Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

સવારે જલ્‍દી ઉઠવુ ગમતુ નથી ? તો અપનાવો આ ટિપ્‍સ

અમદાવાદ: મોડા સુધી સુવું અને 8 કલાકની ઊંઘ લેવી સૌ કોઈને સારું જ લાગે છે. જો કે સવારે જલ્દી ઉઠવાની વાત આવે છે, ત્યારે ઘણાં લોકોને સવારે વહેલા ઉઠવાની આદત જ નથી હોતી. એવા લોકોને સવારે વહેલા ઉઠવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. આટલું જ નહીં કેટલા લોકો એલાર્મ વાગ્યા બાદ પણ ઉઠી નથી શકતાં.

સવારે જલ્દી ના ઉઠવાનો અર્થ એજ છે કે, તમારી ઊંઘ પૂરી નથી થઈ શકી અથવા તો તમે પૂરતી ઊંઘ નથી લઈ રહ્યાં.

બેડટાઈમ રુટિન

સૂવાના 6 કલાક પહેલા કોઈ પણ પ્રકારના એવા પીણાનું સેવન ના કરો, જેમાં કેફીન હોય. સૂઈ જવાના ઓછામાં ઓછા 2-3 કલાક પહેલા કોઈ પણ એવા મશીન કે ડિવાઈઝસનો ઉપયોગ ના કરો, જેની લાઈટ તમારી આંખો ઉપર પડે. ઊંઘ ના આવવાનું એક મોટું કારણ આ પણ છે.

ઊંઘવા જતા પહેલા પોતાને થોડો આરામ આપો. પુસ્તકો વાંચો અથવા શૉવર જેલથી બાથ લો. એવું કોઈ પણ કામ ના કરશો, જે તમારા શરીરને થકવી નાંખે અથવા તો પછી તમને સૂવા જ ના દે. દિવસે બને તેટલું સૂવાનું ટાળવું જોઈએ.

સૂવા માટેનો સમય નક્કી કરો

સૌથી પહેલા એ જુઓ કે, કેટલા કલાકની ઊંઘ તમારા માટે જરૂરી છે. મોટાભાગના લોકો 7-9 કલાકની ઊંઘ લે છે. આથી આ પ્રમાણે જ તમે તમારું દિવસભરનું કામકાજ ગોઠવો.

માની લો, તમારે સવારે 7 વાગ્યે ઉઠવાનું છે, તો તમારે રાત્રે 11 વાગ્યા સુધી સૂઈ જવું જોઈએ. તમારે વીકેન્ડ માટે પણ સૂવાનો સમય નક્કી કરવો જોઈએ.

આળસ અને એલાર્મ

મોટાભાગના લોકોની આદત હોય છે કે, તેઓ સવારે જલ્દી ઉઠવા માટે એલાર્મ લગાવે છે. જો કે આળસના કારણે એલાર્મ બંધ નથી કરતા. એલાર્મ વાગવા પર 10 મિનિટ વધુ સૂવાની મજા આવે છે, પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે સારી ના કહી શકાય.

જ્યારે તમે થોડું-થોડું કરીને સૂઈ જાવ છો, તો આ આદત તમારી અંદર વધુ આળસ પેદા કરે છે અને તમને વધારે ઊંઘ આવે છે. આથી જેવું સવારે તમારું એલાર્મ વાગે, તો તેને બંધ કરીને તરત જ ઉઠી જવું જોઈએ.

ખાવાની આદત

ખાવામાં હંમેશા હેલ્થી ફૂડ લેવાનું રાખો, કારણ કે આપણું ભોજન આપણી એનર્જી લેવલ પર અસર કરે છે. જો આપણે અનહેલ્થી ફૂડ ખાઈશુ, તો આપણને આળસ આવશે. તમારા ભોજનમાં ફળ, શાકભાજી, ઓમેગા-3થી ભરપુર પોષક તત્વો અને અનાજ જરૂર હોવું જોઈએ.

એક્સરસાઈઝ

દરરોજ સવારે વહેલા ઉઠીને વ્યાયામ કરવાથી તમારું શરીર જ સ્વસ્થ નહીં બને, પરંતુ તમારુ વજન પણ ઓછું થશે. આટલું જ નહીં, આપણને ઊંઘ પણ સારી આવે છે. જો લોકોને અનિંન્દ્રા, વધારે વિચારવા અને નિરાશાની ફરિયાદ હોય, તેમના પર વ્યાયામની સારી અસર થાય છે.

આ સિવાય જો તમે ડાન્સ કરો છો, તો તે પણ તમારા સ્વાસ્થ માટે ફાયદાકારક છે. ડાન્સ કરવાથી પણ શરીરની એક્સરસાઈઝ થઈ જાય છે. એક્સરસાઈઝ આપણા શરીરની એનર્જી લેવલને વધારે છે.

દિવસના અજવાળામાં બહાર નીકળો

જો આપણે આખો દિવસ ઘરની અંદર જ રહેતા હોઈએ, તો સવારે ઉઠીને બહાર લટાર મારવા જાવો. તમારી બાલ્કનીમાં બેસો અને બારીઓના પડદાને પણ થોડા સમય માટે ખુલ્લા રાખો. જેનાથી તમને બહારનો કૂણો તડકો મળશે. જે તમારા શરીર માટે ખૂબ જ જરૂરી છે. જે તમારો મૂડ પણ સારો કરશે અને તેનાથી તમારું એનર્જી લેવલ પણ વધશે.

ડૉક્ટરની સલાહ લો

જો ઉપર જણાવેલી તમામ આદતો હોવા છતાં પણ જો તમને સવારે વહેલા ઉઠવામાં મુશ્કેલી થાય છે, તો તેના માટે કોઈ ડૉક્ટરની સલાહ જરૂર લો. આ સિવાય જો તમારા જીવનમાં કોઈ પરેશાની છે, જેના કારણે તમે સૂઈ નથી શકતાં. તો આવી સમસ્યાને તમારે તમારા પરિવારજન કે નજીકના મિત્રને જણાવવી જોઈએ. જેથી તેઓ આ સમસ્યામાંથી તમને બહાર કાઢવામાં તમારી મદદ કરી શકે.

(5:14 pm IST)