Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

ગુજરાતમાં દારૂબંધીની પોલ ખોલતા NCRB ના ચોંકાવનારા આંકડા

દેશમાં સૌથી વધારે દારૂ-નાર્કોટિક્સ ડ્રગ્સ ધરાવનારા કેસમાં ગુજરાત ટોપ પર: ગુજરાતમાં તમિલનાડુ કરતા ડબલ અને મહારાષ્ટ કરતા ત્રણ ગણા એટલે કે 2,41,715 કેસો નોંધાયા

અમદાવાદ : ગુજરાતમાં કહેવાતી દારુબંધીની પોલ NCRB (નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો) 2019ના ડેટાએ ખોલી નાંખી છે. માત્ર દારુ જ નહીં ડ્રગ્સના સેવનમાં પણ ગુજરાત દેશમાં ટોચે હોવાના ચોંકાવનારા આંકડા પ્રકાશમાં આવ્યા છે. NCRBએ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા, ભ્રષ્ટાચાર કરનારા રાજ્યોના નામ તેમજ સૌથી વધારે દારૂ અને નાર્કોટિક ડ્ર્ગ્સના કેસ ધરાવનારા રાજ્યોની યાદી બહાર પાડી છે.

NCRBનો રિપોર્ટ મુજબ ગુજરાત દારુ અને ડ્રગ્સના સેવનમાં ટોપ પર છે, તે તો ઠીક ટોપમાં પણ એટલી ઉપર છે કે બીજા નંબરે આવનાર તામિલનાડુ બહુ પાછળ છે. એટલે સંખ્યાની દૃષ્ટિએ જોઇએ તો લગભગ અડધુ છે.

NCRBના 2019નાં આંકડાઓ અનુસાર, દેશમાં સૌથી વધારે દારૂ-નાર્કોટિક્સ ડ્રગ્સ ધરાવનારા કેસમાં ગુજરાત ટોપ પર છે. તમિલનાડુમાં 1,5,281 કેસ છે. મહારાષ્ટ્રમાં 83,156 અને તમિલનાડુમાં નોંધાયા છે. જ્યારે દારૂબંધીવાળા ગુજરાતમાં તમિલનાડુ કરતા ડબલ અને મહારાષ્ટ કરતા આશરે ત્રણ ગણા એટલે કે 2,41,715 કેસો નોંધાયા છે.

નોંધનીય છે કે, છેલ્લાં કેટલાંય સમયથી સુશાંત સિંહ રાજપૂતના કેસને લઇને તપાસ શરૂ કર્યા બાદ બોલીવુડનું નવું ડ્રગ્સ કનેક્શન સામે આવ્યું છે. જેમાં અનેક નામો સામે આવ્યાં છે. ત્યારે ગુજરાતમાં પણ છેલ્લાં એકાદ મહીનામાં કરોડોનું MD ડ્રગ્સ ઝડપવામાં આવ્યું છે. જેમાં સૌથી વધારે સુરતમાં હાઇ પ્રોફાઇલ ડ્રગ્સ સ્કેન્ડલ બહાર આવ્યું છે.

દેશમાં નશીલાં દ્રવ્યોનું સેવનના સૌથી વધુ કેસો ધરાવતાં ટોપ પાંચ રાજ્યોમાં ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, બિહાર અને કેરળ છે. જેમાં તામિલનાડુમાં 151281, મહારાષ્ટ્રમાં 83156, બિહારમાં 49182 અને કેરળમાં 29252 કેસ વર્ષ 2019માં નોંધાયા છે.

NCRBનાં 2019નાં રિપોર્ટ મુજબ, લિકર અને નાર્કોટિક ડ્રગ્સ  એક્ટ હેઠળ દેશનાં 19 શહેરમાં 102153 કેસો નોંધાયા છે જેમાં સૌથી વધુ કેસ સુરત, અમદાવાદ, મુંબઇ, ચેન્નઇ અને દિલ્હીમાં દાખલ થયા છે. દિલ્હીમાં 5386, ચેન્નઇમાં 7925, મુંબઇ 14051 નશીલાં દ્રવ્યોનાં કેસ નોંધાયા છે. જેમાં લિકર અને નાર્કોટિક ડ્રગ્સ એક્ટ હેઠળ સૌથી વધુ કેસ દેશમાં સુરતમાં 23977 કેસ અને અમદાવાદમાં 20782 કેસ નોંધાયા છે.

(7:48 pm IST)