Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

પ્રોપર્ટી ટેક્ષ ચુકવવા માટે હપ્તા સીસ્ટમ ગોઠવી આપવા માટે માંગણી : મિલકતો સીલ કરવાનો અભિગમ નિવારવો જોઈએ

અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલ્ફેર ફાઉન્ડેશનને મુખ્યમંત્રીને લખ્યો પત્ર

અમદાવાદ : ગુજરાતની છ મહાનગરપાલિકા તથા જિલ્લા, તાલુકા તેમ જ નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્ષ બાકી હોય તેવા એકમોને સીલ મારવાની રિતસરની ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશને લઇને અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીને પત્ર લખીને પ્રોપર્ટી ટેક્ષ ચુકવવા માટે હપ્તા સીસ્ટમ ગોઠવી આપવા માટે માંગણી કરી છે.

અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલ્ફેર ફાઉન્ડેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યં છે કે કોરોનાના કારણે દેશ આખાયમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. જેના કારણે વેપાર ધંધાને ખૂબ જ મોટી આર્થિક માઠી અસર થઇ છે. સમગ્ર દેશનું અર્થતંત્ર હજુ પણ આ અસરમાંથી ધીમી ગતિએ બહાર આવી રહ્યું છે. ખાનગી વેપાર ઉદ્યોગને ફરી બેઠો થવામાં ઘણો જ લાંબો સમય લાગશે તેવી પરિસ્થિતિ છે. આવા સંજોગોમાં રાજયમાં પ્રોપર્ટી ટેક્ષની જે કડકાઇથી વસૂલાત કરવામાં આવી રહી છે. જો રકમ ન ભરે તેમની મિલકતો સીલ કરવામાં આવી રહી છે. મિલકતો સીલ કરવાનો અભિગમ નિવારીને મિલકત માલિકોને ટેક્ષની રકમ હપ્તાથી ચુકવવાનો વિકલ્પ પણ આપવો જોઇએ

તેમણે વધુમાં જણાવ્યું છે કે, મોટાભાગના વેપારીઓ હજુ આ કપરા કાળની અસરમાંથી બહાર આવ્યો નથી., કામદારો છુટા કરવામાં આવ્યા છે. મૂડી જૂના માલ સ્ટોકમાં રોકાયેલી છે. બેન્ક લોનના હપ્તા પણ ચઢી ગયા છે. નાણાંભીડ હજુ પણ યથાવત છે. રાજય કે કેન્દ્ર સરકારે વેપારી સામાજ માટે કોરોના સમય દરમિયાન કોઇ જ અસરકારક રાહત આપી નથી કે તેમને ફરી બેઠા કરવા માટે કોઇ જ આયોજન થયું નથી. તેવા સમયે આ પ્રોપર્ટી સીલ કરવાની કાર્યવાહી પડયા ઉપર પાટુ મારવા જેવી છે. જે બંધ કરી દેવા રાજય સરકારે જરૂરી સૂચનાઓ આપવી જોઇએ.

તન્નાએ એમ પણ જણાવ્યું છે કે, મિલકતના માલિકોનો ધંધો ચાલશે તો જ તેઓ સરળ હપ્તાથી વેરો ભરી શકશે. આ વ્યવહારુ અભિગમ અપનાવી સીલીંગની જે કામગીરી કરવામાં આવી છે. તેમને અને બાકી વસૂલાત છે તે તમામ માટે વ્યાજબી હપ્તાથી મિલકત વેરો ભરવાની સુવિધા વેપારીઓને આપવી જરૂરી છે. આ વિષયને ગંભીરતાથી લઇને તાત્કાલિક યોગ્ય હુક્મો કરવા વિનંતી કરવાની સાથોસાથ માંગણી કરી છે.

(7:17 pm IST)