Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ખમાસા ચાર રસ્તા પાસે કારંજ પોલીસના બે જવાનો પર નકલી ક્રાઇમ બ્રાન્ચના નામે રોફ જમાવનાર જેલહવાલે

આઇકાર્ડ માંગતા તે આઇકાર્ડ આપી શક્યો ન હતો: જવાનોએ તેની સ્થળ પર જ ધરપકડ કરી

અમદાવાદઃ શહેરમાં ખમાસા ચાર રસ્તા પાસે નકલી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કાંરજ પોલીસના બે જવાનો પર પોતાનો રોફ જમાવનાર યુવકને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.આ બનાવને લઈ પોલીસે આરોપી સામે ગુનો દાખલ આગળની તપાસ હાથ ધરી છે.

અમદાવાદના ખમાસા ચાર રસ્તાથી આઇ.પી.મિશન જવાના માર્ગ પર આવેલા પેટ્રોલ પંપ ઉપર કારંજ પોલીસના જવાનો પોતાની પ્રાઇવેટ ગાડી લઈને ઉભા હતા અને ગાડીમાં હવા ભરાવી રહ્યા હતા.ત્યારે  જમાલપુરમાં રહેતો કુતબુદ્દીન નામનો વ્યક્તિ પોતાનો ટુ વ્હીલર લઈને ત્યાં આવ્યો હતો અને કામ અર્થે પોલીસની ગાડી પાછળ પોતાની બાઈક મુકી જતો રહ્યો હતો.

પોલીસે પોતાની ગાડી પાછળ રિવર્સ લેતા તેના બાઈકને ટક્કર લાગી હતી.ટક્કર વાગતા બાઈક ચાલકે આ પોલીસ કર્મીઓ સાથે બોલાચાલી કરી પોતાને ક્રાઈમ બ્રાંચ પોલીસ તરીકે ઓળખ બતાવી હતી અને પૈસાની માંગણી કરી હતી.જો કે, કારંજ પોલીસે આ વાત સાંભળીને તેના પાસેથી આઇકાર્ડ માંગતા તે આઇકાર્ડ આપી શક્યો ન હતો અને બહાના કરવા લાગ્યો હતો.જેથી કારંજ પોલીસના બે જવાનોએ તેની સ્થળ પર જ ધરપકડ કરી હવેલી પોલીસ મથકે લઈને આવ્યા હતા.ગાયકવાડ હવેલી પોલીસે આ આરોપી સામે ગુનો દાખલ કરી તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(12:05 am IST)