Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

સુરતમાં બહારથી આવતા લોકોથી કોરોના કેસોમાં ઉછાળો : 18 લોકોના રિપોર્ટ પોઝિટિવ : તંત્ર એલર્ટ

છેલ્લા 10 દિવસમાં શહેરના 300 જેટલા ક્લસ્ટર ઝોન થયા : સૌથી વધુ 90 જેટલા ક્લસ્ટર એરિયા માત્ર અઠવા ઝોનમાં: રાંદેર ઝોનમાં 54 ક્લસ્ટર એરિયા

સુરત: શહેરમાં બહારગામથી આવનારા લોકોમાં કોરોનાનું સંક્રમણ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. બહારગામથી પરત ફર્યા બાદ લોકો કોરોનાની તપાસ કરવામાં બેદરકારી દાખવી રહ્યાં છે. જેના કારણે પરિવારના અન્ય લોકો પણ સંક્રમિત થઈ રહ્યાં છે

સુરત શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બહારગામથી આવનારા કે પ્રવાસ પરથી પરત ફરેલા શહેરીજનો સુરતમાં આવ્યા બાદ કોવિડ ગાઈડલાઈનનું પાલન ના કરીને બેદરકારી દાખવી રહ્યાં છે. જે લોકો બહારગામ કે અન્ય રાજ્ય કે અન્ય શહેરથી સુરત પરત ફરે છે, તેમાંથી કેટલાક લોકો કોરોના વાઈરસના વાહક હોઈ શકે છે

શનિવારે શહેરના અઠવા ઝોનમાં દુબઈથી પરત ફરેલા 3 વ્યક્તિ, મુંબઈથી આવેલ 3, રાજસ્થાનથી આવેલા 2, ગોવાથી આવેલા 1, વડોદરાથી આવેલ 1, સાળંગપુરથી પરત ફરેલ 1 વ્યક્તિ સહિત કુલ 11 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જ્યારે રાંદેર ઝોનમાં મુંબઈથી ફરત ફરેલ 1 વ્યક્તિ, અમદાવાદથી આવેલા 2 વ્યક્તિ, સુરેન્દ્રનગર, ગીર-સોમનાથ, ભરુચ અને ડાકોરથી સુરત પરત ફરેલા 1-1 વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આમ શનિવારે અઠવા ઝોનમાં 11 અને રાંદેર ઝોનમાં 7 સહિત લુક 18 લોકો બહારગામનો પ્રવાસ કરીને પરત ફરતા તેમની તપાસ બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા 10 દિવસમાં શહેરના 300 જેટલા ક્લસ્ટર ઝોન થઈ ગયા છે. જેમાં સૌથી વધુ 90 જેટલા ક્લસ્ટર એરિયા માત્ર અઠવા ઝોનમાં આવેલા છે. જ્યારે રાંદેર ઝોનમાં 54 ક્લસ્ટર એરિયા છે. શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધવાની સાથે પ્રતિદિન 5 એરિયા ક્લસ્ટર ઝોનમાં સામેલ થઈ રહ્યાં છે.

સુરતમાં બહારગામથી આવનારા લોકો થકી કોરોના ફેલાતો હોવાનું ધ્યાનમાં આવતા આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે. હાલ તાત્કાલીક અસરથી શહેરની ચેકપોસ્ટો પર કોરોના ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યા છે. આથી બહારગામથી સુરત પરત ફરનારા લોકો કોવિડ ગાઈડલાઈનનું પાલન કરે અને કોવિડ ટેસ્ટ કરાવીને પોતાને અને પોતાના પરિવારને કોરોનાથી સુરક્ષિત રાખે.

(8:20 pm IST)