Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

કોરોના કાળ વચ્ચે આરોગ્ય વિભાગની પાલનપુરની બે ખાનગી હોસ્પિટલમાં રેડ : સોનોગ્રાફી મશીન સીલ કર્યા

બે હોસ્પિટલના મશીનો સીલ થતાં ખાનગી આરોગ્ય આલમમાં ચકચાર

બનાસકાંઠા: કોરોના કાળ વચ્ચે આરોગ્ય વિભાગે પાલનપુરની બે ખાનગી હોસ્પિટલમાં રેડ કરી છે અને બંને હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીનની રૂબરૂ તપાસ કરતાં ક્ષતિ જણાઈ આવી હતી. આથી હોસ્પિટલમાં જ બંને તબીબના સોનોગ્રાફી મશીન સીલ કરી આરોગ્ય અધિકારી મનિષ ફેન્સીએ વધુ તપાસ હાથ ધરી છે. શહેરની બે હોસ્પિટલના મશીનો સીલ થતાં ખાનગી આરોગ્ય આલમમાં ચકચાર મચી ગઇ છે.

 આ અંગે મળતી વિગત મુજબ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની બે ખાનગી હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય વિભાગે આકસ્મિક રેડ કરી હતી. મોડી સાંજે ગઠામણ દરવાજા નજીક પૃથ્વી હોસ્પિટલ અને ઢુઢીયાવાડી સ્થિત ન્યુ મહેશ્વરી હોસ્પિટલમાં અચાનક તપાસ શરૂ કરી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મનીષ ફેન્સી સહિત નાએ સોનોગ્રાફી મશીન સહિત રેકર્ડ ચેક કરતાં મોટી વિગતો પકડાઇ હતી. ડો. પ્રકાશ દેસાઇ પૃથ્વી હોસ્પિટલ, ગઠામણ દરવાજા અને ડો. દર્શન કેલા, ન્યુ મહેશ્વરી હોસ્પિટલ, ઢુઢીયાવાડીને ત્યાં જોગવાઈઓનો ભંગ જોવા મળ્યો હતો. પીસીપીએનડીટી એક્ટ મુજબ ફોર્મ એફ અને રજીસ્ટર નિભાવણીનો અભાવ સામે આવ્યો હતો. આથી કાર્યવાહી કરી તપાસ ટીમે બંને હોસ્પિટલના સોનોગ્રાફી મશીન સીલ કર્યા હતા.

(9:43 pm IST)