Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

વડાપ્રધાન દ્વારા દાંડી યાત્રા પ્રસ્થાન સમયે કોંગ્રેસે પણ યાત્રા માટે મંજૂરી માંગી, પોલીસની મુંજવણ વધી

સીપી સંજય શ્રીવાસ્તવ સહિતના ટોચના અધિકારીઓ દ્વારા બ્લૂ બુક આધારે એસપીજી સાથે સમીક્ષાઃ ખેડા જિલ્લામાં યાત્રાના ૩ દિવસ રોકાણ સંદર્ભે એસપી દિવ્ય મિશ્રા દ્વારા બેઠકોનો ધમધમાટઃ ગુપ્તચર વડા અનુપમસિંહ ગેહલોત તમામ યુનિટો પાસે અપડેટ મેળવી રહ્યા છે : ૧૨મી માર્ચ નરેન્દ્રભાઇની ઉપસ્થિતિમાં સાબરમતિથી શરૂ થનાર યાત્રા કેન્દ્ર અને સ્ટેટ માટે ટોપ પ્રાયોરીટી, આઇપીએસ જ નહિ આઇએએસ પણ સતર્ક કરાયા

રાજકોટઃ તા.૮, પૂજય મહાત્મા ગાંધીજી દ્વારા મીઠાના કર સામે અંગ્રેજોને હંફાવવા માટે ૧૨ માર્ચ ૧૯૩૦ મા સાબરમતીથી દાંડી સુધી કરેલી યાત્રા ૯૦ વર્ષ પૂર્ણ કરી ૯૧ વર્ષમાં પ્રવેશી રહી છે તેવા ઐતિહાસિક પ્રસંગની યાદગીરી રૂપે નીકળનાર યાત્રા પ્રસ્થાન માટે ૧૨મી તારીખે વડાપ્રધાન ગુજરાત અમદાવાદ આવી રહ્યા હોવાથી તેમની સુરક્ષા વ્યવસ્થા માટે તંત્ર દોડતું થયું છે.                               

  પોલીસ માટે વડાપ્રધાનના બંદોબસ્ત સાથે નવી સમસ્યા એ સર્જાય છે કે કોંગ્રેસ દ્વારા પણ આજ દિવસે દાંડી યાત્રા માટે મંજૂરી માગવામાં આવી છે.કોંગ્રેસના સેવા દળના આગેવાનોની દલીલ એવી છે કે અમે તો પરંપરા મુજબ યાત્રા યોજીએ જ છીએ. પોલીસ ભલે થોડો સમયમાં ફેરફાર કરી મંજૂરી આપે.         

દરમ્યાન માત્ર ગણત્રીના દિવસ માં વડા પ્રધાન ફરી ગુજરાત અર્થાત્ અમદાવાદ આવી રહ્યા છે ત્યારે તેવો સામે સ્ટેડિયમ નામ બદલવા મામલે કે અન્ય મામલે દેખાવો ન થાય તે માટે પોલીસ કમિશનર સંજય શ્રી વાસ્તવ સહિત ઊંચ્ચ અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખે છે.ભૂતકાળમાં આઇબીમાં ફરજ બજાવનાર સીપી દ્વારા પોતાની સ્પેશિયલ બ્રાન્ચ અને સ્ટેટ આઇબી સતત સંકલન રાખે તેવા પ્રયત્નો હાથ ધર્યા છે. દાંડીયાત્રા પ્રથમ દિવસે અસલાલી વિગેરે મલી  ખેડા જિલ્લામાં ત્રણ જગ્યાએ રોકાણ કરવાની એસપી દિવ્ય મિશ્રા દ્વારા પણ તમામ તૈયારીઓ માટે બેઠકનો દોર શરૂ થયો છે.   

અમદાવાદથી નવસારી સુધીની ૨૧ દિવસની દાંડી યાત્રા માટે ચીફ સેક્રેટરી જાતે રસ લઇ રહ્યા છે. બદલી માટે રાહ જોતા કલેકટરો અને અન્ય સનદી અધિકારીઓ ફરી બદલી મૂડ છોડવા આદેશ અપાયા છે.  

આ ઐતિહાસિક યાત્રા માટે રાજયના ગુપ્તચર વડા અનુપમસિંહ ગેહેલોત દ્વારા પોતાના સબાંધક યુનિટ પાસેથી તમામ લેટેસ્ટ વિગતો માગી હોવાનું સૂત્રો જણાવે છે. આઇબી દ્વારા કોંગ્રેસ દ્વારા સમાંતર યાત્રા માંગણી સંદર્ભે તમામ બાબતો પર બાજ નજર રખાઈ રહી છે.

(1:03 pm IST)