Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

યુવતીએ યુવકના વિરૂદ્ધમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારની ઘટના : સોશિયલ મીડિયામાં કોઇ પણ અજાણી યુવતી સાથે ચેંટીગ કરતા યુવકો માટે ચેતવણી રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો

અમદાવાદ,તા.૪ : સોશિયલ મીડિયામાં કોઇ પણ અજાણી યુવતી સાથે ચેંટીગ કરતા યુવકો માટે ચેતવણી રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોઈ પણ અજાણી યુવતી સાથે ચેંટીગ કરતા પહેલા દસ વખત વિચાર કરજો કે ક્યાંક તમે હનીટ્રેપનો શિકાર તો નથી બની રહ્યા ને. ત્યારે વધુ એક કિસ્સો નવાનરોડા ખાતે બન્યો છે. યુવકના પિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપ તેમજ બ્લેકમેઇલની ફરિયાદ કરતા યુવતીએ પણ યુવક વિરુધ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. કૃષ્ણનગર વિસ્તારમાં રહેતો અને ગારમેન્ટનો ધંધો કરતો યુવક કેનેડા એરલાઇન્સ એવીએશનનો અભ્યાસ કરવા માટે કેનેડા ગયો હતો. જ્યા ઇન્સ્ટાગ્રામમાં તેનો સંપર્ક નવા નરોડા ખાતે રહેતી યુવતી સાથે થયો હતો. બન્ને જણા ઇન્સ્ટાગ્રામમાં પર ચેંટીગ કરતા હતા. જો કે યુવકની માતાની તબીયત ખરાબ થતા તે કેનેડાથી અમદાવાદ આવવા નીકળ્યો હતો. જ્યા દુબઇમાં દસ કલાક સુધી ફ્લાઇટ રોકાઇ હતી.

        યુવતી પણ દુબઇમાં ફરવા ગઇ હોવાથી બન્ને જણાની પહેલી મુલાકાત દુબઇમાં થઇ હતી અને ત્યારબાદ તેઓ અલગ અલગ સમયે અમદાવાદ આવી ગયા હતા. લોકડાઉન આવી જતા બન્ને જણા ફોન પર વાતચીત કરતા હતા અને બાદમાં તેમને મળવાનું શરુ કર્યુ હતું બન્ને વચ્ચે પ્રેમ થઇ જતા તેમને શારિરીક સંબધ પણ બાંધ્યા હતા. બન્ને વચ્ચે અણબનાવ થતાં યુવતીની માતાએ યુવકને ઘરે બોલાવ્યો હતો અને જ્યા તેને ધમકી આપી હતી કે તારા પિતા દસ લાખ રુપિયા આપશે તો તમારા વિરુધ્ધ કોઇ કાર્યવાહી કરીશું નહી. યુવકે તેના ભાઇ અને પિતાને યુવતીના ઘરે બોલાવી લીધા હતા. જ્યા તેમની સાથે પણ દસ લાખ રુપિયાની માંગણી યુવતીની માતાએ કરી હતી. જોકે રુપિયાનો બંદોબસ્ત નહી થતા તેમને ફરીથી મીટીંગ કરી હતી જેમા યુવતીની માતાએ ફરીથી દસ લાખ રુપિયાની માંગણી કરી હતી અને કેસ કરવાની ધમકી આપી હતી. યુવતીની માતાના બ્લાકમેઇલીગથી કંટાળીને યુવકના પિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. જ્યારે યુવતીએ પણ આ યુવક વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.  યુવતી નો આરોપ છે કે આ યુવક એ તેને લગ્ન ની લાલચ આપીને તેને અવાર નવાર બહાર ફરવા માટે લઈ જતો હતો. અને ચાંદખેડાની એક હોટલમાં લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. અને તેના મિત્રની પાર્ટીમાં લઇ ગયો હતો અને ત્યાંથી એક ગેસ્ટ હાઉસમાં લઈ જઈ ત્યાં પણ શારીરિક સંબંધ બાંધ્યો હતો. જો કે યુવતી એ તેની સાથે વાત કરવાનું બંધ કરી દેતા યુવક તેની માતાને ફોન કરીને વાત કરવા માટે દબાણ કરતો હોવાનો આરોપ યુવતી એ લગાવ્યો છે.

(7:39 pm IST)