Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

અમદાવાદ રેલ્‍વે સ્‍ટેશનમાં રિક્ષા ચાલકોને 10 મિનીટ પ્રવેશ અપાય છેઃ એક મહિનાથી પ્રવેશ ન અપાતો હોવાની અરજીની હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન પヘમિ રેલ્‍વે એસપીએ જવાબ રજૂ કર્યો

અમદાવાદ: શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પરિસરમાં સવારી મેળવવા માટે રિક્ષા ચાલકોને છેલ્લા એક મહિનાથી પ્રવેશ આપવામાં આવતો નથી તેવા આક્ષેપ સાથે દાખલ કરાયેલી અરજી પર શુકવારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જવાબ રજૂ કરતા પશ્ચિમ રેલવે એસપી (અમદાવાદ) તરફે સોગંદનામામાં જણાવવામાં આવ્યું હતું કે રિક્ષાચાલકોને રેલવે સ્ટેશન પરિસરમાં 10 મિનિટ સુધી સવારી મેળવવા માટે પ્રવેશ આપવામાં આવે છે.

વેસ્ટર્ન રેલવે એસપી, અમદાવાદ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જવાબ રજૂ કરાયેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું હતું કે રેલવે સ્ટેશન પર ભીડ જામ ન થાય અને બધાને સવારી મેળવવાની તક મળે તેના માટે રેલવે સ્ટેશન પરિસરમાં પ્રવેશવાની 10 મિનિટ પરવાનગી આપવામાં આવી છે. 10 થી 15 મિનિટની પરવાનગી પુરી થયા પછી રિક્ષાચાલક રેલવે સ્ટેશનમાં ફરીવાર પ્રવેશ મેળવી શકે છે.

અમદાવાદ રેલવે સ્ટેશન ઓટોરીક્ષા ડ્રાઇવર યુનિયને એડવોકેટ- કે.આર. કોષ્ટિ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, છેલ્લા એકાદ મહિનાથી રેલવે સત્તાધીશો અને પોલીસ તંત્ર રિક્ષાચાલકોને મુસાફરોને રેલવે સ્ટેશન પરિસરમાં મૂકવા કે લેવા જવા દેતા નથી. આ પ્રકારની નીતિ બંધારણની કલમ 19નું ઉલ્લંઘન છે.

PILમાં રજુઆત કરવામાં આવી છે કે, અમદાવાદ રેલવે સતાધીશો અને પોલીસ તંત્ર BRTS, ઓલા, ઉબર, ખાનગી ટેક્સીને અમદાવાદ રેલવે સ્ટેશન પરિસરમાં પ્રવેશ આપે છે પરંતુ રિક્ષાચાલકોને એક મહિનાથી પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. આ બંધારણની કલમ 14નું ઉલ્લંઘન છે. આ અંગે સત્તાધીશોને રજુઆત છતાં પગલાં ન લેવાતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવી પડી હતી.

અરજદાર તરફે દાવો કરવામાં આવ્યો હતો કે કોરોના મહામારીને કારણે રિક્ષાચાલકોને મુસાફરી ઓછી મળી રહી છે અને પાછલા 20 દિવસથી રાત્રી કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે અને જો તેમને અમદાવાદ રેલવે સ્ટેશનમાં પ્રવેશ આપવામાં ન આવતું હોવાથી અરજદાર સંઘના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થતું હોવાનો દાવો કરાયો હતો.

નોંધનીય છે કે અમદાવાદ રેલવે સ્ટેશન પર દરરોજ 400થી વધુ ટ્રેનની અવરજવર છે અને જે ટ્રેન અમદાવાદથી શરૂ થાય છે અથવા અંત થાય છે તેમાં પ્રત્યેક ટ્રેનમાં આશરે 1500 થી 2000 મુસાફરો આવતા હોય છે. વેસ્ટર્ન રેલવેમાં મુંબઈ બાદ અમદાવાદ સૌથી મોટો રેલવે સ્ટેશન છે. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનમાં 12 પ્લેટફોર્મ અને 16 રેલવે ટ્રેક છે.

(5:03 pm IST)