Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

હવે દારુ પીધેલાનું મોઢું પોલીસ નહીં સૂંઘે :કોરોનાના કારણે પોલીસને મુક્તિ : રાજયના ડીજીપી કચેરીએ લીધો નિર્ણય

ગુજરાત નશાબંધી અધિનિયમ હેઠળની કાર્યપદ્ધતિમાં સુધારો

અમદાવાદ :કોવિડ 19ના કેસોએ ગુજરાતમાં ફરીવાર માથું ઊંચકયું છે. આવા સમયે કપરી ફરજ બજાવી રહેલાં અનેક પોલીસ કર્મચારીઓ કોરોના પોઝટીવ થયા છે.ત્યારે  રાજય પોલીસ મહાનિર્દેશકની કચેરી દ્વારા ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 હેઠળ દારુ/ કેફી પીણું પીધેલી વ્યક્તિઓ વિરુધ્ધ કાર્યવાહી કરતી વખતે અનુસરવાની કાર્યવાહી અંગેની કાર્યપધ્ધતિમાં સુધારો કરવામાં આવ્યો છે. તે મુજબ દારુ પીધેલી હાલતમાં પકડાતાં આરોપીનું મોઢું સુઘવામાંથી પોલીસને મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજયના કાયદો અને વ્યવસ્થાના પોલીસ મહાનિરીક્ષક નરસિંમ્હા કોમારે તમામ શહેર પોલીસ કમિશ્નરો તથા તમામ રેન્જ આઇ.જી. ઉપરાંત તમામ પોલીસ અધિક્ષકોને જારી કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે. ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 હેઠળ દારુ/ કેફી પીણાનો નશો કરેલી વ્યક્તિઓ વિરુધ્ધમાં કાર્યવાહી કરતી વખતે તેઓના શરીરની સ્થિતિનું પંચનામું કરવામાં આવે છે. અને તે વખતે મોઢામાંથી દારુ/ કેફી પીણાની વાસ આવવા અંગે મોઢું સુંઘવા, આંખ લાલ થયેલાનું ચકાસવા તથા શરીરનું સંતુલન અને બોલતી વખતે જીભ લથડાતી વગેરે બાબતની ચકાસણી કરવામાં આવે છે. પરંતુ શંકાસ્પદ વ્યક્તિ શંકાસ્પદ વ્યક્તિ કોવિડ 19થી સંક્રમિત હોવાની શક્યતા રહે છે. અને મોઢું સુઘવા જતાં તપાસ કરનારા અમલદાર પણ સંક્રમિત થઇ શકે છે. જેથી હાલની કોવિડ 19ની પરિસ્થિતિ રાખતાં દારુ/કેફી પીણાનો નશો કરેલી વ્યક્તિની શરીરની સ્થિતિના પંચનામાં દરમિયાન મોઢું સુઘવાની કાર્યવાહી વધુ આદેશ ન થાય ત્યાં સુધી બંધ કરવા અને આ અંગે આપના તાબા હેઠળના તમામ તપાસ કરનારા અમલદારને જાણ કરવા સૂચના અપાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજય પોલીસ તરફથી દારૂના જથ્થાં સાથે ગુનેગારને પકડવાની સાથોસાથ દારુ પીને છાકટાં બનતાં દારુડિયાને પોલીસ દ્રારા ઝડપી પાડવામાં આવે છે. નિયમ પ્રમાણે દારુ પીનારાનું મ્હોં સુંઘવામાં આવે છે. તેમાંય વળી ડિસેમ્બરના છેલ્લાં સપ્તાહમાં નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે ઘણાં લોકો દ્રારા પાર્ટીઓ યોજવામાં આવે છે. જેમાં દારૂથી માંડીને કેફી પીણાનો નશો કરતાં હોય છે. આવા કેસો વધુમાં વધુ પકડાય છે. તેવા સમયે પોલીસ કોરોનાની ઝપટમાં આવી ના જાય તે હેતુથી રાજય પોલીસ મહાનિર્દેશકની કચેરી તરફથી સૂચના જારી કરવામાં આવી છે.

(11:52 pm IST)