Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

તત્કાલિન વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધી અમને ટોણો મારતા હતા કે, તમારે તો રાષ્ટ્રીય પક્ષના પાટીયા ઉતારી લેવા જોઈએ તમારા કરતાં તો વધારે બેઠકો પ્રાદેશિક પક્ષોની છે.આજે સમયે કેવી કરવટ બદલી છે ? લોકસભામાં છેલ્લી બે ટર્મથી કોંગ્રેસ પક્ષની પાસે ૫૦ સાંસદો પણ થતા નથી : વિજયભાઈ રૂપાણી

પથ કા અંતિમ લક્ષ્ય નહીં હૈ, સિંહાસન ચડતે જાના સબ સમાજ કો લિયે સાથ મેં, આગે હૈ બઢતે જાના ઇતના આગે, ઇતના આગે, જિસ કા કોઈ છોર નહીં જહાં પૂર્ણતા મર્યાદા હો, સીમાઓ કી ડોર નહીં પથ કા અંતિમ લક્ષ્ય નહીં હૈ, સિંહાસન ચડતે જાના અમારા વિજયનો અમને આનંદ જરૂર છે પણ આવી ભુંડી હાલત જોઈને ખરેખર દયા આવી જાય છે,અમે કોઈની હારને બેઇજ્જત કરવાવાળા નથી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી : રાજ્યપાલશ્રીએ કરેલા સંબોધનમાં સરકારના જનહિતલક્ષી વિવિધ પાસાઓની વિસ્તૃત જાણકારી સાથે આ સરકારની જનહિતલક્ષી કામગીરીની સરાહના કરી તે અંગેનો આભાર પ્રસ્તાવ આજે વિધાનસભા ગૃહમાં રજુ કર્યો: રાજ્યપાલશ્રીનું આ અભિભાષણ વિકાસની નવી દિશા ખોલનારું રાજ્ય સરકારને અને ગુજરાતને વધુ ગૌરવવંતી કામગીરી માટે પ્રેરણા આપનારું ગણાવતાં પોતાનું છટાદાર વક્તવ્ય પ્રસ્તુત કર્યું: મુખ્યમંત્રીશ્રીએ ગૃહના નેતા તરીકે સભાગૃહના સન્માનનીય તમામ સભ્યશ્રીઓનો અંતઃકરણપૂર્વકનો આભાર વ્યક્ત કર્યો

ગાંધીનગર : મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત વિધાનસભા ગૃહના નેતા શ્રી વિજયભાઈ રૂપાણીએ વિધાનસભા ગૃહને માનનીય રાજ્યપાલશ્રીએ કરેલા સંબોધનમાં સરકારના જનહિતલક્ષી વિવિધ પાસાઓની વિસ્તૃત જાણકારી સાથે આ સરકારની જનહિતલક્ષી કામગીરીની સરાહના કરી તે અંગેનો આભાર પ્રસ્તાવ આજે વિધાનસભા ગૃહમાં રજુ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યપાલશ્રીનું આ અભિભાષણ વિકાસની નવી દિશા ખોલનારું રાજ્ય સરકારને અને ગુજરાતને વધુ ગૌરવવંતી કામગીરી માટે પ્રેરણા આપનારું ગણાવતાં પોતાનું છટાદાર વક્તવ્ય પ્રસ્તુત કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ગૃહના નેતા તરીકે સભાગૃહના સન્માનનીય તમામ સભ્યશ્રીઓનો અંતઃકરણપૂર્વકનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યુ હતું કે, તેમણે ગુજરાતના અને ગુજરાતીઓના વિકાસ માટે વિવિધ મહત્વપૂર્ણ વિષયો ઉપર તેમના અમૂલ્ય વિચારો પ્રસ્તુત કર્યા છે.

.       મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનું વિધાનસભા ગૃહને સંબોધન અક્ષરશઃ આ મુજબ છે લોકશાહી શાસન વ્યવસ્થામાં જનહિતલક્ષી ચર્ચા વિચારણાનું આગવું મહાત્મ્ય છે.સંસદીય પ્રણાલિકાઓમાં સરકાર અને વિપક્ષના સભ્યો દ્વારા થતી ચર્ચાઓનું અત્યંત મહત્વ રહ્યું છે.જેને ગમે એ પ્રશંસા કરે અને જેને ન ગમે તે ટીકા પણ કરે. પરંતુ આ પ્રશંસા અને ટીકાઓમાં અંતે તો સાચું શું છે ? અને લોકહિતમાં શું છે ? એ મહત્વનું છે.કોઇ ભાજપા, કોંગ્રેસ  કે પછી સ્વતંત્ર ગમે તે વિચારધારાને વરેલા હોય પણ સૌથી પહેલા તો એ ગુજરાતી અને ભારતવાસી છે.ગરવા ગુજરાતની મહાનભૂમિના આપણે સૌ સંતાનો છીએ.રાજકીય હથકંડા ગમે તે અજમાવાશે, પરંતુ આપણા સૌના હૃદયમાં ભારતમાતા, માતૃભૂમિ અને આપણું ગુજરાત અજરા અમર હોવું જોઈએ.આજે અમે અહીં છીએ કારણ કે, ગુજરાતને અને ભારતને અમે તહે દીલથી પ્રેમ કરીએ છીએ.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ કહ્યું છે કે, ભારત મારો પરમાત્મા અને ગુજરાત મારો આત્મા છે.

        મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે સરકારના જનહિતલક્ષી કાર્યો જેને ગમે એ વખાણ કરે અને કેટલાક વિરોધ પણ કરે, અંતે તો ગુજરાતની સાડા છ કરોડની જનતા જ નિર્ણય કરે છે.

અમે કોઈ નાતિ-જાતિ, ધર્મ, વર્ગનો નહિ બધાનો વિચાર કર્યો છે. સૌનું હિત જોયું છે. એક સમય એવો પણ હતો કે અમારી માત્ર બે બેઠકો હતી. ત્યારે તત્કાલિન વડાપ્રધાન  શ્રી રાજીવ ગાંધી અમને ટોણો મારતા હતા કે, તમારે તો રાષ્ટ્રીય પક્ષના પાટીયા ઉતારી લેવા જોઈએ તમારા કરતાં તો વધારે બેઠકો પ્રાદેશિક પક્ષોની છે.આજે સમયે કેવી કરવટ બદલી છે ? લોકસભામાં છેલ્લી બે ટર્મથી કોંગ્રેસ  પક્ષની પાસે ૫૦ સાંસદો પણ થતા નથી.

  આજે કેન્દ્રમાં નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળની મજબૂત સરકાર કામ કરે છે. અહીં ગુજરાતમાં છેલ્લા અઢી દાયકાથી પરિણામલક્ષી નિર્ણયો લેતી મક્કમ ભાજપની સરકાર છે.તમામ નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતો અને મોટાભાગની તાલુકા પંચાયતોમાં કેસરિયો લહેરાય છે ત્યારે કોંગ્રેસના મારા મિત્રોને કહેવાની ઇચ્છા છે કે, 

વક્તને કિયા, ક્યા હસી સીતમ

તુમ રહે ન તુમ, હમ રહે ન હમ

પણ અમે અમારા સિદ્ધાંતો અને જનહિતલક્ષી કાર્યોને હંમેશા વળગી રહ્યા છીએ.સત્તા માટે ક્યારેય રસ્તા બદલવાનું અમે મુનાસીબ માન્યું નથી. વિચારધારાથી કામ કરનારા અમે લોકો છીએ.એટલે જ આજે પંચાયતથી  માંડીને પાર્લામેન્ટ સુધી જનતાએ અમારી નિષ્ઠા, અમારી પારદર્શિતા, અમારી સંવેદનશીલતા, અમારી નિર્ણાયકતાને ભરપુર આશિર્વાદ આપ્યા છે. જનતા જનાર્દનએ મત નહિ પરંતુ આશીર્વાદ આપ્યા છે.

       ૬૧ વર્ષમાં પહેલીવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૯૦ ટકા બેઠકો ઉપર જનતાનો  વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે.છ માંથી છ મહાનગરપાલિકાઓ, ૮૧માંથી ૭૫ નગરપાલિકાઓ, તમામ ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧માંથી ૧૯૬ તાલુકા પંચાયતોમાં ગુજરાતની જનતાએ અમારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.આજે ગુજરાતમાં ૧૦૦ ટકા સાંસદો, ૧૦૦ ટકા જિલ્લા પંચાયતો, ૧૦૦ ટકા મહાનગરપાલિકાઓ, ૯૩ ટકા  નગરપાલિકાઓ, ૮૬ ટકા  તાલુકા પંચાયતો, અને ૬૧ ટકા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે.ગુજરાતના ૯૦ ટકા ભૌગૌલિક વિસ્તાર ઉપર જનતાએ કમળ ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.હું બીજી રીતે મુલવું તો ગુજરાતના ૧૮૨ વિધાનસભા મતવિસ્તારો પૈકી ૧૬૪ મતવિસ્તારોના લોકોએ ભાજપમાં તેમનો દ્રઢ વિશ્વાસ  વ્યક્ત કર્યો છે.હું જન આશિર્વાદની કેટલીક આંકડાકીય વિગતો સાથે આ સન્માનનીય સભાગૃહનું ધ્યાન દોરવા માગું છું.

         વર્ષ ૨૦૧૫ની પંચાયતોની ચૂંટણીની વાત કરીએ તો, ૩૧ જિલ્લા પંચાયતોની ૯૮૮ બેઠકો પૈકી ભાજપાને ૩૬૮ બેઠકો (૩૭ ટકા બેઠક) મળી હતી અને કોંગ્રેસને ૫૯૫ બેઠકો (૬૩ ટકા બેઠક) મળી હતી. જ્યારે આજે વર્ષ ૨૦૨૧માં ૩૬૦ ડિગ્રીએ પરિવર્તન આવ્યું છે. અને જનતાએ ૯૮૦ બેઠકો પૈકી ૮૦૦ બેઠકો (૮૨ ટકા બેઠક) ઉપર ભાજપાને તેમના સ્નેહ અને આશિર્વાદ આપ્યા છે. અને કોંગ્રેસ ૫૯૫ ઉપરથી ૧૬૯ બેઠકો (૨૮ ટકા બેઠક) પર આવી ગઈ છે.તાલુકા પંચાયતોની વાત કરું તો વર્ષ ૨૦૧૫માં ૪૭૮૪ બેઠકો પૈકી ભાજપાને ૧૯૬૭ બેઠકો (૪૧ ટકા બેઠક) અને કોંગ્રેસને ૨૫૩૬ બેઠકો (૫૩ ટકા બેઠક) મળી હતી. જ્યારે વર્ષ ૨૦૨૧માં ૪૭૭૪ બેઠકોમાંથી ૩૩૫૧ બેઠકો (૭૦ ટકા બેઠક) પર જનતાએ કમળને આશિર્વાદ આપ્યા છે. અને કોંગ્રેસને માત્ર ૧૨૫૨ બેઠકો (૨૬ ટકા બેઠક) મળી છે.હવે હું નગરપાલિકાના આંકડા આપું તો વર્ષ ૨૦૧૫માં ૨૭૪૮ બેઠકો પૈકી ભાજપાને ૧૫૬૨ (૫૭ ટકા બેઠક) અને કોંગ્રેસને ૮૬૨ બેઠકો (૩૧ ટકા બેઠક) મળી હતી જ્યારે વર્ષ ૨૦૨૧માં ભાજપાને ૨૭૨૦ બેઠકમાંથી ૨૦૮૫ બેઠકો (૭૭ ટકા બેઠક) અને માત્ર ૩૮૮ બેઠકો (૧૪ ટકા બેઠક) કોંગ્રેસને મળી છે.

• અને કોર્પોરેશનની વાત કરું તો વર્ષ ૨૦૧૫માં ભાજપાને ૬૮ ટકા બેઠક અને કોંગ્રેસને ૩૧ ટકા બેઠક મળી હતી. જ્યારે વર્ષ ૨૦૨૧માં ભાજપાને ૮૪ ટકા બેઠક અને કોંગ્રેસને માત્ર ૧૦ ટકા બેઠક મળી છે.

• આજે તો સમગ્ર ગુજરાતના ગગનમાં ભગવો લહેરાતો દેખાય છે. ખોબલે ખોબલે જનવિશ્વાસની અંજલિઓ અમારી ઉપર થઈ છે.

       મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કેરાજ્યભરના અખબારોએ ભાજપાની જીતને હૃદયપૂર્વક  પોંખી છે ત્યારેમારે કહેવું જોઈએ કે,

હારને પચાવવી અઘરી છે પરંતુ જીતને પચાવવી એનાથી પણ વધારે અઘરી છે. વિકટરી હેઝ મેની ફાધર્સ, ડીફીટ હેઝ નન.વિજયનો ઉન્માદ નહિં, પણ વિજયનું સન્માન કરી જવાબદારી નિભાવવાની અમારી પ્રતિબદ્ધતા છે.

પથ કા અંતિમ લક્ષ્ય નહીં હૈ, સિંહાસન ચડતે જાના

સબ સમાજ કો લિયે સાથ મેં, આગે હૈ બઢતે જાના

ઇતના આગે, ઇતના આગે, જિસ કા કોઈ છોર નહીં

જહાં પૂર્ણતા મર્યાદા હો, સીમાઓ કી ડોર નહીં

પથ કા અંતિમ લક્ષ્ય નહીં હૈ, સિંહાસન ચડતે જાના

અમારા વિજયનો અમને આનંદ જરૂર છે પણ આવી ભુંડી હાલત જોઈને ખરેખર દયા આવી જાય છે.અમે કોઈની હારને બેઇજ્જત કરવાવાળા નથી.

ભારતના લોકલાડીલા વડાપ્રધાન અને ગુજરાતના પનોતાપુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કરીને શહેરી અને ગ્રામીણ ગુજરાતે સર્વાનુમતે જે સંદેશ આપ્યો તે સંદર્ભમાં ગુજરાત સરકારના લોકાભિમુખ વહીવટને બિરદાવી ભાજપના કાર્યકર્તાઓના ભગીરથ પ્રયાસોની પ્રસંશા કરી અવિરત શ્રદ્ધા અને સ્નેહ માટે ગુજરાતની જનતાને નમન કર્યા છે.

       ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે પણ તેમના ટ્વીટમાં આ વિજય ગરીબો, ખેડૂતો, ગામડાંના વિકાસ અને કલ્યાણ માટે સમર્પિત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કાર્યરત ભાજપાની સરકારોમાં  જનતાના અતુટ વિશ્વાસની જીત ગણાવી છે. તેમણે મને, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલને, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલજીને અને લાખો કાર્યકર્તાઓને અભિનંદ  આપ્યા છે.

આ પંચાયતોની ચૂટણીમાં કોંગ્રેસને જનતાએ એમના મતથી એવા તો માર્યા છે કે ક્યાં જવું એની શુદ્ધબુદ્ધ ખોઈ બેઠા છે. એમની સ્થિતિ જોઈને મને એક ગીતની બે કડી યાદ આવે છે.

એક  દિન મગર યહાં, ઐસી કુછ હવા ચલી

લુટ ગઈ કલી કલી, કી છૂટ ગઈ ગલી ગલી

ઔર વો લૂટે લૂટે, વક્ત સે પીટે પીટે

આખ મેં લીયે હુએ, ખુમાર દેખતે રહે

કારવાં ગુજર ગયાં, ગુબાર દેખતે રહે

જ્યારે અમારો આ વિજય જનતા જનાર્દને અમારા માટે વ્યક્ત કરેલા અપ્રતિમ સ્નેહનું પરિણામ છે.

આ આશિર્વાદ એટલે… 

કમોસમી વરસાદ અને અછતમાં રાહત પેકેજ આપી ખેડૂતોની પડખે ઊભા રહ્યા અને લાખો ખેડૂતોના ખેત ઉત્પાદનો ટેકાના ભાવે ખરીદી કરી ખેડૂતોના આશિર્વાદ મેળવ્યા છે. ૧૫ લાખ શ્રમિકોને સન્માનજનક રીતે તેમના વતન મોકલ્યા છે આ તેમના આશિર્વાદ છે.ગંગાસ્વરૂપા વિધવા બહેનોને આર્થિક સહાય આપી તેમની પડખે ઊભા રહ્યા છીએ એમના આશિર્વાદ છે. દિવ્યાંગોને અનેક સહાય કરી છે આ એમના આશિર્વાદ છે. ૧૦ લાખ ઉપરાંત યુવાનોને રોજગાર મેળાના  માધ્યમથી રોજગારી-સ્વરોજગારી આપી છે એમના આશિર્વાદ છે.પાંજરાપોળોના અબોલ પશુધનને ઘાસચારો પૂરો પાડ્યો છે આ એમના આશિર્વાદ છે. કરૂણા એમ્બ્યુલંસ દ્વારા મૂંગા પશુ પંખીઓની સારવાર કરી અમના આશિર્વાદ મળ્યા છે. કોરોનાના કપરાકાળમાં નિષ્ઠાપૂર્વક સારવાર કરી છે એટલે  કોરોનામુક્ત બનેલા લાખો લોકોના આ આશિર્વાદ છે.મા અમૃતમ, મા વાત્સલ્ય અને આયુષ્યમાન ભારત જેવી સેવાઓને કારણે ગરીબોને હાથ લંબાવવો પડ્યો નથી આ એમના આશિર્વાદ છે.કોરોનામાં છ વખત ગરીબોને વિનામૂલ્યે અનાજ આપ્યું અને એમનું પેટ ઠાર્યું છે, આ એમના આશિર્વાદ છે.આદિવાસી વિસ્તારમાં મેડિકલ અને ઈજનેરી કોલેજો બનાવી તેમને શિક્ષણ આપ્યું, જમીનોના હક્ક આપ્યા, માર્ગ, આવાસ અને પાણીની સવલત પહોંચાડી એમને વિકાસની મુખ્યધારામાં સામેલ કર્યા આ આદિવાસી બાંધવોના આ આશિર્વાદ છે.રૂ. ૯૦ હજાર કરોડના વિકાસલક્ષી કામો આદિવાસી વિસ્તારમાં કર્યા અને આદિવાસી બાંધવોનું જીવનધોરણ સુધર્યું આ એમના આશિર્વાદ છે.વંચિતોને સાથણી, સામાજિક સુરક્ષા, શૈક્ષણિક સવલતો આપી એના આ વંચિતોના અમને આશિર્વાદ છે.

      આ ચૂંટણીઓમાં જ્વલંત  વિજયને હું એક ચુનૌતી તરીકે સ્વિકારું છું.

યે વિજય હમારે લીયે જન સેવા કા દાયિત્વ હૈ,

યહ પદ કી પ્રતિષ્ઠા નહીં, 

વિશ્વાસ બનાયે રખને કી પરીક્ષા હૈ

યહ યશ કી બાત નહીં, 

દાયિત્વ  નિભાને કા કોલ હૈ

યહ સન્માન કી નહીં, 

જવાબદારી નિભાને કી બાત હૈ

યહ સત્તા કી નહીં, 

ગુજરાત કો ઉત્તમ સે સર્વોત્તમ બનાને કી બાત હૈ.

       મારી ભાજપા સરકાર પર જનવિશ્વાસ, જનઆધાર અને જનમત વધ્યો છે ત્યારે અમારા સૌની જવાબદારી વિશેષ વધી જાય છે. અમારા વાણી, વર્તન અને વ્યવહારમાં વિવેક, સંયમ, સૌમ્યતા અને સેવામાં સક્રિયતા રહેશે. તેનો જન જનને વિશ્વાસ છે.જનતાએ અમારામાં મૂકેલા વિશ્વાસને અને અમારા આ વિજયને અમે જનસેવા માટેની એક મોટી જવાબદારી માનીએ છીએ.વિજયની પ્રતિષ્ઠા કરતાં જનસેવાના વિશ્વાસને જાળવી રાખવાનો પડકાર અમે માનીએ છીએ.

વર્ષ ૧૯૭૫થી ૪૫-૪૫ વર્ષોથી રાજકોટ કોર્પોરેશનમાં એકધારું શાસન અને હવે  આ પાંચ વર્ષ ઉમેરતાં વર્ષ ૨૦૨૫માં ૫૦ વર્ષનું શાસન થશે. અમદાવાદ, સુરત, વડોદરા વગેરે મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં પણ બે-અઢી-ત્રણ દાયકાથી જનતાએ તેમની સેવા કરવાની જવાબદારી અમને સોંપી છે.ગુજરાત રાજ્યમાં પણ ૨૫ વર્ષોથી ભારતીય જનતા પક્ષની સરકારને જનતાએ એમનો અખૂટ સ્નેહ આપ્યો છે.

એન્ટીઈન્કમ્બન્સી કે એન્ટીએસ્ટાબ્લીસમેન્ટની વાતો કરનારાઓએ આ આંકડાઓનો અભ્યાસ  કરીને રિસર્ચ-સંશોધન કરવાની જરૂર છે.આટલા વર્ષોથી એકધારા જનતાના આશિર્વાદ અને વિશ્વાસ મેળવવો એ કોઈ રમત છે? આ કોઈ જાદુ છે?ના. આ માત્ર ને માત્ર જનતાની કરેલી સેવાનો પ્રતિઘોષ છે.સૌનો સાથ લઈને સૌનો વિકાસ કરીને સૌનો વિશ્વાસ જીતવાની શીખ અમને આદરણીય વિકાસપુરુષ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપી છે. આ નરેન્દ્રભાઈ મોદીએ બનાવેલો ગુજરાતના વિકાસનો મજબૂત પાયો છે. એના ઉપર આખું આ વટવૃક્ષ ઊભું છે.

જનતાના અપ્રતિમ સ્નેહ અને વિશ્વાસને જોઈને પોલીટીકલ પંડિતો એમ કહે છે કે, ભારતીય જનતા પક્ષ ઉપર લોકોને ખૂબ અપેક્ષાઓ છે. કદાચ ભાજપા લોકોની આ અપેક્ષાઓમાં ખરી નહીં ઉતરે. આવા પોલીટીકલ પંડિતોને મારી ચેલેન્જ છે, 

કાન ખોલીને સાંભળી લે...અમે અપેક્ષાઓથી લેશમાત્ર ડરવાવાળા માણસો નથી. અમે કામ કરવાવાળા માણસો છીએ.અમે લોકોની અપેક્ષાઓ પરિપર્ણ કરવાવાળા છીએ.અમે અપેક્ષાઓથી નહીં આક્ષેપોથી ડરવાવાળા છીએ. કોઈ કાળી ટીલી ન લાગે તેવી ઈમાનદારીથી અમે કામ કરીએ છીએ.

અમે કદી ખોટું કામ કરતા નથી અને કરવા દેતા નથી. અમે ઈમાનદારીથી જનતાની સેવા કરીએ છીએ.છેલ્લા અઢી દાયકાથી શાસનમાં એક પણ કૌભાંડ કે લાંછનની વાત બની નથી.વિપક્ષના મુટ્ઠીભર લોકોને જે અપપ્રચાર કરવો હોય એ કરે પણ, ગુજરાતની સાડા છ કરોડની જનતાને ભારતીય જનતા પક્ષની સરકારમાં અતુટ વિશ્વાસ  છે કે, ભાજપવાળા લોકો પ્રમાણિકતાથી અને નિષ્ઠાપૂર્વક કામ કરનારા લોકો છે.અમે અપેક્ષાથી ડરતા નથી અપેક્ષા પૂરી કરવાવાળા અને અપેક્ષાથી વધુ કામ કરવાવાળા લોકો છીએ.અને એટલે જ ૨૫-૨૫ વર્ષોથી અમારી જનહિતલક્ષી દરેક બાબતો પારદર્શક અને પરિણામલક્ષી રહી હોવાની સૌને પ્રતીતિ છે. 

કેન્દ્રમાં બેઠેલી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ભારત સરકાર હોય કે અહીં અમારી રાજ્ય સરકાર હોય અમારા કોઈપણ પ્રજાહિતના કાર્યોમાં કોઈએ આંગળી ચિંધી હોય એવું બન્યું નથી.મારે વિશ્વાસપૂર્વક કહેવું છે કે, જનતાએ અમને આપેલા આશિર્વાદને અમે સાર્થક કરીને એમના  વિશ્વાસ ઉપર ક્યારેય લાંછન લગાડ્યું નથી કે લાગવા દઈશું નહીં.લોકોએ અમારી ઈમાનદારી અને પ્રમાણિકતા ઉપર મહોર મારી છે.અમે સ્પષ્ટ પણે માનીએ છીએ કે, નિર્ણાયકતા, પારદર્શકતા, સંવેદનશીલતા અને પ્રગતિશીલતાના ચાર મજબૂત પાયા ઉપર ગુજરાતના ખૂણે ખૂણાનો વિકાસ થઈ રહ્યો છે.લોકોના હૃદયમાં પણ આ વાત વસી ગઈ છે. અને એટલે જ પેલે જીંગલ યાદ આવી ગઇ કે,

જબ આપ પે કોઈ ભરોસા કરતા હૈ,

તબ ઉન કા ભરોસા આપ કી જિમ્મેદારી બન જાતી હૈ,

તભી તો કરોડો પરિવારો કો ફર્ક સાફ દીખતા હૈ,

પહેલે ઇસ્તમાલ કરો, ફીર વિશ્વાસ કરો...આનો અર્થ જનતા બહુ સમજદાર છે. બહુ હોંશિયાર છે.

જનતાએ તમને અને અમને ઈસ્તમાલ કર્યા એટલે કે બન્નેનું કામ જોયું પછી અમારા કામને જનતાએ આશિર્વાદ આપ્યા.

અને એટલે જ ૨૫-૨૫ વર્ષોથી અમને એમનો અપાર સ્નેહ અને વિશ્વાસ પ્રાપ્ત થયો છે અને તમારા ઉપર એમના આ અવિશ્વાસનું પરિણામ છે.

એમને એમ ખાલી ખાલી વાતો કરવાથી કશું સિદ્ધ ન થાય. જનતાની પડખે, જનતાની વચ્ચે, જનતા માટે સદાય કામ કરવામાં આવે તો જ આટલા લાંબા સમય  સુધી જનતા વિશ્વાસપૂર્વક એમના હૃદયમાં બેસાડે.

ઈમાનદારી અને પારદર્શકતા અમારા સંસ્કાર છે. અમે જનતાની સત્યનિષ્ઠાથી સેવા કરવાવાળા  લોકો છીએ.

કોંગ્રેસના ૫૦-૫૦ વર્ષના સાશનમાં ભ્રષ્ટાચારના મૂળીયા ખૂબ ઊંડે સુધી પહોંચી ગયા હતા. ભ્રષ્ટાચાર શિષ્ટાચાર કહેવાતો હતો. અને એટલે જ મેં એક વાર કીધેલું રેવન્યુ અને પોલીસમાં ઘુસી ગયેલા ભ્રષ્ટાચારને કારણે જનતા ત્રસ્ત હતી.અમે આ મૂળીયા ઉખાડવાનું કામ કર્યું છે અને કરી રહ્યા છીએ. લોકોને ભ્રષ્ટાચારના ભરડામાંથી મુક્ત કરવાનું કામ અમે કર્યું છે.ફેસલેસ સીસ્ટમ ગોઠવીને ડાયરેક્ટ સવલતો જનતાના હાથ સુધી પહોંચે એ અમારો નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ રહ્યો છે.

• તમને લોકોને તો સત્તામાં રસ હતો, સરકાર બનાવી રૂપીયા બનાવવામાં રસ હતો. દેશ ચલાવવામાં કે દેશના વિકાસમાં ક્યાં રસ હતો ?મસલ્સ પાવર, મની પાવર, જાતિવાદ, કોમવાદ જેવા તમારા રાજકીય હથકંડાઓ જનતા  બરાબર ઓળખી ગઈ છે.ઈમરજન્સી નાખીને જનતાને બાનમાં લીધી, બંધારણને પણ અભડાવવાનું છોડ્યું નહીં. ક્યાંથી લોકો ભૂલે આ બધા પાપ.જ્યારે અમે લોકતંત્રના વિશ્વાસને બુલંદ કરવામાં માનીએ છીએ.ઈમાનદારી અને સત્યનિષ્ઠાની વાત આવે એટલે મારે તેના બે-ચાર ઉદાહરણો પણ સન્માનનીય ગૃહ સમક્ષ મૂકવા જોઈએ.જનતાને સરળતાથી મહેસૂલી સેવાઓ મળી રહે એ માટે મહેસૂલ વિભાગની ૨૫ જેટલી સેવાઓ આઈ-ઓરા ઉપર ઓનલાઈન કરવામાં આવી છે જેમાંથી ૧૯ જેટલી સેવાઓ  કેસલેસ  છે. ફેબ્રુઆરી ૨૦૨૧થી લગભગ ૧ લાખ ૧૪ હજાર અરજીઓ ઓનલાઈન પ્રાપ્ત થઈ છે જેમાંથી ૧ લાખ અરજીઓનો સકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.

   આઈ-ઓરાથી અઠવાડિયામાં NA મળી જાય છે. રાજ્યકક્ષાએથી મોનિટરીંગ થતી અરજીઓનું ઝડપી નિરાકરણ શક્ય બન્યું છે.૮૬ ટકા લોકોએ આઈ-ઓરાનો પોઝીટીવ ફીડબેક આપ્યો છે.મારે ગૌરવપૂર્વક જણાવવું છે કે, મહેસૂલી સેવાઓ માટે આઈ-ઓરા ઓનલાઈન પોર્ટલ શરૂ કરનારું ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય છે.અગાઉ બિન ખેતીની જમીન માટે જિલ્લા પંચાયતોમા શું ચાલતુ હતુ એ અહીં બેઠેલા બધા જાણે જ છે. હું એની ચર્ચા કરવા નથી માંગતો પરંતુ અમે એમાં ધરમુળથી ફેરફાર કરીને વ્યવસ્થા એકદમ પારદર્શ બાનાવીને ઓન લાઇન NAના માધ્યમથી બીનખેતીની ફાઇલો પારદર્શકતાથી ક્લિઅર કરી છે. છેલ્લા દોઢ જ વર્ષમાં ૩૦ હજારથી વધુ કિસ્સામાં પારદર્શક રીતે ઓનલાઈન NAની મંજૂરી આપવામાં આવી  છે.

૫૫૩ જેટલી જનહીત લક્ષી યોજનાઓના નાણાં ગરીબ અને મધ્યમવર્ગના લાભાર્થીઓના બેન્ક ખાતામાં બારોબાર ડીબીટી દ્વારા અમે જમા કરાવ્યા છે. એટલે ભ્રષ્ટાચારનું કોઈ બારુ જ રહ્યું નથી.છેલ્લા ૪ વર્ષના ૩૬ હજાર કરોડ જેટલી માતબર રકમ કોઈપણ વચેટીયા વગર અમે ગુજરાતના ખેડૂતો, ગરીબો, શ્રમિકો, મધ્યમવર્ગના નાગરીકોના બેન્ક ખાતામાં ડીબીટી દ્વારા સીધેસીધા જમા કરાવ્યા છે.

• બે અઢી દાયકા પહેલા રાજ્યની જનતામાં એક એવી સમજ હતી કે, જ્યારે જ્યારે આપત્તિ આવે ત્યારે સરકારી તંત્ર આપત્તિના નામે ભ્રષ્ટાચારના બારા શોધીને પોતાના ઘર ભરતા. 

• પરંતુ આજે કોરોના મહામારીના કપરાકાળમાં ગુજરાતની ૮૦ ટકા ગરીબ, આદિવાસી જનતાને  વિનામૂલ્યે  અનાજ, તબીબી સારવાર, ટેસ્ટીંગ વગેરે માટે 3100 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને ક્યાંય એક પૈસાનોય ભ્રષ્ટ્રાચાર થયા કરોડો રૂપિયાના કામમાં એકપણ પૈસાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થઈ શકે એમ નથી.

• ખાણ ખનીજની હરાજીમાં ઓનલાઈન ઓક્સનની પદ્ધતિ દાખલ કરાતાં ભ્રષ્ટાચાર ઉપર જબરજસ્ત લગામ કસવામાં આવી છે. પરિણામે જનતાને ઈમાનદારીનો અહેસાસ થઈ રહ્યો છે.

• છેલ્લા પાંચ વર્ષમાં ૧૨૦૦ જેટલી એસીબીની રેડ કરીને ૪ કરોડ જેટલી ટ્રેપ મની અને ૧૨૩ કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત શોધી કાઢવામાં આવી છે.

• એસીબીને વિશાળ સત્તાઓ આપીને અમે કન્વીકશન રેટમાં ૧૭ ટકાનો વધારો કર્યો છે.

• ગત નાણાકીય વર્ષ દરમિયાન ૩ કરોડ ૮૫ લાખ લોકોને રૂ. ૯૯૮૭ કરોડ જેટલી રકમ ડીબીટી દ્વારા તેમના બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવી છે.

• પ્રગતિશીલતાના પાયામાં નિર્ણાયકતાનો બહુ મોટો રોલ હોય છે.

• અમારી સરકાર ઢચુપચુ સરકાર નથી, નિર્ણાયક સરકાર છે.

• અમારા દરેક નિર્ણયોની સફળતાના મૂળમાં અમારી સાફ નિયત રહેલી છે. 

• અમે આંખના પલકારામાં જનહિતલક્ષી નિર્ણયો કર્યા છે. 

• રોજેરોજ પ્રજાહિતના કાર્યો માટે નવા નવા નિર્ણયો લઈ એના અસરકારક અમલીકરણની અમારી નિષ્ઠાને લોકોએ વિશ્વાસપૂર્વક વધાવી છે.

• આ પાંચ વર્ષમાં ૧૭૦૦થી પણ વધુ જનહિતલક્ષી નિર્ણયો કર્યા છે.

• અમારા પ્રત્યેક  નિર્ણય પાછળ ઓછામાં ઓછી ૩ થી વધુ બેઠકો કરીને સૌ કોઈના પરામર્શથી પાકટ નિર્ણયો લીધા છે.

• અમારી નિયત સાફ છે એટલે જ હિંમતથી જનહિતલક્ષી નિર્ણયો લઈ શકીએ છીએ.

• મારે એ પણ કહેવું છે કે, જયારે પણ અમારો નિર્ણય યોગ્ય ન લાગ્યો હોય અને રજૂઆતો આવી હોય ત્યારે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યા વગર હિંમતપૂર્વક અમે નિર્ણય બદલ્યો પણ છે. યુ-ટર્ન લેવાની પણ હિંમત દાખવી છે જેના આપ સૌ સાક્ષી છો.

• આને જ તો કહેવાય ‘પ્રોએક્ટિવ, પ્રોપીપલ એપ્રોચ’

• રાજહઠ નહિ જનતા જર્નાદનની વાત અમે માનીએ છીએ.

• હું એટલે જ કહું છું કે નિર્ણાયકતા એ સૌથી મોટું અમોઘ વિકાસનું શસ્ત્ર છે. અનિર્ણાયકતાની  સ્થિતિ હંમેશા વિકાસના શ્વાસને રૂંધતી હોય છે.

• અમે ફટાફટ અને સટાસટ નિર્ણયો  લઈ વિકાસના શ્વાસને રૂંધાવા દીધો નથી.

• નર્મદા ડેમની ઉપર દરવાજા મૂકવાની વાત વર્ષોથી અનિર્ણિત હતી. કેન્દ્ર સાથે સમન્વય સાધી અમે નર્મદા ડેમ પરીપૂર્ણ કરવાનો નિર્ણય  કર્યો.

• વર્ષોથી અનિર્ણિત કેન્દ્રની ક્રૂડ ઓઈલ રોયલ્ટીનો પ્રશ્ન પણ અમે નરેન્દ્રભાઈના નેતૃત્વવાણી કેન્દ્ર સરકાર સાથે સુયોગ્ય સંકલન સાધી તેનો પણ યોગ્ય ઉકેલ લાવ્યા છીએ. રૂ. ૧૦૩૬ કરોડ જેટલી માતબર રકમનો ગુજરાતને ફાયદો થયો છે.

• ગુજરાતને એઈમ્સ આપવાની વાત જે વર્ષોથી અનિર્ણિત હતી એનો પણ અમે નિર્ણય કર્યો.

• રાજ્યના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાની દિશામાં અગાઉ લાયસન્સ  અને પરમીશનના ચક્કરોમાંથી મુક્તિ આપીને પહેલા પ્રોડકશન  પછી પરમીશનનો મહત્વપૂર્ણ નિર્ણય અમે  કર્યો.

• ગુજરાતની ચેકપોસ્ટો ઉપર ફોલ્ડરીયાઓ નાણાં ઉઘરાવવાનું મોટું કેન્દ્ર બની ગયા હતા. અમે રાજ્યની ૧૬ ચેકપોસ્ટો નાબૂદ કરવાનો હિંમતભર્યો નિર્ણય કર્યો.

• ખેડૂતોના પરિશ્રમના પ્રસ્વેદથી ઊભા થયેલા મહામૂલા પાકને ભૂંડ અને રોજડાઓ નસ્ટ કરી દેતા હતાં તેને રોકવા માટે અમે કાંટાળી તારની વાડ કરવાનો નિર્ણય કર્યો.

• સૂચિત સોસાયટીને રેગ્યુલરાઈઝ કરવા માટેનો મહત્વનો નિર્ણય કર્યો.

• ખેડૂતોની બીજા વીજ જોડાણની વર્ષો જુની માંગણીને અમે પરિપૂર્ણ કરી ૧૬ લાખથી વધુ કૃષિ વીજ જોડાણો અમે આપ્યા છે.

• ખેડૂતોના રાતના ઉજાગરા બંધ થાય એ માટે અમે કિસાન સૂર્યોદય યોજના લાવીને દિવસે વીજળી આપવાનો નિર્ણય કર્યો છે.

• આદિવાસી બાંધવોને તેમના જમીનના હક્કો  આપવા માટે પેસા એક્ટ સુ્દ્રઢ કરવાનો નિર્ણય કર્યો.

• સમાજના છેવાડે વસતા નાના અને ગરીબ બાંધવોને સરકારી દસ્તાવેજો માટે  સરકારી કચેરીઓના ધક્કા ખાવા  પડતા હતા આ જોઈને મને ખૂબ લાગી આવતુ. એટલે મેં ગરીબોના ઘરના દ્વારે જઈને તેમને જરૂર છે એ દસ્તાવેજો આપવાનો સેવા સેતુ નામે યજ્ઞ આરંભ્યો.

• ૨ કરોડથી વધુ લોકોને અમે ૧૨,૮૦૦ સેવા સેતુના કાર્યક્રમો યોજી સરકારી દસ્તાવાજો આપવાનું અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું કાર્ય તેમના ઘરના દ્વારે જઈને કર્યું છે.

• શાસનમાં સંવેદનશીલતા ન હોય ત્યારે એ શાસન શાસન નહીં અભિશાપ બની જતું હોય છે. 

• અમે સંવેદનશીલ લોકો છીએ અને રાજ્યના ગરીબો, વંચિતો, આદિવાસીઓ, ખેડૂતો, યુવાનો, મહિલાઓ સૌ કોઈના પ્રતિ સંવેદનશીલ એપ્રોચ રાખવાવાળા  લોકો છીએ.

• ગરીબો તેમના લગ્ન કે અન્ય સામાજિક પ્રસંગોએ છકડામાં કે ટ્રેકટરોમાં જતાં હતાં અને અકસ્માતમાં જીવ ગુમાવતા હતા. આ અમે સહન ન કરી શકીએ અને એટલે જ અમે ગરીબોને એમના લગ્ન પ્રસંગે જાનમાં જવા માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ ૫૦ ટકા રાહત દરે આપવાનો નિર્ણય કર્યો છે.

• વિધવા બહેનોને અમે ગંગાસ્વરૂપા જેવું સન્માનજનક નામ આપ્યું છે.

• ગંગસ્વરૂપા બહેનોને એમનો દીકરો સગીર વયનો થાય ત્યારે સહાય બંધ કરી દેવામાં આવતી હતી. આ શરત દૂર કરવાનો અમે સંવેદનશીલ નિર્ણય કર્યો છે.

• મા અમૃતમ અને મા વાત્સલ્ય યોજનાની આવક મર્યાદા વધારી અમે વધુમાં વધુ ગરીબ અને વંચિત ૭૦ લાખ પરિવારોના ૩.૫ કરોડ લાભાર્થીઓને આવરી લેવાનું પગલું ભર્યું છે. 1100 કરોડ રૂપિયા આ માટે ફાળવ્યા છે.

• અમે માનવીઓ પ્રતિ તો સંવેદનશીલ છીએ જ, પરંતુ એથી પણ આગળ વધીને મુંગા પશુ-પક્ષીઓની પણ દરકાર લીધી છે.

• ઘાયલ પશુપક્ષીઓના જીવ બચાવવા રાજ્યના ૨૬ જિલ્લાઓમાં ૪૫૦ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત કરી છે.

• અગાઉ ઉતરાયણના તહેવારમાં ૨૫૦૦૦થી વધુ પક્ષીઓ જીવ ગુમાવતાં હતાં જ્યારે આ સંખ્યા ઘટાડીને અમે ૧૫૦૦ ઉપર લઈ આવ્યા છીએ.

• બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા ગરીબ શ્રમિકોને રૂ. ૧૦માં ભરપેટ ભોજન આપવાની શ્રમિક અન્નપૂર્ણા યોજનાને કારણે ગરીબ શ્રમિકોના આશિર્વાદ અમને મળ્યા છે.

• મુંગા પશુધન પ્રતિ અમારી સંવેદના વિશેષ રહી છે અમે ઓકટોબર-૨૦૧૮માં અછતના કપરાકાળમાં અબોલ પશુઓ માટે વિક્રમજનક ૧૫ કરોડ કિલો ઘાસનું વિતરણ કર્યું છે.

• સામાન્ય રીતે જાન્યુઆરી મહિનામાં સર્વે કરીને અછત જાહેર કરવામાં આવે છે પરંતુ અમે અછત મેન્યુઅલમાં સુધારો કરીને વર્ષ ૨૦૧૮માં ઓકટોબર મહિનામાં અછત જાહેર કરી એટલું જ નહીં ૧૨૫ મિ.મિ.થી ઓછો વરસાદ હોય ત્યારે અછત ગ્રસ્ત તાલુકો જાહેર કરવામાં આવતો હોય છે. અમે તેમાં પણ પરિવર્તન કરીને ૪૦૦ મિ.મિ. કે તેથી ઓછા વરસાદવાળા તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવાનો ક્રાંતિકારી નિર્ણય લીધો છે.

• પ્રતિમાસ ગુજરાતના છેવાડે વસતા ગરીબો, અંત્યોદય, ગ્રામજનો, દિવ્યાંગોને હું મોકળા મને મળીને તેમના પ્રશ્નોની વિગતે ચર્ચા કરું છું. એમનો મને ખૂબ સ્નેહ પ્રાપ્ત થયો છે.

• બનાસકાંઠામાં આવેલા પુર વખતે હું સમગ્ર વહીવટી તંત્ર લઈને લાગલગાટ પાંચ દિવસ સુધી બનાસકાંઠામાં અસરગ્રસ્તો સાથે રહ્યો.

• મને બરાબર યાદ છે મારો જન્મદિવસ  મેં બનાસકાંઠાના  અસરગ્રસ્ત ભાંડુઓ સાથે  એમની સેવા કરીને ઉજવ્યો હતો.

• બનાસકાંઠાના અસરગ્રસ્ત ભાંડુઓ માટે રૂ. ૧૭૦૦ કરોડનું માતબર રાહત પેકેજ અમે આપ્યું છે.

• વાયુ વાવાઝોડા વખતે પણ ઝીરો કેજ્યુલિટીના સિદ્ધાંત મુજબ આગોતરી વ્યવસ્થાઓ યોજીને દિવસ-રાત જાગીને ઝડપથી ઈવેક્યુશનના સંવેદનશીલ પગલાં ભર્યાં હતા.

• સદનસીબે આપણા રાજ્ય ઉપર વાયુ વાવાઝોડું  ત્રાટક્યું  ન હતું.

• મારે આપના માધ્યમથી કહેવું છે કે, ઉદ્યોગ, કૃષિ, સેવા અને માળખાગત સુવિધા આ ચાર ક્ષેત્રો ઉપર વિકાસની મજબૂત ઇમારત ચણી શકાતી હોય  છે. ઈકોનોમી આના આધાર પર ચાલતી હોય છે અને વિકાસ પણ આના આધારે જ ગતી પામતો હોય છે.

પહેલા વાત કરું ઉદ્યોગ ક્ષેત્રની...

• રાજ્યના કરોડો લોકોને રોજગારી આપતા નાના  અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો સુરક્ષિત રહે અને વિકસે તેમજ મોટા  ઉદ્યોગો વૈશ્વિક ફલક પર વધુ આગળ વધી શકે એ માટે ગુજરાત ઈન્ડ્સ્ટ્રીયલ  પોલીસી ૨૦૨૦ લઈને અમે આવ્યા છીએ.

• ઉદ્યોગકારોને તેમના રોકાણના પ્રમાણમાં સમયસર ઈન્સેન્ટિવ-સબસિડી આપવાની પારદર્શકતા નવી ઉદ્યોગ નીતિનો પ્રાણ છે.

• અન્ય પ્રદેશ-દેશોમાંથી રોકાણકારો ગુજરાતમાં ઔદ્યોગિક રોકાણ કરી શકે તે માટે વિશેષ લેન્ડ રીલોકેશનની સવલત અમે આપી રહ્યા છીએ. જેને પરિણામે ગુજરાતનું ઔદ્યોગિક  માળખું વધુ ધમધમવાનું છે. રોજગાર સ્વરોજગારના અનેક નવા અવસરો ખુલી રહ્યા છે.

• આની સાથો સાથ સાડાચારથી પાંચ રૂપિયામાં ઉદ્યોગકારોને વીજળી આપતી નવી સોલર પોલીસી આવતાં ઉદ્યોગકારોની પ્રોડકશન કોસ્ટ ઘટશે અને ઉત્પાદન વધશે એટલે સ્વાભાવિક રીતે જ વૈશ્વિક કક્ષાએ ગુજરાતના  ઉદ્યોગકારોની ડિમાન્ડ ઊભી થવાની છે. સસ્તી વીજળી-ક્લીન વીજળીમાં ગુજરાત અગ્રેસર બનવાનું છે.

• નવી સોલાર પોલીસીમાં વીજભારના ૫૦ ટકાની મર્યાદાને અમે દૂર કરી છે. જેને પરિણામે ઔદ્યોગિક ગૃહોને અમર્યાદ રીતે ઈન્સ્ટોલેશનની સવલત પ્રાપ્ત થઈ શકી છે.

• એક કરતાં વધારે ઔદ્યોગિક એકમો સંયુક્ત રીતે સોલર વીજળીનું ઉત્પાદન કરી શકે તેવી જોગવાઈ પણ અમે કરી છે. જેના પરિણામે ઔદ્યોગિક ઉત્પાદનની પ્રોડકશન કોસ્ટ નીચી આવશે.

• રાજ્યના પ્રવાસન અને હોસ્પિટાલિટી સેકટરને સાંકળી લઈને નવી ટુરિઝમ પોલીસી રાજ્યના પ્રવાસન ઉદ્યોગને બળ આપનારી પૂરવાર થવાની છે.

• અમે પોલ્યુશન ફ્રી – ઈકો ફ્રેન્ડલી ટુરિઝમના વિકાસ  ઉપર વિશેષ  ધ્યાન કેન્દ્રિત  કર્યું છે.

• નવી પ્રવાસન નીતિમાં વોકલ ફોર લોકલનો એપ્રોચ રાખવામાં આવ્યો છે.

• એડવેન્ચર ટુરિઝમ,  કારવાં ટુરિઝમ, રીવરક્રુઝ ટુરિઝમ જેવા નવતર પરિમાણોને પરિણામે ગુજરાતનો પ્રવાસન ઉદ્યોગ વૈશ્વિક ફલક પર પહોંચી રહ્યો છે.

• અમારી આ નવી પ્રવાસન નીતિ એવી છે કે જેનાથી પ્રવાસનના વ્યવસાય સાથે સંકળાયેલા સૌ કોઈને તેનાથી લાભ મળવાનો છે.

• અમે નવી હેલ્થ પોલીસી લઈને આવ્યા છીએ જેમાં બ્રાઉનફીલ્ડ મેડિકલ કોલેજ દાહોદ, અમરેલી અને પાલનપુરમાં બનવા જઈ રહી છે. જ્યારે નડિયાદ અને વિસનગરમાં ગ્રીનફીલ્ડ મેડિકલ કોલેજ બનવા જઈ રહી છે.

• MSME માટે અલાયદું કમિશનરેટ બનાવી ઉદ્યોગ ક્ષેત્રે ૩૬૦ ડિગ્રીએ ચેન્જ લાવી શક્યા છીએ.

• નિયમોની આંટી ઘૂંટી તોડીને પહેલાં પ્રોડકશન પછી પરમિશનનો મંત્ર લઘુ, નાના અને મધ્યમ એકમો માટે આશિર્વાદરૂપ બની ગયો છે.

• ગુજરાતની ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં ઈન્ડસ્ટ્રીયલ પાર્ક અને લોજીસ્ટીક પાર્ક ઊભા કરીને ગુજરાતની ઔદ્યોગિક પ્રવૃત્તિને વધુ વેગવાન બનાવી છે.

• પારદર્શક પ્રક્રિયાથી ઓનલાઈન એપ્લિકેશન સીસ્ટમ અને સીંગલ વિન્ડો ક્લીયરન્સ  એક્ટ ગુજરાતની ઔદ્યોગિક  પ્રગતિનું મહત્વનું અંગ બની ગયું છે.

• ગત વર્ષની તુલનામાં રૂપિયા ૪૩ હજાર કરોડની એફડીઆઈનું રોકાણ ગુજરાતમાં થયું છે. જે આખા દેશમાં સૌથી વધુ છે.

• કોરોના કપરા કાળમાં એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૦માં રૂ. ૧ લાખ ૧૯ હજાર કરોડનું વિદેશી મૂડીરોકાણ ગુજરાતમાં થયું છે. જે દેશના કુલ મૂડીરોકાણના ૫૩ ટકા જેટલું થાય છે.

• દેશની જીડીપીમાં ૮ ટકા જેટલું નોંધપાત્ર યોગદાન આપણા ગુજરાતનું રહ્યું છે.

• આપણે ઉદાર વહીવટી સુધારણાઓ કરીને ૩૦૦થી વધુ કાયદાકીય પદ્ધતિઓમાં સરળીકરણ કર્યું છે.

• ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસની દિશામાં સકારાત્મક એપ્રોચ દ્વારા આપણું  રાજ્ય  દેશમાં અગ્ર સ્થાને છે.

હવે હું વિકાસનું બીજું પરિમાણ કૃષિ વિશે સન્માનનીય ગૃહનું ધ્યાન દોરવા માગું છું.

• વાવણીથી લઈને વેચાણ સુધી અમે ખેડૂત ભાઈઓની દરકાર લેનારા લોકો છીએ.

• ખેડૂત ભાઈઓને પરિવહન વ્યવસ્થા, ગોડાઉન સવલત, પ્રાકૃતિક ખેતી, જીવામૃત કીટ સહાય, ઓજાર વિતરણ જેવા મહત્વના કાર્યોમાં તેમની પડખે  ઊભા રહી સાત પગલાં ખેડૂત કલ્યાણનું સૂત્ર સાચા અર્થમાં ચરિતાર્થ કર્યું છે.

• ખેડૂત ભાઈઓની વીજ કનેકશન  માટેની ૩ લાખ ૨૫ હજાર અરજીઓ પેન્ડીંગ હતી. જ્યારે અમે છેલ્લા ૪ વર્ષમાં ૪ લાખ ૫૦ હજાર જેટલા કૃષિ વીજ જોડાણો આપીને ધરતીપુત્રોની પડખે અડીખમ ઉભા રહ્યા છીએ. આ માટે અમે રૂ. ૭ હજાર કરોડની માતબર રકમનો ખર્ચ પણ કર્યો છે.

• છેલ્લા ૪ વર્ષમાં રૂ. ૧૭ હજાર કરોડના ખેત ઉત્પાદનોની  ટેકાના ભાવે ખરીદી કરીને ખેડૂતનું અમે આર્થિક સશક્તિકરણ કર્યું છે. અમે ઘઉં, ચોખા, તુવેરની દાળ, ચણા, મગ, મગફળી દરેક પ્રકારની ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરી છે.

• બીજી રીતે કહું તો ૩૮ લાખ ખેડૂતો પાસેથી ૩૨ લાખ ટનથી પણ વધારે ખેત પેદાશો ટેકાના ભાવે રાજ્ય સરકારે ખરીદી કરી છે.

• છેલ્લા ૨૫ વર્ષોથી કૃષિ વીજદરમાં એક પણ પૈસાનો વધારો ન કરીને અમે ખેડૂતોનું હિત જાળવ્યું  છે. 

• ૧૫ લાખથી વધુ ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ખેત ધિરાણ અમે આપ્યું છે.

• ખેડૂતોને રાતના ઉજાગરા કરવા ન પડે એ માટે  દિવસે વીજળી આપતી કિસાન સૂર્યોદય યોજનાનો અમે પરિણામલક્ષી અમલ કર્યો છે.

• કમોસમી વરસાદથી ખેડૂત ભાઈઓના આર્થિક નુકસાનને પહોંચી વળવા માટે વર્ષ ૨૦૧૯માં રૂ. ૩૭૯૫ કરોડ અને વર્ષ ૨૦૨૦માં રૂ. ૩૭૦૦ કરોડનું ન ભૂતો ન ભવિષ્યતિ એવું રાહત પેકેજ અમે આપ્યું.

• આદિવાસી ખેડૂત ભાઈઓનો  અમે વિશેષ ખ્યાલ રાખ્યો છે. 

• ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા માટે ખર્ચની ચિંતા નથી કરી.

• સુરત જિલ્લામાં કાકરાપાર–ગોરધા–વડ ઉદવહન સિંચાઈ યોજનાની કામગીરી મહદઅંશે અમે પૂરી કરી છે. આ યોજનાથી સુરત જિલ્લાના માંડવી અને માંગરોળ તાલુકાના ૮૯ ગામના ૫૦ હજાર એકર જેટલા વિસ્તારના આદિવાસી  ખેડૂત ભાઈઓને સિંચાઈના લાભ મળવાના છે.

• રૂ. ૪૧૮ કરોડના ખર્ચવાળી કરજણ જળાશય આધારિત પાઈપલાઈન યોજનાનું કામ અમે પૂરજોશમાં આગળ વધારી રહ્યા છીએ જેના પરિણામે વર્ષોથી સિંચાઈથી વિમુખ રહેલા નર્મદા, ભરૂચ અને સુરત જિલ્લાના ૭૫૦૦ એકર જેટલા વિસ્તારને સિંચાઈની સુવિધા મળવાની છે. 

• રૂ.  ૧૦૯૭ કરોડના ખર્ચ વાળી કડાણા-દાહોદ ઉદવહન પાઈપલાઈન યોજનાનું કામ પુરું થઈ ગયું છે. પરિણામે ૧૦ હજાર એકર આદિવાસી  વિસ્તારમાં સિંચાઈના લાભ મળવાના શરૂ થઈ જશે.

• ઉકાઈ જળાશય ઉપરવાસમાં આવેલા તાપી જિલ્લાના સોનગઢ, ઉચ્છલ, નીઝર અને  કુકરમુંડા તાલુકાના આદિજાતિ  વિસ્તારના કુલ ૧૩૬ ગામોના ૬૯ હજાર એકર વિસ્તારને ઉદવહન પાઈપલાઈન યોજનાથી સિંચાઈની સવલત મળવાની શરૂ થશે. ૪૦૪ હયાત ચેકડેમોમાં પણ આના પરિણામે પાણી ભરી શકાશે.

• ઉમરપાડા તથા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના આદિજાતિ વિસ્તારના કુલ ૯૩ ગામોના ૫૩૭૦૦ એકર વિસ્તારમાં સિંચાઈની સુવિધા પૂરી પાડવા રૂ. ૭૧૧ કરોડની તાપી-કરજણ લીન્ક પાઈપલાઈન  યોજનાની કામગીરી ઝડપથી પૂરી થનાર છે.

• ૧૬૦૮૯ મીની પાઈપ યોજનાઓ તેમજ ૨ લાખ ૧૦ હજાર હેન્ડપંપ આદિજાતિ વિસ્તારમાં બનાવીને અમે ડુંગરાળ અને છૂટાછવાયા અંતરિયાળ વિસ્તારોમાં રહેતા આદિવાસી બાંધવોની સુવિધામાં વધારો કર્યો છે.

• એમ કહી શકાય કે અમે મોભના પાણી નેવે ચડાવીને આદિવાસી બાંધવોને પાણી આપ્યું છે.

• નો સોર્સ શબ્દ અમે ડિક્ષનેરીમાંથી બાકાત કરી દીધો છે. અમે પરમેનન્ટ સોર્સ ઊભા કર્યા છે.

• રાજ્યના ૧૭,૮૪૩ ગામડાંઓ અને ૧૬,૪૦૨ પરાઓને પાકા રસ્તાથી જોડવાનું અમે સુદ્રઢ આયોજન કર્યું છે.

• છેલ્લા ૫ વર્ષમાં ૫૨,૯૪૧ કિલોમીટર લંબાઈના ૨૦,૨૬૩ માર્ગના કામો મંજૂર કરાયા છે.

• રૂ. ૬૮૩૫ કરોડના ખર્ચે ૨૭,૦૬૪ કિલોમીટર લંબાઈના ૧૦,૩૯૯ માર્ગોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

• આગામી ટૂંક સમયમાં ગુજરાત દેશનું પહેલું ફાટકમુક્ત રાજ્ય બનવાની દિશામાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે.

• મહાનગરપાલિકાઓમાં ૩૬ અને નગરપાલિકાઓમાં ૪૫ ઓવરબ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું છે. ૭૨ ઓવરબ્રીજના નિર્માણનું કાર્ય પૂરજોશમાં આગળ વધી રહ્યું છે.

• છેલ્લા ૫ વર્ષમાં શહેરી વિસ્તારમાં રૂ. ૫૦૮ કરોડના ખર્ચે ૩૧ રેલવે ફાટકો દૂર કરીને ઓવરબ્રીજ અથવા અંડરબ્રીજ બનાવાયા છે.

• આદિવાસી બાંધવોનું એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને તમામ બાળકોને પાયાનું શિક્ષણ મળી રહે એ માટે અમે ૪૧ એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલોનું  નિર્માણ  કર્યું છે.

• લોકડાઉનના બે માસના સમયગાળા દરમિયાન ૬૮.૮૦ લાખ NFSA રેશનકાર્ડ ધારકો અને ૬૧ લાખ APL-1 ધારકોને રૂપિયા બે હજાર કરોડની બજાર કિંમતનું અનાજ અમે  વિનામૂલ્યે આપ્યું છે.

• લર્નિંગ વીથ અર્નિંગનો અભિનવ અભિગમ અપનાવી મુખ્યમંત્રી એપ્રેન્ટિશશીપ યોજનાનો અમે પરિણામલક્ષી અમલ કર્યો છે.

• ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય છે કે જેણે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા હેઠળ બિનઅનામતના લોકો  માટે ૧૦ ટકા આરક્ષણનું નક્કર અમલીકરણ કર્યું છે.

• છેલ્લા ૪ વર્ષમાં રોજગાર ભરતી મેળાના માધ્યમથી ૧૧ લાખ યુવાનોને રોજગારીના અવસરો અમે પૂરા પાડ્યા છે.

• અમે આગામી વર્ષે ૨ લાખ યુવા શક્તિને સરકારી નોકરી આપીને વહીવટમાં સામેલ કરવા જઈ રહ્યા છીએ.

• મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ  જેવી મહત્વપૂર્ણ યોજના દ્વારા ૧૦ લાખ મહિલાઓને ઝીરો ટકા વ્યાજે રૂ. એક હજાર કરોડની લોન સહાય આપવાનું અમે નક્કર આયોજન કર્યું છે.

• મા અમૃતમ અને મા વાત્સલ્ય યોજના હેઠળ વાર્ષિક છ લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા કુટુંબના ૬૦ કે તેથી  વધુ વયના સિનિયર સીટીઝનને આવરી લેવામાં આવ્યા છે.

• શાંતિ અને સલામતિ  ગુજરાતની આગવી ઓળખ છે. અમે કડકમાં કડક કાયદા બનાવ્યા છે. 

• પાસા એક્ટમાં સુધારો કરીને ગુજરાતની શાંતિ, સલામતિ અને સુરક્ષાને અમે વધુ સુદ્રઢ બનાવી છે. સાયબર ક્રાઈમ, નાણાં ધિરનાર, ગેરકાયદે નાણાં વસુલાતા હોય એવા, શારીરીક હિંસાની ધમકીઓ આપનારા. જાતિય  સતામણી કરનારા, અસામાજિક તત્વોને અમે પાસા  એક્ટ હેઠળ આવી લીધા છે.

• જાતિય ગુનાઓનું પ્રમાણ ઘટાડવા માટે મહિલાઓની સુરક્ષાને વધુ સુદ્રઢ કરવા પાસા એક્ટની જોગવાઈઓને અમે વધુ વિસ્તારી છે.

• ગુજરાત ગુંડા એન્ડ એન્ટિસોશીયલ એક્વિટી પ્રિવેન્શીયલ એક્ટ રાજ્યના નાગરીકોની શાંતિ અને સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવે છે.

• આ એક્ટથી અમે ગુનેગારોને ઓછામાં  ઓછી ૭ વર્ષથી માંડીને વધુમાં વધુ ૧૦ વર્ષની જેલ અને ૫૦ હજાર સુધીનો દંડ ફટકારવાની સજા લઈને આવ્યા છીએ. 

• રાજ્યની મા, બહેન અને દીકરીઓની સુરક્ષા માટે ચેઈન  સ્નેચર્સને સખત નસિહત આપવાની દિશામાં અમે અભૂતપૂર્વ નિર્ણય  કર્યો છે.

• બાળકીઓ  ઉપર દુષ્કર્મ કરનાર સામે અમે લાલ આંખ કરી છે. ગુનેગારો માટે ફાસ્ટટ્રેક કોર્ટની રચના કરી છે. ઓછામાં ઓછી આજીવન કેદ અથવા ફાંસીની  સજા લઈને અમે આવ્યા  છીએ.

• આતંકવાદીઓ સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ એક્ટ  અમે લાવ્યા  છીએ.  આજીવન કેદ અને કેપિટલ પનીશમેન્ટનું પ્રાવધાન અમે આ એક્ટમાં લઈને આવ્યા છીએ.

• હુક્કાબાર નાબુદીનો નિર્ણય કરીને અમે રાજ્યના યુવાધનને નશાખોરીથી બચાવવાની અડગ પ્રતિબદ્ધતા રાખી છે.

• ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ ૨૦૨૦ લાવીને ભૂમાફિયાઓને અમે સખત નસિહત આપી છે. ૨૧૯૧ જેટલી અરજીઓ અને ૬૬ જેટલી સુઓમોટો અરજી મળીને કુલ ૨૨૫૭ અરજીઓ અમને મળી છે. અમે ૨૯૩ વ્યક્તિઓ સામે ૭૭ એફઆઈઆર દાખલ કરી છે.

• આવેલી અરજીઓ પૈકી કોર્ટમાં ૮ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને ૫ કેસ સ્પેશિયલ કોર્ટને રીફર કરવામાં આવ્યા છે. 

• અમે ગૌહત્યા નાબૂદીનો કાયદો ઘડીને ગાયમાતા પ્રતિ ઋણ અદા કર્યું છે.

• આજનું ગુજરાત વિકસિત, શિક્ષિત અને દિક્ષિત ગુજરાત છે.

• દિવ્ય અને ભવ્ય ગુજરાત બનાવવાની દિશામાં અમે પ્રતિદિન નવતર આયામો સર કરવાની વિનમ્ર કોશિષ કરીએ છીએ.

• આધુનિક ગુજરાત દેશ અને દુનિયાનું એક મોડેલ સ્ટેટ તરીકે ઓળખાઈ રહ્યું છે.

• મેટ્રો ટ્રેન ગુજરાતની નવતર પહેચાન બનશે.

• BRTS ઝડપી અને સુરક્ષિત પરિવહનનું સીમાચિન્હ બની છે.

• વિશ્વના વિકસીત દેશોની જેમ રીવરફ્રન્ટ પ્રોજેક્ટ સહેલાણીઓને મંત્રમુગ્ધ કરી રહ્યો છે.

• ભાવનગરમાં વિશ્વનું પ્રથમ સીએનજી ટર્મિનલ આકાર લઈ રહ્યું છે.

• કચ્છનું રીન્યુએબલ એનર્જી પાર્ક પવન અને સૌર ઊર્જા બન્નેને એક સાથે ઉપયોગમાં લેનારો જગતનો પ્રથમ પાર્ક બનવા જઈ રહ્યો છે.

• પીરાણા ડમ્પ સાઈટ, લીગાસી વેસ્ટ પ્રોસેસીંગથી બાયોમાઈનીંગની કામગીરીને દેશમાં એક મોડેલ તરીકે સ્વીકારવામાં આવે છે.

• ૩૧૧ TP સ્કીમ અને ૪૦ DP સ્કીમ એકપણ પાઈ પૈસાનો ભ્રષ્ટ્રાચાર કર્યા વિના ગુજરાતના નગરોને શાનદાર બનાવવાની  દિશામાં ગુજરાત અગ્ર હરોળમાં છે.

• રાજ્યની સાત મહાનગરપાલિકાઓમાં અને ૧૫ નગરપલિકાઓમાં કોમન GDCR અમલમાં મૂકનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.

• ગુજરાતના અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને ગાંધીનગરમાં સ્કાયરાઈઝ-ગગનચુંબી ઈમારતોના બાંધકામને પરવાનગી મળતાં હવે ગુજરાત દુબઈ અને સિંગાપોર શહેરોની જેમ શાનદાર બનવા જઈ રહ્યું છે.

• છેલ્લા પાંચ વર્ષમાં ૨૧૭૦ તબીબી બેઠકોનો વધારો કરીને આજે ગુજરાતમાં ૫૭૦૦ મેડિકલ બેઠકો ઉપલબ્ધ છે.

• અમે ગુજરાતને ફરી તક્ષશીલા અને નાલંદાની જેમ એજ્યુકેશન હબ બનાવવાની દિશામાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. દુનિયાના લોકો અહીં ભણવા આવે તે માટે સ્ટડી ઈન ગુજરાત કેમ્પેઈન શરૂ કર્યો છે. 

• આજે વર્ષ ૨૦૨૧માં રાજ્યમાં ૮૩ જેટલી યુનિર્વસિટીઓ કાર્યરત છે. અગાઉ વર્ષ ૨૦૦૧માં માત્ર ૯ યુનિર્વસિટીઓ જ હતી.

• ગુજરાતના બાળકો બહાર ભણવા જાય એ જમાનો હવે પૂરો થઈ ગયો હોય એમ લાગે છે. હવે આગામી સમયમાં જગતભરમાંથી વિદ્યાર્થીઓ ગુજરાતમાં ભણવા આવશે.

• ઈ-સેવાસેતુના અભિનવ વિચારથી સરકારી વહીવટીતંત્રમાં ૩૬૦ ડિગ્રીએ પરિણામલક્ષી બદલાવ અમે લાવ્યા છીએ.

• વિ બિલિવ ઈન ધ બેસ્ટ, 

વિ વર્ક ફોર ધ બેસ્ટ,

વિ વીલ મેક ગુજરાત ધ બેસ્ટ... 

• અમે ગુજરાતને વર્લ્ડ બેસ્ટ બનાવવાની દિશામાં મક્કમ પ્રયાણ આદર્યું છે.

• સરદાર સાહેબને યથોચિત્ત અંજલી આપતાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરી સમસ્ત  વિશ્વમાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે.

• દેશની સૌથી ઝડપી રેલ સેવા બુલેટ ટ્રેન ગુજરાતની શાન બનવા જઈ રહી છે.

• કચ્છમાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક ગુજરાતના દમખમનો પરિચય   આપે છે.

• એશિયાનો સૌથી ઊંચો ગિરનાર રોપ-વે વિશ્વમાં ગુજરાતની નવી ઓળખ બનાવી રહ્યો છે.

• સી-પ્લેન હવે આધુનિક ગુજરાતની નવી પહેચાન બની છે.

• દરિયાના ખારા પાણીને પીવાલાયક મીઠું પાણી બનાવવાની દિશામાં ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપિત કરનારું  ગુજરાત વિકાસનું મોડેલ તરીકે ઓળખાય છે.

• દેશમાં  સૌપ્રથમ વખત ખેડૂતોને દિવસે વીજળી આપતી કિસાન સૂર્યોદય યોજના ગુજરાતના કૃષિ ચમત્કારનું નવું નજરાણું છે.

• ધોલેરા સ્માર્ટ સિટી ગુજરાતનું સિંગાપોર બનવા જઈ રહ્યું છે.

• બાલાસિનોરના રૈયોલીમાં ડાયનોસોર ફોસિલ પાર્ક ઈન્ટરનેશનલી ગુજરાતની ઈમેજ બિલ્ડઅપ કરી રહ્યું છે.

• શિવરાજપુરનો બ્લ્યુ બિચ વિશ્વભરના સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનવાનો છે.

• સાત હજાર બેડ સાથે  એશિયાની સૌથી મોટી હોસ્પિટલ મેડિસિટી ગુજરાતનું ગૌરવ છે.

• ગિફટ સિટી દેશવિદેશમાં આધુનિક ગુજરાતની છાપ ઊભી કરી રહ્યું છે.

• એશિયાડ અને ઓલિમ્પિક  રમાડી શકાય  એવા વર્લ્ડ ક્લાસ સ્પોર્ટસ કોમ્પલેક્ષ અમદાવાદના આંગણે મોટેરામાં આકાર પામવાનું છે, જેનું રાષ્ટ્રપતિશ્રીએ ખાતમુહર્ત કર્યું છે.

• નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બન્યું છે.

• દુનિયાભરના સહેલાણીઓ માટે ફર્સ્ટ ચોઈસ ઓફ ડેસ્ટીનેસન બને તે રીતે અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

• ઈઝ ઓફ લીવીંગમાં ટોપ ટેન  સિટીમાં ગુજરાતના  આમદાવાદ, સુરત અને વડોદરાનો  સમાવેશ  થાય છે.

• અમદાવાદનું નરેન્દ્રભાઈ મોદી-મોટેરા સ્ટેડિયમ વિશ્વનું  સૌથી મોટું  સ્ટેડિયમ  છે.

• લોકો પંચાયતોની ચૂંટણીની જીતનો જશ VR-CR-NR ની જોડીને આપી રહ્યાં છે પણ મારે નમ્રતાપૂર્વક જણાવવું છે કે,

આ જીત વિકાસની જીત છે, 

સૌમ્યતાની જીત છે, 

લોકોની વચ્ચે રહીને જનસેવા કરનારાની જીત છે,

નીત નવા આયામો સર કરવાની ભાવનાની જીત છે,

સંગઠિત થઈને જનહિતલક્ષી કામ કરનારાઓની જીત છે,

આ જીત

મંત્રમંડળના મારા તમામ સાથીઓના કાર્યોના સુવાસની જીત છે,

અહિં બેઠેલા તમામ ધારાસભ્યો પ્રજાની પડખે ઊભા રહી એમની સેવા કરી એની જીત છે,

ભાજપાના પ્રત્યેક કાર્યકર્તાની આ જીત છે,

• આ જીતનો યશ મને એકલાને મળે એ યોગ્ય નથી.

• અમારી શિરર્ષ્થ નેતાગીરીએ અમારામાં વિશ્વાસ મુક્યો.

• ઓગસ્ટ તા. ૭, ૨૦૧૬ના રોજ અમે શપથ લીધા તે પછી એક પણ દિવસ વિશ્રામ કર્યા વગર પ્રત્યેક ક્ષણ રાજ્યના વિકાસ માટે કામ કર્યું છે.

• આખુ ગુજરાત જાણે છે કે, અમારો ક્યારેય કોઈ પર્સનલ એજન્ડા રહ્યો નથી, કે અમારી કોઈ મહત્વકાંક્ષા પણ નથી.

• અમારી તો એક જ તમન્ના છે, અમારા ગુજરાતને વિકાસના શિખર પર જોઉં છે.

• અમે ફટાફટ અને સટાસટ નિર્ણયો લેનારા છીએ.

• મારા પ્રત્યેક નિર્ણયોમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ હોય કે, મારા મંત્રી મંડળના અન્ય સાથી મંત્રીશ્રીઓ હોય તેમના સહયોગ અને પરામર્શથી હું ઝડપી અને પરિપક્વ નિર્ણય લઈ શક્યો છું.

• મારી પાસે નિષ્ઠાવાન, બાહોશ અને કર્મઠ અધિકારીઓની ટીમ છે જે સતત, અવિરત મારી સાથે મને જનહિતના નિર્ણયો લેવામાં સહયોગ આપે છે. એટલા માટે જ અમે 20-20 રમીએ છીએ. 

• ગુજરાતનો ઇતિહાસ ગવાહ છે કે,

ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ ‘અડિખમ’ ઊભા રહેવાની ગુજરાતની તાસીર છે.

• વિધર્મીઓના આક્રમણ સામે ઝઝૂમવાનું હોય કે, સ્વરાજ્ય - સ્વતંત્રતાની લડાઈ હોય કે પછી સુરાજ્ય કે વિકાસની વાતનું અભિયાન હોય,

ગુજરાતની જનતાની આ અખંડ, અડગ અને અડિખમ તાસીરને હું વંદન કરીએ છીએ.

• વિધર્મીઓ, સંસ્કૃતિનો ઉપહાસ કરનારા વિરોધીઓ, દેશ વિરોધી તાકાતો સામે સોમનાથ મંદિરની જેમ ગુજરાત અડિખમ છે.

• વાવાઝોડા, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતો સામે ‘ગરવા ગીરનાર’ની જેમ ગુજરાત અડિખમ છે.

• મા નર્મદાના પાણી અને ડેમનો વિરોધ કરનારાઓનો સામનો કરીને લોહપુરુષ સરદાર પટેલની જેમ ગુજરાત અડિખમ છે.

• વેરઝેર, કોમવાદ, જાતિવાદથી ગુજરાતને તોડવાની મનોવૃત્તિઓ સામે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ ગુજરાત અડિખમ છે.

• દેશની આઝાદીના મજબૂત સૂત્રધાર મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલની જેમ ભ્રષ્ટાચારીઓ સામે ગુજરાત અડિખમ રહ્યું છે.

• રાષ્ટ્ર વિરોધીઓના અપપ્રચારો અને ઝંઝાવાતો વચ્ચે શ્રી નરેન્દ્રભાઈ મોદીના મજબૂત નેતૃત્વની જેમ ગુજરાતની વિકાસયાત્રા અડિખમ છે.

અંતમાં ફરી એકવાર આત્મસન્માન અને આત્મગૌરવ આપતા માનનીય રાજ્યપાલશ્રીના અભિભાષણમાં અભિવ્યક્ત થયેલા મારી સરકારના જનહિતલક્ષી કાર્યોને પ્રતિબિંબિત કરવા બદલ હું એમનો અંતઃકરણપૂર્વકનો આભાર માનું છું.

જય જય ગરવી ગુજરાત 

ભારત માતા કી જય તેમ કહીને મુખ્યમંત્રીશ્રી  વિજયભાઈ રૂપાણીએ પ્રવચન પૂર્ણ કર્યું હતું.

(4:51 pm IST)