Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

વલસાડ રક્તદાન કેન્દ્રના આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રીમતી પ્રિતી મિસ્ત્રીને ઇન્ડિયન સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન એન્ડ ઇમ્યુનોહેમેટોલોજી (આઈએસબીટીઆઈ)ની 45 મી વાર્ષિક રાષ્ટ્રીય પરિષદ ‘ટ્રાન્સકોન -૨૦૨૦’માં એચ.ડી. શૌરી એવોર્ડથી સન્માનિત.

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ : શૈક્ષિણક ક્ષેત્રે આગવી પ્રતિભા ધરાવતા પ્રીતિબેને નારણલાલા કોલેજ નવસારીથી વિજ્ઞાન પ્રવાહમાં સ્નાતક થઇ સરદાર પટેલ યુનીવર્સીટી આણંદમાં યુનીવર્સીટી ટોપર તરીકે M.Scની પદવી હાંસલ કરી હતી અને ત્યારબાદ શ્રીમતી પ્રિતીબેન  મિસ્ત્રીએ  વલસાડ રક્તદાન કેન્દ્રમાં વર્ષ ૨૦૦૮માં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચના મલ્ટી સેન્ટ્રીક પ્રોજેક્ટમાં લેબ. ટેકનીશ્યન તરીકેનો કાર્યભાર સંભાળી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે પોતાની આગવી સુઝબુઝ, કુનેહ અને મહેનતના પરિણામ ફળસ્વરૂપે વલસાડ રક્તદાન કેન્દ્રની તમામ પ્રવૃતિઓમાં  સહભાગી થઇ છેલ્લા  ૧૨ વર્ષોમાં સંસ્થા દ્વારા એમને સોંપાયેલ વિવિધ જવાબદારીઓ જેમાં રક્ત ઠસંબધિત કામગીરીઓમાં રક્ત લેવાથી લઇ રક્તની જાળવણી અને સંગ્રહ , રક્ત અને રક્ત ઘટકો સંબધિત કામગીરી થી લઇ દર્દીને સુરક્ષિત રક્ત પૂરું પાડવા માટે તથા  રક્ત થકી ફેલાતા રોગો જેમાં ખાસ કરીને HIV-AIDS, HBsAg, HCV, જાતીય રોગો અને મલેરિયા રોગોની તપાસમાં સંપુર્ણ રીતે ચિવટ દાખવી  જરૂરિયાતમંદ દર્દીઓની સુરક્ષાને હંમેશા અગ્રીમતા આપવાનો પ્રયાસ કર્યો છે.
છેલ્લા ૧૨ વર્ષોમાં ક્વોલીટી કંટ્રોલ સુપર વાઈઝર, કવોલીટી મેનેજર અને હાલમાં આસીસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે મુખ્ય જવાબદારી નિભાવી રહ્યા છે અને રક્તદાન કેન્દ્રોમાં નવીન અને અદ્યતન ટેકનોલોજીના સથવારે વલસાડ અને ડાંગ જિલ્લાની રિજિયોનલ બલ્ડ બેંકને સાથી સહ કર્મચારીઓ અને ઉચ્ચ આયામો સુધી લઇ જવા 2 વાર લીધેલી  NABH તાલીમ અને ક્વોલીટી મેનેજમેન્ટ સીસ્ટમની તાલીમનું જ્ઞાન સ્ટાફ મેમ્બર્સને આપી રક્તદાન કેન્દ્રોની કાર્ય પ્રણાલીને અપડેટ રાખવા  અને જરૂરિયાતમંદ દર્દીઓને ઉચ્ચ  ગુણવત્તાયુક્ત રક્ત અને રક્ત ઘટકો પુરા પાડવા કટિબદ્ધ રહ્યા જે અભિનંદનીય છે. હાલમાંજ કોરોનાની વૈશ્વિક મહામારીમાં વલસાડ રક્તદાન કેન્દ્રમાં ગંભીર પ્રકારના કોરોનાના દર્દીઓની સારવારમાં ઉપયોગી એવા કોન્વોલેસ્ન્ટ પ્લાઝમા થેરાપી શરુ કરવામાં ભારત સરકાર અને ICMR ની ગાઈડ લાઇન્સ અન્વયે પ્લાઝમા બેંક સ્થાપિત કરવામાં અગ્રીમ ભૂમિકા નિભાવી હતી જેથી વલસાડ રક્તદાન કેન્દ્ર ૧૧૦ કોન્વોલેસ્ન્ટ પ્લાઝમા કલેક્શન દ્વારા વલસાડ સહીત સુરત, વડોદરા અને મુંબઈના ૨૦૦ થી વધુ દર્દીઓની સારવારમાં  સહભાગી બન્યું.27 અને 28 ફેબ્રુઆરી 2021 બે દિવસીય વર્ચુઅલ પ્લેટફોર્મમાં ચાલી  રહેલ ISBTI ના તમિલનાડુ પ્રકરણ દ્વારા આયોજીત 45 મી વાર્ષિક રાષ્ટ્રીય પરિષદ ‘ટ્રાન્સકોન -૨૦૨૦’ માં ચાળીસથી ઓછી વયના યંગ સાયન્ટિસ્ટ તરીકે શ્રીમતી પ્રિતી મિસ્ત્રીને રક્તદાન ક્ષેત્રે નવીન વિચારો/સંશોધનો, નવી ટેકનોલોજી અને  બ્લડ બેન્કિંગ ક્ષેત્રમાં વલસાડ રક્તદાન કેન્દ્રમાં નોંધપાત્ર કામ કર્યું તે બદલ બ્લડ બેંકની કાર્ય પ્રણાલી અને વિશિષ્ટ કાર્યોને ધ્યાનમાં લઇને સ્વ. એચ.ડી. શૌરી એવોર્ડની  જાહેરાત કરવામાં આવી છે જે આગામી નવેમ્બર ૨૦૨૧માં જમ્મુ ખાતે યોજાનાર ૪૬મી રાષ્ટ્રીય પરિષદમાં એનાયત કરાશે. જે  સંસ્થા માટે અને વલસાડ જિલ્લા સહીત ગુજરાત રાજ્ય માટે ગૌરવવંત છે.રક્ત સુરક્ષા માટે અમૂલ્ય ફાળો આપનારા અસરકારક અને પ્રેરણારૂપ દાતા સ્વ.શ્રી એચ.ડી શૌરીની યાદમાં આ એવોર્ડ દર વર્ષે  ટ્રાન્સફ્યુઝન મેડિસિન ક્ષેત્રે નવીન વિચારો/સંશોધનો, નવી ટેકનોલોજી અજમાયસ કરનારાને આપવામાં આવે છે. વલસાડ રક્તદાન કેન્દ્રના ટ્રસ્ટી મંડળ અને સ્ટાફ પરિવારે આ ગૌરવવંત એવોર્ડ માટે પ્રીતીબેનને અભિનંદન પાઠવી ઝળહળતી સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
શ્રીમતી પ્રિતી મિસ્ત્રીએ આ એવોર્ડ મેળવવામાં પરિવારનો પ્રેમ અને હુંફ તથા  સંસ્થાના માનદ મંત્રી અને માર્ગદર્શક ડો. યઝદી ઈટાલીયા, સતત પ્રોત્સાહિત કરનારા ડો. વિશાલ મહેતા અને બ્લડ બેન્કિંગ ક્ષેત્રે પાયાનું શિક્ષણ આપી હુંફ આપનારા શ્રીમતી અમિષાબેન દેસાઈનો અને સમગ્ર સ્ટાફ પરિવારના સહયોગને બિરદાવ્યો હતો. ઇન્ડિયન સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન એન્ડ ઇમ્યુનોએમેટોલોજી (આઈએસબીટીઆઈ) દ્વારા વિવિધ કેટેગરી હેઠળ અપાતા એવોર્ડમાં સૌ પ્રથમ વાર વર્ષ ૨૦૦૮માં સંસ્થાના રક્તદાન પ્રચાર-પ્રસાર કાર્યક્રમના ડાયરેક્ટર શ્રી બીપીનીભાઈ વોરાને “ એ.એન. કશ્યપ એવોર્ડ” વ્યક્તિગત સમાજસેવક તરીકે એનાયત કરાયેલ  ત્યારબાદ  વર્ષ ૨૦૧૩માં  સ્વૈચ્છિક રક્તદાન ક્ષેત્રે અને  ટ્રાન્સફ્યુઝન મેડિસિનમાં વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે નવીન વિચારોના આદાન પ્રદાન બદલ શ્રેષ્ઠ સંસ્થાકીય એવોર્ડ પણ વલસાડ રકતદાન કેન્દ્રને એનાયત કરવામાં આવેલ. વર્ષ ૨૦૧૯માં સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી અને પથ દર્શક એવા ડો. યઝદી ઈટાલીયાને વૈજ્ઞાનિક સંશોધન, શિક્ષણ / તાલીમ અને રક્તદાન ક્ષેત્રે  આપેલ જીવનકાળની સિદ્ધિ માટે લાઈફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવેલ. આમ હાલ પર્યંત વલસાડ રક્તદાન કેન્દ્રના  કાર્યની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવાઈ અને  કુલ 4 એવોર્ડ પ્રાપ્ત કર્યા છે જે જિલ્લાના રક્તદાતાશ્રીઓ, રક્તદાન શિબિર આયોજકો અને 24 કલાક ૩૬૫ દિવસ કાર્યરત સ્ટાફ પરિવારને આભારી છે.
ઓક્ટોબર 1972 માં ઇન્ડિયન સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન એન્ડ ઇમ્યુનોએમેટોલોજી (આઈએસબીટીઆઈ) ની સ્થાપના કરવામાં આવી હતી. બ્લડ બેંકિંગની સ્થિતિમાં સુધારો લાવવા અને દેશમાં સ્વૈચ્છિક રક્તદાન માટે લોકોને મોટા પાયે પ્રોત્સાહિત કરવાના હેતુથી સોસાયટીની રચના થઈ હતી. ફક્ત 89 સભ્યોના જૂથથી શરૂ થયેલ આ સંસ્થા હાલમાં  ૫૮૮૨ સભ્યો ધરાવે છે તથા  હાલ પર્યંત ૫૦૦૦ થી વધુ ટ્રેનીંગ પ્રોગ્રામ, ૪૦ હજારથી વધુ રક્તદાન શિબિરો યોજીને  44 વર્ષોથી રાષ્ટ્રીય અધિવેશન આયોજિત કરી રક્તદાન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે.  ભારતની રાષ્ટ્રીય રક્ત નીતિને ધ્યાનમાં રાખીને, ISBTI સ્વૈચ્છિક રક્તદાન માટેના રાષ્ટ્રીય માર્ગદર્શિકામાં નિર્ધારિત કાર્યો  મુજબ દેશભરમાં પ્રવૃત્તિઓ કરે છે. જેનું મુખ્ય વિઝન  "સુરક્ષિત રક્તે દર્દીની રાહ જોવી જોઈએ.સુરક્ષિત રક્ત માટે દર્દીએ નહીં" અને મુખ્ય મિશન "100% સ્વૈચ્છિક રક્તદાન કરવા અને બ્લડ ટ્રાન્સફ્યુઝન સેવાઓમાં ગુણવત્તાના ધોરણો પ્રાપ્ત કરવા" ના હેતુ થી કાર્યરત છે

(8:23 pm IST)