Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

કડીના બુડાસણ જીઆઇડીસીમાં તેલના ડબ્બા ભરવાની ફેક્‍ટરીના જીએસટી અધિકારીઓની ઓળખ આપનારનો પર્દાફાશઃ એક ઝડપાયોઃ 3 ફરાર

કડી: બુડાસણ જી.આઈ.ડી.સીમાં  આવેલ આર.જે.પ્રોટીન્સ નામની તેલના ડબ્બા ભરવાની ફેકટરીમાં શુક્રવાર બપોરના સમયે ચાર જેટલા અજાણ્યા માણસો ઇન્કમટેક્સ અને જી.એસ.ટી.અધિકારીઓ તરીકેની ઓળખ આપી ફેકટરીમાં પડેલી ફાઇલો તેમજ લોકરમાં પડેલ રૂ.1,83,350/- લઈ આઈકાર્ડ માગતા બહાર ગાડીમાં બેસી ભાગવા જતા એક ઈસમ ઝડપાઇ ગયો હતો. જ્યારે બીજા ત્રણ ઈસમ ફરાર થઈ ગયા હતા.

મહેસાણાના કડીની રાજેશ્વરી સોસાયટીમાં રહેતા જતીનકુમાર કનૈયાલાલ પટેલ બુડાસણ જી.આઈ.ડી.સી.માં આર.જે.પ્રોટીન્સ નામથી પામોલિન તેલના ડબ્બા ભરવાની ફેકટરી તેમજ ઓમ કાર વિલા નામથી કન્સ્ટ્રકશન સાઈડ ચલાવે છે. ફેકટરીમાં બે મજૂર તેમજ મહેતાજીનો સ્ટાફ હાજર હતે. જતીન પટેલ બપોરના સમયે ફેકટરી જઈ રહ્યા હતા, ત્યારે તેમના ઉપર ફેક્ટરીમાંથી ફોન આવ્યો કે ઇન્કમટેક્સ વિભાગમાંથી ચાર સાહેબ આવેલા છે. 

જેઓએ અંદર કામ કરતા બધાના મોબાઈલ લઈ ફાઇલ ચેક કરવાના બહાને લીધી છે. તેમજ લોકરમાં પડેલ રોકડ રકમ કેસ કરવાની ધમકી આપી લઈ લીધી છે. જેથી જતીન પટેલ ફેકટરી પહોંચી તપાસ કરતા તેઓ ફેકટરીમાં તપાસ કરી રહ્યા હતા. જેથી તેઓએ તેમની પાસે આઈકાર્ડ માંગતા તેઓએ બહાર ગાડીમાં હોવાનું કહી રોકડ રકમ લઈ ભાગી ગયા હતા.

જોટાણાના રોહિતવાસમાં રહેતો મુકેશ સોમાભાઈ ચાવડા ઝડપાઇ ગયો હતો. જ્યારે સાથેના ત્રણ વ્યક્તિઓ ગાડી જી.જે.27 બી.એસ.8806 માં ભાગી છૂટ્યા હતા.પકડાયેલ ઇસમની પૂછપરછ કરતા તેની સાથે રહેલ સ્ત્રી હેમલ શાહ NCBR નામની ખાનગી ચેનલમાં પત્રકાર હોવાનું જણાવ્યું હતું. તેઓ કોઈ જી.એસ.ટી.અધિકારી નથી તેમના કહેવાથી તે સાથે આવ્યો હતો. બીજા બે વ્યક્તિઓને તે ઓળખતો નહિ હોવાનું કહ્યું હતું. ફરિયાદી  જતીન પટેલે પકડાયેલ ઇસમને પોલીસને સોંપી તેઓએ  જી.એસ.ટી.અધિકારીઓની ખોટી ઓળખ આપી ધાકધમકી આપી બળજબરી પૂર્વક રોકડ રકમ લઈ જવાની ફરિયાદ નોંધાવી છે. કડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:22 pm IST)