Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

અમદાવાદમાં આયશાના આપઘાત બાદ સાબરમતી રિવરફ્રન્‍ટ ઉપર સુરક્ષા કવચ વધારાશેઃ થ્રી લેયર સુરક્ષાના આદેશઃ સ્‍પીડ બોટ અને 50થી વધુ સ્‍કુટર-2 ગોલ્‍ફ કાર્ટમાં મહિલા પોલીસ પેટ્રોલીંગ કરશેઃ પ્રદિપસિંહ જાડેજાની જાહેરાત

અમદાવાદ: શહેર પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કરાઈ હતી. શહેર પોલીસ કમિશનર સહિત જેસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મહિલા આયોગના અધ્યક્ષા લીલાબહેન અંકોલીયા પણ હાજર રહ્યા હતા. મહિલા દિન નિમિત્તે નિર્ભયા પ્રોજેકટના ચિહ્નનું અનાવરણ કરાયું છે.

ખરા અર્થમાં મહીલા કેટલી તાકાતવર છે તે માત્ર આ કરતબો પરથી નહિ પણ મહિલા પોલીસની કામગીરી પણ સૌ કોઈએ જોઈ હશે. જેનાથી મહિલા પોલીસની તાકાત દેખાતી હોય છે. ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે પોલીસ મહિલા તાલીમાર્થીઓએ જૂડો, કરાટે, રેસલિંગ કરી કરતબ બતાવ્યા. સાથે સાથે SRT દ્વારા સ્પેશ્યિલ બસ હાઇ જેક કરીને ડેમોસ્ટ્રેશન પણ બતાવામાં આવ્યું. મહિલાઓએ વિવિધ ક્ષેત્રમાં પોતાનું શક્તિ પ્રદર્શન બતાવ્યું અને આંખો પર પાટા બાંધીને રાઇફલની કામગીરી કરીને પણ કરતબ બતાવ્યા હતા.

ત્યારે આ કાર્યક્રમમાં પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, અમદાવાદમાં આયશાના આપઘાત બાદ રિવરફ્રન્ટ પર સુરક્ષા કવચ વધારાશે. સરકારે થ્રિ લેયર સુરક્ષાને લઈને પણ આદેશ આપ્યા છે. સ્પીડ બોટથી નદીમાં પેટ્રોલિંગ કરવાની પણ તેઓએ ખાતરી આપી. 50 થી વધુ સ્કૂટર અને 2 ગોલ્ફ કાર્ટમાં મહિલા પોલીસ પેટ્રોલિંગ કરવાનું પોલીસે આયોજન કર્યું.

ખાસ હવે શરૂ થઈ રહેલા નિર્ભયા પ્રોજેકટની વાત કરીએ તો ભારત સરકારના સેફ સિટી પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓની સુરક્ષા માટે થતી કામગિરીને લઇને ગ્રાન્ટ ફાળવવામાં આવી. કુલ આઠ શહેરોમાંથી તેમાં અમદાવાદનો પણ સમાવેશ થયો. જેને લઇને અમદાવાદ પોલીસે નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ જે પ્રપોઝલ મૂક્યા તેને લઇને હવે શહેર પોલીસને જે ત્રણ વર્ષ માટે 220 કરોડની ગ્રાન્ટ મંજૂર થઇ હતી તેમાં પહેલા વર્ષના ખર્ચ માટે 85 કરોડની ગ્રાન્ટ મળી.

શું કરાશે નિર્ભયા પ્રોજેક્ટમાં?

- ત્રણ કોમ્પોનેન્ટ્સના 17 ભાગોમાં કામ શરૂ કરી દેવાયું

- પહેલું કામ શી સ્ક્વોડ માટે કરવામાં આવ્યું

- પહેલો ભાગ એટલે મોબિલીટી કોમ્પોનેન્ટમાં પોલીસે 100 જેટલી નિર્ભયા વાન કમ પીસીઆર વાન ખરીદવાનો

- આ વાન ટેક્નોલોજી અને સીસીટીવી કેમેરાથી સજ્જ હશે, જેમાં મોબાઇલ ડેટા અને લાઇવ રેકોર્ડિંગ અને રેડ લાઇટ વાયોલેશન ડિટેક્શન પર સંપૂર્ણ ધ્યાન રખાશે.

- આ વાન શહેરમાં ચાલુ કરાયેલી શી ટીમ ને ઉપયોગમાં અપાઈ

- સાથે સાથે ટુ વ્હીલરો પણ ખરીદવામાં આવ્યા.

- છેડતી જેવા બનાવો અટકાવવા 40 જેટલા ટુ વ્હીલરો ખરીદવામાં આવ્યા

- કાંકરિયામાં જે રીતે ઇલેક્ટ્રોનીક વાહનોનો ઉપયોગ કરાય છે તેવા વાહનો પણ ખરીદી પેટ્રોલીંગ કરાશે

- રિવરફ્રન્ટ કે જ્યાં વધુ યુવતીઓ ફરવા આવતી હોય છે અને ત્યાં છેડતીના બનાવો વધતા હોય છે તેના માટે બે સ્પીડબોટ પણ વસાવવામાં આવશે

- બીજા કોમ્પોનેન્ટ્સમાં ટેકનોલોજીને લગતી કાામગિરી આ પ્રોજેક્ટમાં કરાશે

- જેમાં બસસ્ટેન્ડ, રીક્ષા સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનને હોટસ્પોટ બનાવી ત્યાં વધુ સીસીટીવી કેમેરા મૂકાશે

- જેનું મોનિટરીંગ સ્પેશિયલ કંટ્રોલરૂમ અને સ્થાનિક પોલીસ કરશે

- સાથે સાયબર ક્રાઇમમાં પણ સ્પેશિયલ મહિલા ટીમ મૂકાશે જે આ પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને લગતા કામ કરશે....

- દેશમાં કદાચ ક્યાંય નથી તેવો RFID સર્વેલન્સથી કામ કરાશે

- RFID સર્વેલન્સ એટલે રીક્ષા, બસમાં જે મહિલાની છેડતીના બનાવો બને છે તેને રોકવા 20 હજારથી વધુ આ RFID ટેગ લગાવાશે અને દરેક મુમેન્ટ તેની પોલીસ ટ્રેક કરશે, જેને લઇને મહિલાઓની ટ્રાન્સપોર્ટ સુરક્ષા પર પણ પોલીસ તહેનાત રહેશે

- સિનિયર સિટિઝન મહિલાઓ માટે એસઓએસ બટન મૂકાશે જે દબાવવાથી સીધું સ્પેશિયલ કંટ્રોલરૂમમાં એલાર્મ વાગશે અને પોલીસનો ક્વીક રિસપોન્સ મળી રહેશે.

- રિવરફ્રન્ટ પર 360 ડિગ્રીના પીટીસી કેમેરા લગાવાશે અને સતત પોલીસ તેની નજર રાખશે

- એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પર ફેસ રેકગ્નાઇઝ કેમેરા લગાવાશે જેથી કોઇ ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ પ્રવેશ કરે તો પોલીસ સીધી કાર્યવાહી કરશે

- વતીઓના લાઇફ સપોર્ટ માટે આ જગ્યાઓ પર હેલ્પ ડેસ્ક પણ મૂકાશે

- આ પ્રોજેક્ટનો ત્રીજો ભાગ પોલીસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે હાથમાં લીધો છે

- જેમાં અસારવા અને સોલા સિવલ ખાતે વન સ્ટોપ ક્રાઇસ સેન્ટર ઉભા કરાશે

- હાલ પણ હ્યુમન એન્ડ ચાઇલ્ડ વિભાગ તરફથી શહેરમાં આવા આઠ સેન્ટર છે પણ હવે સીધા બે સેન્ટર બનાવી પોલીસ રાખવામાં આવશે

- તો રિવરફ્રન્ટ પર હાલ તો ઇસ્ટ અને વેસ્ટ બે પોલીસસ્ટેશન કાર્યરત છે જ પણ તે પોલીસસ્ટેશનને નવા રંગરૂપ આપી ટેક્નોલોજીથી સજ્જ બનાવાશે

- જેના માટે પણ સાત કરોડ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને તેની ડિઝાઇન પણ તૈયાર કરી દેવાઇ છે

- જાપાનમાં કૌભાન ચોકી હોય છે તે કોન્સેપ્ટ સાથે લાઇવ ચોકી બનાવાશે, જેમાં લેટેસ્ટ ઇલેકટ્રોનીક ગેઝેટ્સ રખાશે

- આ ચોકીમાં સ્પેશિયલ પોલીસ તહેનાત કરાશે જે રિવરફ્રન્ટનો બંને બાજુનો 1.6 કિમીનો કેચમેન્ટ એરિયા કવર કરી મહિલાઓ સાથે બનતા બનાવોમાં ક્વીક એક્શન લેશે.

આ પૂરા પ્રોજેક્ટ માટે શહેરના બે સેક્ટર જેસીપી, 10 થી વધુ ડીસીપી અને 15 થી વધુ એસીપીની કમિટીને અલગ અલગ જવાબદારીઓ સોપાઇ છે. બે જેટલા પ્રોજેક્ટનું કામ શરૂ થઇને પૂર્ણ થવાના આરે છે. જ્યારે અન્ય કાર્ય અન્ડર વર્કિંગ પ્રોસેસ છે. ત્યારે શહેરમાં વધતા છેડતી, બળાત્કાર જેવા ગુનાને રોકવા હવે આ નિર્ભયા પ્રોજેક્ટ શહેર પોલીસ માટે અગત્યનો પ્રોજેક્ટ સાબિત થયો છે અને તેનાથી વર્ષો બાદ અસામાજીક તત્વો પર કેવો અંકુશ પોલીસ લાવી શકે છે તે જોવું રહ્યું.

(5:20 pm IST)