Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

વડોદરામાં હિન્‍દુ યુવતિ સાથે લગ્ન બાદ વિધર્મી યુવકે ધર્મ પરિવર્તન કરીને હિન્‍દુ ધર્મ અંગીકાર કર્યો

વડોદરા: શહેરમાં વિધર્મી યુવાને હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા બાદ પોતે ધર્મ પરિવર્તન કર્યું હતું. વિધર્મી યુવાને જિલ્લા મેજીસ્ટ્રેટ કલેક્ટર પાસે હિન્દુ ધર્મ અંગીકાર કરવા અંગેની મંજુરી માંગતી અરજી કરી હતી. જેને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ અરજીને મંજુરી આપવામાં આવી હતી. વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા યુવાને વડોદરા ન્યાયમંદિર વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. ચાર પાંચ વર્ષ સુધી ચાલેલા પ્રેમ સંબંધ બાદ બંન્નેએ લગ્ન કરી લીધા હતા.

2016માં પરિવારની મંજુરીથી બંન્નેના હિન્દુવિધિ સાથે લગ્ન થયા હતા. ચાર વર્ષના લગ્નજીવન દરમિયાન યુવકે પોતાનાં વકીલ દ્વારા હિન્દુધર્મ અંગીકાર કરવા માટેની મંજુરી માંગતી અરજી વડોદરા જિલ્લા કલેક્ટર સમક્ષ કરી હતી. વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ શાલિની અગ્રવાલ દ્વારા તમામ કાયદાકીય કાર્યવાહી પુર્ણ કરીને યુવકને હિન્દુ ઘર્મ અંગીકાર કરવા માટેની મંજુરી આપવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમ બાદ યુવક યુવતીની સાથે રહે છે. બંન્ને સાથે રહેવાની મંજુરી મળી ચુકી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ એક બ્રાહ્મણ યુવતીએ એક વિધર્મી યુવક સાથે લગ્ન કર્યા હતા. તેને મુંબઇમાં જઇને લગ્ન કર્યા બાદ યુવતીનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. ધર્મ પરિવર્તન બાદ યુવતી વડોદરા ખાતે પરત ફરતા ભારે હોબાળો થયો હતો. યુવતીને તેના ઘરે પરત લાવવામાં આવી હતી. જ્યાં અનેક ઉચ્ચ નેતાઓ તેને સમજાવવા માટે દોડી આવ્યા હતા. યુવતીનાં લગ્ન બાદ તેના પિતાએ અન્ન જળનો ત્યાગ કરતા તેમનું મોત નિપજ્યું હતું. તે યુવકને ધર્મ પરિવર્તન કરવા માટે જણાવાયું હતું. હાલ તો આ સમગ્ર કોકડું ગુંચવાયેલું છે. યુવતી પોતાનાં પરિવાર સાથે રહી રહી છે.

(5:28 pm IST)