Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

અમદાવાદ એસટી ડેપો ઉપર કોરોના ટેસ્‍ટીંગમાં નિરસતાઃ એક દિવસમાં માત્ર 150 જ કિટ ફાળવાતા અનેક મુસાફરોના કોરોના ટેસ્‍ટ થઇ શકતા નથી

અમદાવાદ: ગુજરાત સરકાર કોરોના ટેસ્ટ વધારી રહી હોવાના દાવા કરે છે. પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. અમદાવાદના એસટી બૂથ ચોંકાવનારી બાબત સામે આવી. એસટી ડેપો એ જગ્યા છે, જ્યાં રોજના હજારોની સંખ્યામાં મુસાફરોની અવરજવર થતી હોય છે. તેથી અહી કોરોના ટેસ્ટીંગ પર વધુ ભાર અપાવવું જોઈએ. તેના બદલે અહી કોરોના ટેસ્ટીંગમા એએમસી તંત્રની નિરસતા જોવા મળી. એસટી ડેપો પર કોરોના ટેસ્ટીંગ માટે એક જ બૂથ ઉભુ કરવામાં આવ્યું છે, જ્યાં દિવસની માત્ર 150 ટેસ્ટની કીટ આપવામાં આવે છે. જ્યાં હજારોની સંખ્યામાં મુસાફરો આવતા હોય, ત્યાં 150 કીટથી શું થાય.

એક ટીમને માત્ર 75 ટેસ્ટીંગ કીટ અપાય છે

અમદાવાદના એસટી ડેપો પર કોરોના ટેસ્ટ માટેનું બૂથ ઉભું કરવામાં આવ્યું છે. જેમાં મેડિકલની ટીમ પણ ટેસ્ટ કરવા માટે હાજર છે. લોકો પણ ટેસ્ટીંગ માટે આવી રહ્યા છે. જોકે આ બૂથ પાસે માત્ર 75 ટેસ્ટ કીટ છે. સવારે 10 થી બપોરના 12 સુધીમાં 75 કીટ પૂરી થઈ જાય છે અને બૂથ બંધ થઈ જાય છે અને બપોરે 2 વાગે બીજી ટીમ આવે છે અને તેમને પણ 75 ટેસ્ટ કીટ આપવામાં આવે છે. જે 5 વાગ્યા સુધી પૂરી થઈ જાય છે. ત્યાર બાદ બુથ બંધ થઈ જાય છે.

સરકારના દાવાને પોકળ સાબિત કરતી હકીકત

ડેપો પર સતત બસો આવતી રહે છે. મુસાફરો ઉતરે છે અને બસમાં ચઢે છે. પરંતુ ટેસ્ટીંગ બૂથ તો 150 લોકોના ટેસ્ટ કરવ માટે સક્ષમ છે. આટલા ટેસ્ટીંગ થાય ત્યાં સુધી જ બૂથ ચાલુ રહે છે. સરકાર કહે છે, ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ અંકુશમાં છે, ટેસ્ટ થઈ રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે માત્ર એક ટીમને એક બૂથ માટે 75 ટેસ્ટ કીટ આપવામાં આવે છે. જો તમે 76 માં વ્યક્તિ છો, તો તમારો ટેસ્ટ નથી થઈ શકે. કેમ કે ટેસ્ટીગ કીટ જ નથી. તો ડેપોમાં આવનાર મુસાફરો ટેસ્ટ કરવો હોય તો ક્યાં જવું તે સવાલ થઇ રહ્યો છે.

(5:34 pm IST)