Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

બર્ડ ફ્લૂના ફફડાટ વચ્ચે રાજ્યમાં અભયારણ્ય બંધ કરવાનો હૂકમ સરકારે મુલતવી રાખ્યો

ભારત સરકારની ગાઈડલાઈન અનુસાર તમામ વન્યપ્રાણી રક્ષિત વિસ્તારોમાં જરૂરી તકેદારી રાખવાની રહેશે.

અમદાવાદ :  જૂનાગઢ જિલ્લામાં પ્રવાસી પક્ષીઓ અને રાજસ્થાનના સવાઈ માઘોપુર, પાલી, જૈસલમેર અને માહોર જિલ્લાઓમાં કાગડાઓમાં પોઝિટિવ નમૂના મળવાની પુષ્ટિ થયા પછી કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રાલયે પ્રભાવિત રાજ્યોને સૂચના આપી છે કે, તેઓ એવિયન ફ્લૂ બિમારીને રોકવા માટે કાર્ય યોજના અનુસાર કામ કરે

આ બાબતે ગુજરાત સરકારે બર્ડ ફ્લૂના સંક્રમણને રોકવા રાજ્યના સાત અભયારણ્યોને મુલાકાતીઓ માટે બંધ કરવાનો હુકમ કર્યો હતો. જોકે, મોડી સાંજે સરકારે ફરીથી પોતાનો નિર્ણય પાછો ખેચ્યો હતો.

સરકારે પોતાના બીજા હુકમમાં જણાવ્યું છે કે, બર્ડ ફ્લૂ (એવીયન ઈન્ફલ્યુએન્ઝા)ના અટકાયતી પગલાના ભાગરૂપે સંદર્ભર્શિત પત્રથી બહાર પાડવામાં આવેલા હુકમની અમલવારી હાલ તુરત મોકૂફ રાખવામાં આવે છે. પરંતુ ભારત સરકારની ગાઈડલાઈન અનુસાર તમામ વન્યપ્રાણી રક્ષિત વિસ્તારોમાં જરૂરી તકેદારી રાખવાની રહેશે.

 આ પહેલા સરકારે જાહેરનામું બહાર પાડીને જણાવ્યું હતુ કે, તાજેતરમાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશ જેવા પડોશી રાજ્યોમાં પક્ષીઓમાં બર્ડ ફ્લૂ રોગનો માહોલ છે. આ રોગ પક્ષીઓમાં ઝડપથી ફેલાય છે તથા પક્ષીઓમાંથી માનવીઓમાં પણ ફેલાવવાની શક્યતાઓ રહેલી છે. જે ધ્યાને લેતા તકેદારી અને અગમચેતીના ભાગરૂપે વન્યપ્રાણી સંરક્ષણ ધારા-1972ની કલમ 27 અને 33 અન્વયે અભયારણ્યોને તાત્કાલિક અસરથી મુલાકાતીઓના પ્રવેશ પર બીજી સૂચના ના આપવામાં આવે ત્યા સુધી પ્રતિબંધિત ફરમાવવામાં આવે છે.

(10:16 am IST)