Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

ચણાનું વિક્રમી (૧૮૩ ટકા) વાવેતરઃ સરકાર ટેકાના ભાવે ખરીદશે

ગુજરાતમાં ગયા વર્ષે ૧,૩૭,૭૬૭ હેકટરમાં ચણા વાવવામાં આવેલ, આ વર્ષે પ,૩૩,૩૪૩ હેકટરમાં: ફેબ્રુઆરીમાં બજારમાં આવશે

રાજકોટ તા. ૪: રાજયમાં રવિ પાકની વાવણીનો સમય પૂરો થઇ રહ્યો છે. આ વખતે ઘઉં અને ચણાનું સૌથી વધુ વાવેતર કરવામાં આવ્યું છે. રાજયમાં બધા પાસેનો વાવેતર વિસ્તાર છે તેમાંથી સરકારી આંકડા મુજબ તા. ૩૦ નવેમ્બર સુધીમાં ૭૮.ર૬ ટકા વાવેતર થઇ ગયું છે. ચણાનું વાવેતર ગયા વર્ષની સરખામણીએ ૪ ગણું, જેટલું થવાથી ચણાના વિક્રમી ઉત્પાદનથી ધારણા છે. વાવેતરના ખાનગી અંદાજ અને સરકારી આંકડાઓ વચ્ચે વિસંગતતા રહે છે.

રાજયમાં છેલ્લા ૩ વર્ષનો ચણાનો નોર્મલ વાવેતર વિસ્તાર ર,૯૧,૬૮૩ હેલ્ટર છે. ગયા વર્ષે ૧,૩૭,૭૬૭ હેલ્ટરમાં ચણાનું વાવેતર થયેલ. આ વર્ષે પ,૩૩,૩૪૩ હેકટરમાં વાવેતર થયું છે. તે ટકાવારીની દૃષ્ટિએ કુલ નોર્મલ વાવેતર વિસ્તારની દૃષ્ટિએ ૧૮ર.૮પ ટકા જેટલું થાય છે. આ વર્ષે મોટાભાગના ખેતરોમાં પાણીની અનુકુળતા છે. ઠંડક પણ પ્રમાણસર અને સમયસરની છે. કોઇ કુદરતી અનિચ્છનીય કારણ ન સર્જાય તો આ વર્ષે ચણાનું મબલખ ઉત્પાદન થશે. સરકારે ટેકાના ભાવે ચણાની ખરીદી કરવાની તૈયારી આરંભી છે. ગયા વર્ષે ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવે ચણા ખરીદવામાં આવેલ. આ વર્ષે મગફળી ખરીદી વહેલી પૂરી થઇ જાય તેમ હોવાથી સરકાર ચણાના ભાવની ખરીદી પણ નાગરિક પુરવઠા નિગમ હસ્તક જ રાખવા માંગે છે. આખરી નિર્ણય હવે પછી થશે. ફેબ્રુઆરી અંત અથવા માર્ચ પ્રારંભે ચણા બજારમાં આવી જશે. ખેડૂતોને ખૂલ્લા બજારમાં જ સારા ભાવની આશા છે.

(11:23 am IST)