વિધાનસભા બેઠક
7) મોરબી જિલ્લાની વિધાનસભા બેઠક
8) ધારી વિધાનસભા વિધાનસભા બેઠક

(9:02 pm IST)